Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સળીયાના વેપારી સાથે વણિક પિતા-પુત્રની ૧ કરોડની ઠગાઇ

રાજકોટ કાલાવડ રોડ પર રહેતાં અને ઢેબર રોડ પર રમેશચંદ્ર એન્ડ કંપની તથા ડીએન્ડી કંપની ધરાવતાં લોહાણા વેપારી નૈનેશભાઇ દાવડા સાથે છેતરપીંડી : વડોદરાના રજનીકાંત ઉર્ફ રાજૂ શાહ અને તેના પુત્ર રૂષભ શાહે નવેમ્બર-૨૦૧૭માં સેલ્સમેન મારફત ઓળખ કેળવી પ્રારંભે હજ્જારો કિ.ગ્રા. સળીયા મંગાવી લાખોનું પેમેન્ટ ચુકવી દઇ વિશ્વાસ કેળવ્યોઃ છેલ્લે જાન્યુઆરી-ફેબ્રુઆરી-૨૦૧૮માં ૨,૨૨,૧૧૯ કિ.ગ્રા. સળીયા મંગાવી રૂ. ૧,૦૬,૪૧,૩૬૭ ન ચુકવ્યાઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યોઃ એક સકંજામાં : વણિક પિતા-પુત્રએ ભાવનગરના વેપારી સાથે પણ ઠગાઇ કરી

રાજકોટ તા. ૧૦: શહેરના કાલાવડ રોડ પર રહેતાં અને ઢેબર રોડ પર ટીએમટી સ્ટીલ સળીયાનો વેપાર કરતાં લોહાણા વેપારી સાથે વડોદરાના વણિક પિતા-પુત્રએ પ્રારંભે લાખો રૂપિયાના સળીયાની ખરીદી કરી સમયસર પેમેન્ટ ચુકવી દઇ વિશ્વાસ કેળવ્યા બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી બે મહિના દરમ્યિાન કુલ ૨,૨૨,૧૯૯ કિ.ગ્રા. સળીયા મંગાવી તેના રૂ. ૧,૦૬,૪૧,૩૬૭ (એક કરોડ છ લાખ એકતાલીસ હજાર ત્રણસો સડસઠ) ન ચુકવી ઠગાઇ કરતાં પોલીસે કાવત્રુ ઘડી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે. આ પિતા-પુત્રએ ભાવનગર જીલ્લામાં પણ એક વેપારી સાથે આ રીતે મોટી ઠગાઇ કર્યાનું બહાર આવ્યું છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે કાલાવડ રોડ પર કૈલાશ કેવલમ્ ગ્રનીલેન્ડ સોસાયટી બ્લોક નં. ૧૦૪ વૃંદાવન મેઇન રોડ પર રહેતાં અને ઢેબર રોડ નાગરિક બેંક સામે મક્કમ ચોક સેલ પેટ્રોલ પંપની પાછળ રમેશચંદ્ર એન્ડ કંપની તથા ડીએન્ડડી માર્કેટીંગના નામે પેઢી રાખી ટીએમટી સ્ટીલ સળીયાનો વેપાર કરતાં નૈનેશભાઇ રતિલાલ દાવડા (ઉ.૩૯) નામના લોહાણા વેપારીની ફરિયાદ પરથી વડોદરા કારેલી બાગ અમિતનગર મેઇન રોડ, દિપક સોસાયટી સામે ભવાની સોસાયટી-૨૧માં રહેતાં રજનીકાંત ઉર્ફ રાજૂ કાંતિલાલ શાહ અને તેના પુત્ર રૂષભ રજનીકાંત શાહ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધ્યો છે.

નૈનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે જે બે પેઢી છે તેમાં એક મારા નામની છે અને બીજી ડીએન્ડડી મારા પત્નિ દિશાબેનના નામની છે. બંને પેઢીનો વ્યવહાર હું જ સંભાળુ છું. નવેમ્બર-૨૦૧૭માં અમારા સેલ્સમેન દિવ્યેશ હરિભાઇ કારીયા દ્વારા આર.આર. ટ્રેડિંગ કંપનીના નામથી પેઢી ચલાવતાં વડોદરાના રજનીકાંત ઉર્ફ રાજૂ શાહ અને તેના દિકરા રૂષભ શાહ સાથે વ્યાપારિક રીતે ઓળખાણ થઇ હતી. તેણે પ્રથમ વખત અમારા સેલ્સમેન દિવ્યેશભાઇ સાથે ૨૮,૧૪૦ ક્રિ.ગ્રા. ટીએમટી સળીયાનો ઓર્ડર આપ્યો હતો અને તેણે મંગાવેલો માલ અમે મોકલી આપ્યો હતો. તે વખતે તેણે આરટીજીએસથી રૂ. ૧૦,૬૨,૭૨૬ અમને મોકલી દીધા હતાં.

એ પછી ફરીથી તેણે ૨૦,૭૭૦ ક્રિ.ગ્રા. સળીયાનો ઓર્ડર આપી તેની સામે અમને રૂ. ૭,૫૬,૦૨૮ ચુકવી આપ્યા હતાં. ત્યારબાદ ફરીથી ૨૭,૧૮૦ કિ.ગ્રા. સળીયાનો ઓર્ડર આપ્યો હતો. જેના ૯,૮૯,૩૫૨ પણ અમારી પેઢીના ખાતામાં જમા કરાવી દીધા હતાં. આમ આ બંને પિતા-પુત્રએ પ્રારંભે ચોખ્ખો વેપાર કર્યો હતો. આ બંને પહેલા ભાવતાલ બાબતે ટેલિફોનીક વાતચીત કરતાં અને એ પછી વ્હોટ્સએપ, મેસેજથી ઓર્ડર લખાવતાં હતાં અને અમે ઓર્ડર મુજબનો માલ મોકલી આપતાં હતાં. એ પછી જાન્યુઆરી-૨૦૧૮ થી ફેબ્રુઆરી-૨૦૧૮ના બે મહિનાના ગાળામાં તેમણે અલગ-અલગ તારીખે ઓર્ડર આપ્યો હતો. જેના મારે તેની પાસેથી રૂ. ૧,૦૬,૪૧,૩૬૭ લેવાના નીકળતા હતાં.  તેણે કુલ ૨,૨૨,૧૯૯ કિ.ગ્રા. સળીયાનો ઓર્ડર આપ્યો હતો તેના આ પૈસા હતાં. અમે જે તે વખતે ફોન કરી વાતચીત કરી ઉઘરાણી શરૂ કરી હતી અને રૂબરૂ તથા સેલ્સમેનને મોકલીને અમારા લેણા રૂપિયા માંગ્યા હતાં. પરંતુ તેણે આજ સુધી ખોટા વાયદાઓ કર્યા છે.

અમે તપાસ કરતાં ખબર પડી હતી કે ભાવનગર જીલ્લામાં પણ એક વેપારી પાસેથી આ રીતે માલ મંગાવી તેની સાથે પણ ઠગાઇ કરતાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ છે. આ રીતે અમારી સાથે પણ પ્રારંભે ચોખ્ખો હિસાબ રાખી વિશ્વાસ કેળવી બાદમાં કરોડ ઉપરનો માલ ખરીદી ઠગાઇ કર્યાનું જણાતાં અંતે ફરિયાદ નોંધાવી છે.

ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા તથા ટીમે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે રજનીકાંત શાહના પુત્ર રૂષભ શાહને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. (૧૪.૧૦)

(3:22 pm IST)