Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

બોલવામાં(વાચા) તકલીફ ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ સ્પીચ થેરાપી

ઓપરેશન બાદ કે શરીરને સ્વસ્થ રાખવા ફેઝીયોથેરાપીસ્ટની જેમ હવે મેડીકલ હબ ગણાતું રાજકોટમાં : સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ ડો. કુંજ વચ્છરાજાનીના કલીનીકનો પ્રારંભઃ જાણીતા તબીબ ડો.વિભાકર વચ્છરાજાનીના સુપુત્ર કુંજની રાજકોટના આંગણે વધુ એક આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ

રાજકોટઃ અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે સ્પીચ થેરાપી વર્ણવતા કુંજ વચ્છરાજાની અને ડો.વિભાકર વચ્છરાજાની નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૦:  મેડીકલ હબ તરીકે  ઉભરતું  રાજકોટમાં  હવે તમામ સ્તરની મેડીકલ સુવિધા ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રની સૌ પ્રથમ સ્પીચ થેરાપી રાજકોટમાં  શરૂ થઇ રહી છે. જાણીતા તબીબ ડો. વિભાકર વચ્છરાજાનીના સુપુત્ર કુંજ વચ્છરાજાનીએ સ્પીચ થેરાપી કલીનીક શરૂ કરી છે.

 સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ  કુંજ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, સ્પીચ થેરાપી  એટલે વ્યવસ્થિત બોલવાની તાલીમ, આપણને ખબર હોય છે કે બાળક છ મહિનાની ઉંમરથી બોલવાનું શીખવાની શરૂઆત કરે છે, તોતડું બોલતું બાળક વહાલું લાગે છે, પણ જો મોટું થઈને પણ બાળક તેમ જ બોલે તો શરમજનક લાગે છે. અક્ષરો,શબ્દો કે વાકયો સામાન્ય માણસની જેમ ન બોલી શકતી વ્યકિતઓને આપવામાં આવતી તાલીમ સ્પીચ થેરાપી તરીકે ઓળખાય છે. બાળક સામાન્ય રીતે છ મહિનાથી શરૂ કરીને એક વર્ષમાં બોલતું થઈ જાય છે. પણ બાળક એક વર્ષમાં બોલતું ન થાય તો વૈજ્ઞાનિક રીતે તેને બોલતું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કયારેક વારસાગત રીતે બાળક બોલવાનું મોડું શીખે છે. સામાન્ય રીતે પ, ફ, બ, ભ, મ કે ત, થ, દ,ધ જેવા અક્ષરો બોલવામાં તકલીફ થતી હોય છે. તે ઉપરાંત કયારેક બાળક એક અને એક અક્ષર વારંવાર બોલે છે. કયારેક અટકી અટકીને બોલે છે, તો કયારેક અમુક શબ્દ વજન આપીને વધારે પડતા મોટા અવાજથી બોલે છે. બાળકના બોલવાના તાલ તથા લયમાં પણ ફેરફાર જોવા મળે છે. માનસીક રીતે નબળું બાળક સામાન્ય બાળકની જેમ જાહેરમાં બોલતા ખચકાટ અનુભવે છે. તેને કારણે તોતડું જેવું પણ બોલે છે.

સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ  કુંજ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે,  કેટલાક બાળકોમાં જન્મથી જીભ ચોટેલી હોય છે. કયારેક હોઠ ફાટેલા હોય છે કે તાળવું પણ ફાટેલું હોય છે. કયારેક બહુ વિચિત્ર ચહેરો લઈને બાળક જન્મે છે. આવા બાળકોને બોલવાની તકલીફ હોય છે. જો યોગ્ય ઉમરે ઓપરેશન કરવામાં ન આવે તો કાયમી ધોરણે બોલવાની તકલીફ રહે છે, સામાન્ય રીતે બાળક બોલતું થાય તે પહેલાં આ ખોડખાંપણની સારવાર કરાવી લેવી જોઈએ. નહીતર બાળક ખોટી રીતે બોલતાં શીખી જાય છે અને સુધારો કરી શકાતો નથી ઓટીઝમ, મંદબુધ્ધિ, સુવાવડ વખતે થયેલ મગજને નુકશાન (સેરેબ્રલ પાલસી) વગેરે રોગોમાં પણ બોલવાની સધન તાલીમ આપવી પડે છે,

સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ  કુંજ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે,  જન્મ જાત બહેરા મુંગા બાળકો બોલવાનું શીખી શકતા નથી, કેમ કે તેમણે કાનની બહેરાશને કારણે અવાજ શું છે તેજ જાણ્યું હોતુ નથી. તેથી બોલવાનું શીખી શકતા નથી. હવે જન્મજાત બહેરાશ માટે અતિશય મોંધુ તેવું કોકલીયર ઇમ્પપ્લાન્ટેશન નામનું ઓપરેશન થાય છે. આ ઓપરેશનનો ખર્ચ પ થી ૧૦ લાખ રૂપિયા સુધીનો થાય છે, આ ઓપરેશન કરાવ્યા પછી પણ જો બોલવાની તાલીમ લેવામાં ન આવે તો આ ઓપરેશન નિષ્ફળ થતું હોય છે અને પ્રતિ મોંઘુ એવું ઓપરેશન કરવા છતાં બાળક બોલતાં શીખતું નથી.

બાળકને તાલીમ આપવામાં માતા પિતા, પરીવારજનો તથા શિક્ષકોનો ફાળો છે. આવા બાળકને બોલતું કરવું ખુબ મહેનત તથા ધીરજ માંગી લે છે.

સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ  કુંજ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે,  છોકરો કયારે પુખ્ત વયનો થાય છે.ત્યારે તેનો અવાજ પાતળો થાય છે. મુછ ઉગે અને અવાજમાં ફેર થાય ત્યારે કુટુંબીજનો રાજી થાય છે. છોકરો જુવાન થયો પણ અમુક કિસ્સામાં અવાજ બદલતોં નથી, તેવા કિસ્સામાં સારવાર કરી તાલીમ આપી છોકરીમાંથી છોકરા જેવો અવાજ  થાય છે, ત્યારે જમણો હાથ તથા જમનો પગ ખોટો પડી જતો હોય છે. આ હુમલામાં મગજના ડાબા ભાગમાં નુકશાન થતુ હોય છે. ડાબી બાજુનું મગજ લોહી ન ફરવાથી (થ્રોમ્બોસીસ)  અથવા મગજમાં રકતસ્ત્રાવ થી (હેમરેજ) ખરાબ થાય છે.આવા દર્દીઓને મગજની ઈજાની ગંભીરતા પ્રમાણે  ટુંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે બોલવાનુ બંધ થઇ જાય છે. આ દર્દીઓને કસરત વિભાગમાં જઇને હાથ-પગની કસરતની જેમ જ બોલવાની તાલીમની જરૂર  પડે છે.જે સ્પીચ થેરાપીસ્ટ આપે છે. જમણી  બાજુના મગજના નુકશાનમાં બોલવા ઉપર અસર થતી નથી. ડાબા મગજ માં તકલીફ થાય તો જ બોલવા ઉપર અસર થાય છે.

સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ  કુંજ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, કોઇપણ વ્યકિત ને જીભનુ કેન્સર, ગાલનું, જડબાનું કેન્સર, અન્નનળી, શ્વાસનળીનું કેન્સર હોય અને  ઓપરેશન કરાવેલ હોય તેવા દર્દીઓને બોલવાની તાલીમ આપવી પડતી હોય છે. ખાસ કરીને જયારે સ્વરપેટી આખી કાઢી નાખવામાં આવે અને કાયમી ધોરણે ગળામાં કાણું પાડી દેવામાં આવે (ટ્રેકીયોસ્ટોમી) તેવા દર્દીઓને બોલવાની તાર્લીમ આપવી અને પોતાના વિચારો બીજી વ્યકિત સુધી બોલીને પહોંચાડવાની તાલીમ એક કળા છે.

