Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાજકોટમાં બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાને આગ લગાડાઇઃ થોરાળાનો હરેશ ઉર્ફ ઢફો હાથવેંતમાં

૭૦૦૦ રૂપિયા જમા કરાવ્યા છતાં બેલેન્સ બતાવતું ન હોઇ ગુસ્સે ભરાયોઃ આગથી શટરમાં ૧૫ હજારનું નુકસાન : ગુરૂવારે સાંજે ૮:૨૩ કલાકે બૂલેટ લઇને આવ્યો, પેટ્રોલ છાંટ્યુ અને ત્રણ દિવાસળી ફેંકયા બાદ ચોથી દિવાસળીથી આગ પકડાતાં ભાગી ગયોઃ થોરાળા પોલીસે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ આદરી

રાજકોટ તા. ૧૦: શહેરના આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફિલ્ડ માર્શલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાના શટરને એક શખ્સે પેટ્રોલ છાંટી સળગાવતાં શટરમાં ૧૫ હજારનું નુકસાન થયું છે. આ કૃત્ય આચરનારો શખ્સ સીસીટીવી કેમેરામાં દેખાયો હોઇ પોલીસે તપાસ શરૂ કરતાં તે થોરાળા વિસ્તારમાં જ રહેતો એક હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતો શખ્સ હોવાની પ્રાથમિક માહિતી મળતાં તેને સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવારે સાંજના સવા આઠ વાગ્યા પછી આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફિલ્ડ માર્શલ કારખાના પાસે આવેલી બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાના શટરમાં આગથી નુકસાન થયાનું બીજા દિવસે સવારે મેનેજરને જાણવા મળતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખ્સ આગ લગાડતો જોવા મળતાં પોલીસને જાણ કરી હતી.

થોરાળા પોલીસે સદર બજાર નૂતન પ્રેસ રોડ પર જેનીશ હોટેલ રૂમ નં. ૨૦૨માં રહેતાં મુળ પટણા બિહારના થાના ગરદની બાગ જુનજુન મહેલ રોડ પર રહેતાં અને બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર પ્રેમકુમાર સિન્હા (ઉ.૩૭)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૩૬, પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધ્યો હતો.

પંકજકુમાર સિન્હાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું થોડા દિવસ પહેલા જ રાજકોટની આ શાખામાં મેનેજરની નોકરી પર આવ્યો છું. અમારી બેંકનો સમય સવારના દસથી સાંજના છ સુધીનો છે. બેંકમાં દિવસ દરમિયાન ચોકીદાર રાખ્યો છે. હું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા જાણુ છું અને સમજી શકુ છું. તા. ૮/૮ના સાંજે સાડા છએક વાગ્યે બેંકનું કામ પૂર્ણ થતાં બેંક બંધ કરી હતી.

બીજા દિવસે શુક્રવારે ૯/૮ના રોજ હું સવારે સવા નવેક વાગ્યે હોટેલના રૂમ પર હતો ત્યારે જોઇન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં રશ્મીનભાઇ સોલંકીએ ફોન કરીને કહ્યું હતું કે આપણી બેંકના મેઇન શટર સળગેલા છે. જેથી મેં સિકયુરીટી ગાર્ડ હારૂનભાઇ હબીબભાઇ શેખને ફોન કરી જાણ કરી હતી. તે નજીકમાં રહેતાં હોઇ ત્યાં તાકીદે પહોંચવાનું કહ્યું હતું. તેમજ હું પણ બેંકે પહોંચ્યો હતો. ત્યાં જઇ જોતાં બેંકનું મેઇન ગેઇટનું શટર તથા જાળી સળગેલા જોવા મળ્યા હતાં.

બનાવ કઇ રીતે બન્યો? તે જાણવા મેં સીસીટીવી કેમેરા ચેક કરતાં ૮/૮ના સાંજે ૦૮:૨૩ કલાકે એક શખ્સ બૂલેટ લઇને આવતો અને બેંકના ગેઇટ પાસે આવી કોઇ જ્વલનશીલ પદાર્થ છાંટતો અને બાદમાં માચીસ બોકસ કાઢી દિવાસળી સળગાવી ઘા કરતો દેખાયો હતો. એ શખ્સે ત્રણ દિવાસળી ફેંકી હતી, જેમાંથી ચોથી દિવાસળીથી આગ લાગી હોવાનું જણાયું હતું. એ પછી તે બૂલેટ પર ભાગી જતો દેખાયો હતો. આ માણસ મજબૂત બાંધાનો અને કાળી દાઢીવાળો હતો. તેણે ટી-શર્ટ તથા પેન્ટ પહેરેલા હતાં. આગથી રૂ. ૧૫ હજારનું નુકસાન થયું હતું.

ઉપરોકત ફરિયાદને આધારે એસીપી એચ.એલ. રાઠોડ, પી.આઇ. બી.ટી. વાઢીયા, ડી. સ્ટાફ ટીમ, ભરતસિંહ પરમાર, અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર તથા ટીમે ફૂટેજને આધારે તપાસ કરતાં આગ લગાડનારો શખ્સ થોરાળા વિસ્તારમાં જ રહેતો હિસ્ટ્રીશીટર હરેર ઉર્ફ ઢફો નામનો શખ્સ હોવાનું ઓળખાઇ જતાં તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરાઇ છે. આ શખ્સે બેંકમાં પોતાના ખાતામાં જમા કરાવેલા રૂ. ૭ હજાર બેલેન્સમાં બતાવતાં ન હોઇ તે બાબતે પૃછા કરવા જતાં રકમ જમા માટેની યોગ્ય કાર્યવાહી ન થતાં રોષે ભરાઇને આમ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે આ શખ્સની ધરપકડ બાદ સાચી વિગતો બહાર આવશે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ છ-સાત ગુના નોંધાઇ ચુકયાનું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. (૧૪.૧૨)

(3:23 pm IST)