Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસે નાનીમા સાથે રહેતી ૧૪ વર્ષની બાળા ગૂમઃ અપહરણનો ગુનો

અગાઉ પણ એક શખ્સ સાથે ભાગી ગઇ હતીઃ ત્યારે સમજાવટથી પાછી આવી ગઇ હતીઃ બાળા પાસેનો મોબાઇલ પણ સતત બંધ : ૧૨ાા સુધી બધા જાગતા'તાઃ રાતે ૧ વાગ્યે નાનીમા ઉઠ્યા ત્યારે દોહિત્રી ખાટલામાંથી ગાયબ હતી

રાજકોટ તા. ૧૦: ગ્રીનલેન્ડ ચોકડી પાસે નાનીમા અને નાનાજી સાથે રહેતી ૧૪ વર્ષની દેવીપૂજક બાળા ૨૯/૭ના રાતે ઘરમાંથી ગૂમ થતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં સગીરા ગૂમ થવાના કિસ્સામાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શૈલેષભાઇની લગ્નવાડીમાં રહેતાં અને વાડીની સામે જ ઠંડાપીણાની રેંકડી રાખી ગુજરાન ચલાવતાં ગુલાબબેન જગદીશભાઇ વાઘેલા (દેવીપૂજક) (ઉ.૬૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

ગુલાબબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દિકરી અમરતના લગ્ન વીસ વર્ષ પહેલા કરસનભાઇ ચોૈહાણ સાથે થયા હતાં. તેને સંતાનમાં બે દિકરી છે. જમાઇ કરસનભાઇનું છએક વર્ષ પહેલા બિમારીથી મોત નિપજ્યું હતું. એ પછી અમરતે બીજા લગ્ન કરી લેતાં તેની બંને દિકરીઓ મારી સાથે રહે છે. જેમાં એક ૧૮ વર્ષની અને બીજી ૧૪ વર્ષની છે. આ ૧૪ વર્ષની દિકરી અભણ છે. ૨૯/૭ના રોજ હું તથા મારા પતિ રાતે સાડા બાર સુધી ટીવીમાં ફિલ્મ જોતાં હતાં એ પછી અમે શૈલેષભાઇની વાડીમાં રહેતાં હોઇ તેને અંદરથી તાળુ મારીને સુઇ ગયા હતાં.

રાતે એકાદ વાગ્યે મારી ઉંઘ ઉડતાં બાજુના ખાટલામાં મારી ૧૪ વર્ષની દોહિત્રી (દિકરીની દિકરી) જોવા મળી નહોતી. તપાસ કરતાં દેખાઇ નહોતી. તેનો મોબાઇલ ફોન પણ જોવા નહોતો મળ્યો. વાડીમાં જોયું તો દરવાજે તાળુ જેમનું તેમ હતું. એ પછી મેં પતિને ઉઠાડીને વાત કરતાં અમે આસપાસમાં તપાસ કરી હતી. પણ તેણી કયાંય દેખાઇ નહોતી. એ પછી રાતે બે વાગ્યે મારા વેવાણ લક્ષ્મીબેનને ફોનથી જાણ કરી હતી. આ અગાઉ જુલાઇ મહિનામાં પણ આ દોહિત્રી રાજુ જખાનીયા નામના જોડીયાના મોરાણા ગામના શખ્સ સાથે ભાગી ગઇ હતી. ત્યારે સમાજ ભેગો થતાં રાજૂએ તેણીને અમને પાછી સોંપી હતી. રાજૂના ઘરે જઇ તપાસ કરતાં ત્યાં પણ અમારી દોહિત્રી મળી નહોતી. શોધખોળ બાદ કોઇ પત્તો ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી છે.

બી-ડિવીઝન પી.આઇ. વી.જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં એએસઆઇ કે.આર. ચોટલીયા અને ટીમે તપાસ શરૂ કરી છે. (૧૪.૮)

(1:30 pm IST)