Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાજકોટમાં વરસાદી કર્ફયુ : જનજીવન ઘરમાં પુરાયુ...

શાળા-કોલેજો, યાર્ડ, બજાર સુમસામ * રાજમાર્ગો પર પાણી... પાણી... * વરસાદની જ ચારેકોર ચર્ચા : ડેમોમાં નવા નીરની ભરપૂર આવક

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજકોટ શહેરમાં મેઘાવી માહોલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા ૩૦ કલાકમાં ૧૭ ઈંચથી વધુ વરસાદ પડતા જાણે રાજકોટમાં મેઘાવી કર્ફયુનો માહોલ સર્જાયો છે.

ગઈકાલે ઘટાટોપ વાદળાઓ છવાયા બાદ બપોરે ૩ કલાકથી શરૂ થયેલા ધીમીધારના વરસાદે રાત્રે ૨ કલાક પછી તેજ ગતિમાં ધોધમાર વરસવાનું શરૂ કર્યુ હતું. તેમાંય રાત્રે ૩:૩૦ કલાકથી સવારે ૭ કલાક સુધીમાં તો વધુ ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો. ઠેર-ઠેર પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ હતું.

સવારે ૭ કલાકથી મોટાભાગના રાજમાર્ગો ઉપર પાણી ભરાવા અને સતત વરસાદ ચાલુ રહેતા લોકો ઓફીસ કે ઘરની બહાર નીકળવાનું જ માંડી વાળ્યુ હતું. પરિસ્થિતિ પામી રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ નિયામકે રજા જાહેર કરી દીધી હતી તો રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ ભારે વરસાદ અને આગાહીને પગલે રજા જાહેર કરી દીધી હતી.

સવારે ૯ કલાક બાદ પણ વરસાદનું જોર યથાવત જ રહેતા શાળા-કોલેજો અને યુનિવર્સિટીના ભવનો બાદ શહેરની મોટાભાગની બજારો દરજી બજાર, પરા બજાર, ગુંદાવાડી, કેવડાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, ગરેડીયા કુવા રોડ, યાજ્ઞિક રોડ, સોની બજાર સહિતની મુખ્ય બજારો બંધ રહી હતી તો શહેરના મુખ્ય રાજમાર્ગો કાલાવડ રોડ, રૈયા રોડ, યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, ગુંદાવાડી, સાધુ વાસવાણી રોડ, અમીન માર્ગ, નિર્મલા કોન્વેન્ટ માર્ગ, રેસકોર્ષ રીંગ રોડ, મોટી ટાંકી ચોક, કસ્તુરબા રોડ, કેસરી પુલ, પેડક રોડ, ભાવનગર રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ રાહદારીઓની અવર-જવર સાવ ઓછી હતી.

બજારો ઉપરાંત માર્કેટીંગ યાર્ડ, શાક માર્કેટ, ફ્રૂટ બજાર સહિતની અનેક બજારોમાં પણ ભારે વરસાદને કારણે બંધ જેવી હાલત રહી હતી.

ભારે વરસાદને પગલે જાણે કર્ફયુ હોય તેમ જનજીવન જાણે ઘરમાં પરિવાર સાથે પુરાયુ છે. સાથોસાથ રાજકોટ અને તેની આસપાસના તમામ ડેમોમાં પણ નવા નીરની ભરપૂર આવકની ગણતરી મંડાતી હતી. (૩૭.૨૯)(તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(4:47 pm IST)