Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સિધ્ધહસ્ત લેખિકા ગીતા માણેકની કલમમાંથી નીતરેલી રસપ્રદ ડોકયુ-નોવેલ

પુસ્તક : સરદાર ધ - ગેમ ચેન્જર

ભારતને ટૂકડાં - ટૂકડાંમાં વિભાજિત કરી નાખવાના ષડયંત્રને 'સરદારે' એકલા હાથે નિષ્ફળ બનાવ્યું : ઊંડાણપૂર્વકના સંશોધનો બાદ ગીતા માણેકે હકીકત આધારિત નવલકથા આલેખી

રાજકોટ તા. ૮ : સરદાર એટલે ગુજરાતનું અણમોલ ઘરેલું અને ભારતના ઇતિહાસનું અનન્ય પાત્ર... સરદાર પર થોકબંધ સાહિત્ય આલેખાયું છે. વલ્લભભાઇ પટેલનું પૂર્ણ વ્યકિતત્વ કલમથી કંડારવું અને શબ્દોમાં સંગ્રહવું અતિ કઠીન કાર્ય છે.

સિધ્ધહસ્ત લેખિકા ગીતા માણેકે સરદાર અંગે ખૂબ ઊંડાણપૂર્વક સંશોધન કરીને રસપ્રદશૈલીમાં હકીકત આધારિત નવલકથા 'સરદારઃ ધ - ગેમ ચેન્જર' આલેખી છે. આ પુસ્તક વસાવવા અને વાચવા - વંચાવવા જેવું છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં મનોજ નવનીત જોશી લખે છે, 'ગીતા માણેકે પત્રકાર બાદ લેખિકા તરીકે પોતાનું સ્થાન સજર્યું છે. આ પુસ્તક તેની અત્યાર સુધીની લેખન - કારકિર્દીમાં શિરમોર ગણી શકાય તેવું છે. તેનું શબ્દ ભંડોળ સમૃધ્ધ છે, લેખન શૈલી રસપ્રદ છે. ઇતિહાસની શુષ્ક વિગતો રસપ્રદ રીતે આલેખવી એ ગીતાની કલમની ખાસિયત છે.'

આ પુસ્તક અંગે લેખિકા ગીતા માણેક લખે છે કે, 'ગાંધીવાદ, નેહરૂવાદ, આંબેકડરવાદ જેવા વિશેષણો છે, પણ પટેલવાદ જેવો શબ્દ નથી. ભારત માટે જે કાર્ય વિષ્ણુગુપ્ત ચાણકય અને આદિ શંકરાચાર્યએ કર્યું હતું એવું ભારતને અખંડ રાખવાનું કાર્ય સરદાર પટેલે કર્યું છે, પરંતુ જે માન-સન્માન ગાંધીજી - જવાહરલાલ નેહરૂને પ્રાપ્ત થયા એ સરદારને પ્રાપ્ત નથી થયા.'

ગીતા માણેક પુસ્તક માટેની સંશોધન યાત્રાનો અનુભવ લખે છે કે, સરદારની પુત્રી મણિબહેને ૧૯૩૬થી ૧૯૫૦ સુધીની સરદારની રોજનીશી લખી હતી. આ ડાયરી અમદાવાદના સરદાર સ્મારકમાં છે. મેં આ ડાયરી મેળવવા ખૂબ પ્રયાસો કર્યા, પણ નિષ્ફળ રહ્યા. બાદમાં વરિષ્ઠ લેખક ગુણવંત શાહ પાસેથી ડાયરીના અંશો રૂપી એક પુસ્તક મળ્યું. આ દિગ્ગજ લેખકે મને પુસ્તક - પ્રોત્સાહન પૂરા પાડયા, હું ગુણવંતભાઇની આભારી છું.

આવા થોકબંધ પુસ્તકો - દસ્તાવેજોમાંથી ગીતા માણેકે હકીકતો અલગ તારવીને તેને રસપ્રદ નવલકથાનું સ્વરૂપ આપ્યું છે. પૂર્વગ્રહથી મુકત રહીને નેહરૂ - સરદારના વિવાદો આલેખ્યા છે.

આ બધું સંશોધન સરદાર પર નાટક લખવા કર્યું હતું, પણ દોઢ - બે કલાકના નાટકમાં તે સમાવવું શકય ન હતું. આ કારણે ડોકયુ-નોવેલ આદરી.

આ નવોવેલ લખાતી ગઇ અને ધારાવાહિકરૂપે 'મિડ-ડે'માં પ્રકાશિત થઇ ગઇ. સમગ્ર આલેખનમાં સ્વજનો - મિત્રોનો અપાર સહયોગ મળ્યો. જોકે, ગીતા માણેક લખે છે કે, 'આ લખવાની ઊર્જા અને ક્ષમતાનો સ્ત્રોત મારા ગુરૂ પરમ પૂજ્ય આનંદ મૂર્તિ ગુરૂમા છે.'

અદ્ભૂત પ્રિન્ટીંગ, રસપ્રદ શૈલી, આકર્ષક લે-આઉટ પુસ્તકની આગવી વિશેષતા છે. દરેક ગુજરાતીઓએ ઇતિહાસના અમર પાત્ર સરદાર અંગેની આ રસપ્રદ નોવેલ અચૂક માણવી જોઇએ.

પરિચયની ઝલક

ગીતા માણેક

'સરદાર : ધ ગેમ - ચેન્જર' પુસ્તકના લેખિકા ગીતા માણેકે પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં નવલકથા, નવલિકા, પ્રવાસ વર્ણન, બાળવાર્તા, નિબંધો, અનુવાદ વગેરે સાહિત્ય પ્રકારોમાં કામ કર્યું છે.

અમેરિકામાં થયેલા આતંકી હુમલા પર આધારિત હિન્દી નાટક 'આખિર કયું ?' આલેખ્યું હતું. આ ઉપરાંત તેમના અનેક નાટકો લોકપ્રિય થયા છે. સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત સિરીયલ 'સારથિ'નું સંવાદ લેખન પણ કર્યું હતું. સૂચના - પ્રસારણ મંત્રાલય આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ગીતા માણેકને સર્ટિફિકેટ ઓફ એકસલન્સ પ્રાપ્ત થયું છે. તેમની કોલમો ગુજરાતી અખબારોમાં પ્રકાશિત થઇ રહી છે. (મો. ૯૮૩૩૫ ૫૪૮૦૬)

પુસ્તક પરિચય

સરદાર     : ધ - ગેમ ચેન્જર

લેખિકા     : ગીતા માણેક

પેઇજ       : ૩૦૦

કિંમત      : રૂ. ૩૫૦

પ્રાપ્તિ સ્થાન    : કૌટલ્ય બુકસ,

૩૦૯ - હરિ સદન, ૨૦, અન્સારી રોડ, દરિયાગંજ, નવી દિલ્હી.

ફોન : ૦૧૧-૪૭૫૩૪૩૪૬

મો. ૯૯૧૧૫ ૫૪૩૪૬

(10:04 am IST)