Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કાલાવડના ખેરડીમાં રાહિદ દલે દારૂ વેંચવાની ના પાડતાં રાજકોટના સલિમે પેટમાં છરીના ઘા ઝીંકયા

રાજકોટ ખસેડાયોઃ જંગલેશ્વરના સલિમ સાથે તેની માતા અને અજાણ્યો શખ્સ પણ હુમલામાં સામેલ હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: કાલાવડના ખેરડીમાં રહેતાં મુસ્લિમ શખ્સને મુળ રાજકોટ જંગલેશ્વરના મુસ્લિમ શખ્સે છરીના ઘા ઝીંકી દેતાં પેટ-માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયો છે. દારૂ વેંચવાની ના પાડતાં હુમલો થયાનો આક્ષેપ કરાયો છે.

જાણવા મળ્યા મુજબ ખેરડી ગામે રહેતો રાહિદ મોતીભાઇ દલ (ઉ.૧૯) ઘર પાસે હતો ત્યારે મુળ રાજકોટ જંગલેશ્વરના હાલ બે મહિનાથી ખેરડી રહેતાં સલિમ કાળુભાઇ જૂણેજાએ પેટમાં છરીના ઘા મારી દઇ માથામાં પણ ઇજા કરતાં કાલાવડ સારવાર લઇ રાજકોટ દાખલ થયો છે.

રાહિદના કહેવા મુજબ પોતે ખેત મજૂરી કરે છે. સલિમ અને તેનો પરિવાર બે મહિનાથી ખેરડી રહેવા આવ્યા છે. સલિમ દારૂનો ધંધો કરતો હોઇ ઘર પાસે આવા ધંધા કરવાની ના પાડતાં સલિમ, તેની માતા અને અજાણ્યા શખ્સોે હુમલો કર્યો હતો. તેની માતાએ પકડી રાખ્યો હતો અને સલિમે છરીના ઘા ઝીંકયા હતાં. અજાણ્યાએ ઢીકા-પાટુ માર્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

(11:39 am IST)