Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત ફિલ્મી ઢબે પીછો કરી કટીંગ થાય એ પહેલા ગોંડલ રોડ ચોકડી પાસે કાર્યવાહી

ક્રાઇમ બ્રાંચે ૧૭.૬૮ લાખના દારૂ સાથે પાંચને દબોચ્યા

પોલીસ કમિશનરની સુચનાથી સઘન પેટ્રોલીંગઃ આઇશર સાથે પંજાબી ડ્રાઇવર ગુરૂમેલસિંગ દામીને પકડ્યોઃ પાયલોટીંગ કરી રહેલી સ્વીફટ કારમાંથી હરિયાણાથી જથ્થો મોકલનાર મુખ્ય સુત્રધાર સત્યનારાયણ યાદવ, જુનાગઢનો અરવિંદ મકવાણા, લખન પરમાર અને કેશોદ બામણાસનો કૃષ્ણકુમાર ઉર્ફ કલ્પેશ કરંગીયા પકડાયાઃ કુલ રૂ. ૨૬,૯૫,૧૪૦નો મુદ્દામાલ કબ્જે : હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારીની બાતમી : મુખ્ય સપ્લાયર હરિયાણાનો સત્યનારાયણ અગાઉ જુનાગઢમાં ૫૦૦ પેટી, વાંકાનેરમાં બે વખત ૪૯૨, ૬૦૦ પેટી સાથે પકડાયો હતો અને પાસામાં પણ જઇ આવ્યો છે : પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. ધાંધલ્યા અને ટીમનો દરોડો

રાજકોટ તા.૧૦: તહેવાર ટાણે બુટલેગરો બેફામ બની જાય છે અને પોલીસ પણ સક્રિય થઇ જાય છે તેની પ્રતિતિ થઇ રહી છે. શહેર ક્રાઇમ બ્રાંચે જુનાગઢ તરફ જઇ રહેલો રૂ. ૧૭,૬૮,૧૪૦નો ૩૬૬૦ બોટલ દારૂ ભરેલી આઇસર ટ્રક સાથે પંજાબી શખ્સને તથા આગળ પાઇલોટીંગ કરી રહેલી સ્વીફટ કારમાંથી હરિયાણાના મુખ્ય સપ્લાયર તથા જુનાગઢના ત્રણ શખ્સને ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધા છે. પોલીસે દારૂ, વાહનો, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૬,૯૫,૧૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ બાળા અને સુભાષભાઇ ઘોઘારીને બાતમી મળી હતી કે હરિયાણાથી દારૂ ભરીને એક આઇસર આવી રહ્યું છે અને જુનાગઢ તરફ જઇ રહ્યું છે. આ બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા તથા ટીમે ગોંડલ રોડ ચોકડથી જુનાગઢ તરફ જવાના હાઇવે પર વોચ રાખતાં એચઆર૪૭બી-૩૫૭૬ નંબરનું આઇસર નીકળતાં તેને અટકાવાયું હતું. આગળ એક જીજે૧૧એએસ-૮૬૯૦ નંબરની સ્વીફટ કાર પણ હતી. પરંતુ આ બંને વાહનના ચાલકોએ પોલીસને જોઇ ગાડીઓ ભગાવી મુકતાં પોલીસે ફિલ્મી ઢબે હાઇવે પર પીછો કર્યો હતો અને બંને વાહનોને આંતરી લીધા હતાં.

પોલીસે બંને વાહનો અટકાવતાં ટ્રકમાંથી પંજાબી ડ્રાઇવર પંજાબના સાહેબજાદા જીલ્લાતા ખરડ તાબેના મુંડીખરડનો

ગુરૂમેલસિંઘ સુચાસિંઘ દામી (ઉ.વ.૪૭) પકડાયો હતો. ટ્રકમાં રૂ. ૧૭,૬૮,૧૪૦નો ૩૬૬૦ બોટલ દારૂ હોઇ તે કબ્જે કરાયો હતો. તેમજ રૂ. પાંચ લાખનો ટ્રક પણ કબ્જે કરાયો હતો.

આ ઉપરાંત કારમાંથી હરિયાણાના રેવાડી જીલ્લાના ધારૂહેડાના કાપડીવાસ ગામનો સત્યનારાયણ શ્રીચંદભાઇ યાદવ (ઉ.વ.૪૪), કાર ચાલક કેશોદના બામણાસા ઘેડનો  હાલ જુનાગઢ સુદામા પાર્ક બ્લોક નં. ૨૫માં રહેતો કૃષ્ણકુમાર ઉર્ફ કલ્પેશ રામભાઇ કરંગીયા (ઉ.વ.૩૧), જુનાગઢના વંથલીના વાડલા ગામનો અરવિંદ વલ્લભભાઇ મકવાણા (ઉ.વ.૩૩), મુળ જુનાગઢના વંથલીના સેરલા ગામનો લખન લાલજીભાઇ પરમાર (ઉ.વ.૨૨) મળતાં આ ચારેય દારૂનો ટ્રક જુનાગઢ તરફ લઇ જતાં હોવાનું ખુલતાં ચારેયને પકડી કાર પણ કબ્જે લેવાઇ હતી.

વધુ માહિતી મુજબ હરિયાણાનો મુખ્ય સપ્લાયર સત્યનારાયણ યાદવ અગાઉ જુનાગઢમાં ૫૦૦ પેટી દારૂમાં, વાંકાનેરમાં એક વાર ૪૯૨ પેટી અને બીજીવાર ૫૦૦ પેટીમાં પકડાયો હતો. તેમજ પાસામાં પણ જઇ આવ્યો છે. આ ઉપરાં લખન વંથલીમાં દારૂના એક ગુનામાં અને અરવિંદ જુનાગઢમાં દારૂના ત્રણ ગુનામાં તથા કૃષ્ણકુમાર ઉર્ફ કલ્પેશ જુનાગઢમાં રાયોટ, મારામારીના ગુનામાં પકડાઇ ગયો છે. તમામની વિશેષ પુછતાછ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(2:58 pm IST)