શિક્ષકો, સંગીતકારો કે વકતાઓ જેને વધારે સમય સુધી બોલવું પડે છે. તેમને સ્વર પેટી ઉપર તલથી પણ નાના મસા થાય છે. જો બોલવાની પધ્ધતિમાં ફેરફાર કરવામાં ન આવે અને વારંવાર ખોંખારો ખાઈને બોલવાની આદત હોય તો આવા મસા વારંવાર થવાની શકયતા રહે છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આવા અનેક દર્દીઓને કયારેક મસા કાઢવાનું ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે છે.

ગાયક કલાકારોં પોતાનો અવાજ વધારે સારો કરવા માટે તથા  ખાસ રીતે ગાવા  તાલીમ આપે છે. આવા કલાકારોને તાલીમ આપવા ખાસ સ્પીચ થેરાપીસ્ટ હોય છે,  આ તાલીમને વોઇસ કલ્ચર કહેવામાં આવે છે.

કોઇ રોગ સાથે સંકળાયેલા અવાજના ઘોઘરા પણા માટે રોગની યોગ્ય સારવાર એ પહેલી જરૂર ત છે. યોગ્ય સારવાર વગર બોલવાની તાલીમ લેવાની કોઇ ફાયદો થતો નથી. થાઇરોડની ગ્રંથી ઓછુ કામ કરતી હોય અને અવાજમાં ઘોઘરાપણું હોય  તો   થાઈરૌડની દવા લેવી જરૂરી છે. નહીં કે બોલવાની  તાલીમ.  બોલવા સાથે સંબંધીત  છે ગળવાની પ્રક્રિયા. પ્રવાહી કે ઘન પદાર્થ ગળે ઉતરવાની તકલીફ પણ સ્પીચ થેરાપીસ્ટના સારવાર વિભાગમાં આવે છે. 

બોલવાની તકલીફમાં બાળકથી માંડીને મોટી ઉંમર સુધી બધામાં માનસીક પરિસ્થિતિનો બહુ મોટો ફાળો છે. આના માટે બોલવાની તાલીમ ઉપરાંત સાયકોથેરાપી આપ્યા પછી જ દર્દીને બોલવાની રીત સુધરે છે.

સુપર સ્પેશ્યાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ  કુંજ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે,  વ્યકિતને સામાન્ય જીવન જીવવા માટે ઘણા પ્રશ્નો હોય છે. કોઇકને વ્યસનને કારણે તકલીફ હોય છે. કેટલાકને શારીરીક ખોડખાપણને કારણે તકલીફ હોય છે. કેટલાકને વ્યવસાયલક્ષી દુષણને કારણે તકલીફ હોય છે. તેવી જ રીતે કેટલાક લોકોને બોલવાની તકલીફને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવુ પડતું હોય છે. આ બધી તકલીફોમાં લાંબા સમયની તાલીમ જરૂરી હોય છે. સ્પીચ થેરાપીમાં પણ સમય મર્યાદા હોતી નથી. લાંબા સમયથી તાલીમ પછી કયારેક દર્દી સ્પષ્ટ બોલતું થાય છે. અમુક રોગોમાં તાલીમ છતાં પરીણામ મળતુ નથી. કયા દર્દીને પરીણામ મળશે, કયા દર્દીને પરીણામ નહી મળે તે તાલીમ આપનાર નિષ્ણાંત જ કહી શકે છે. (૪.૮)

કુંજ વી. વચ્છરાજાની

M.Sc. SLP

૧૩/૩ જાગનાથ પ્લોટ, કાઠીયાવાડ જીમખાના પાછળ, યાજ્ઞીક રોડની સામે રાજકોટ(મો.નં. ૯૬૩૮૬ ૧૫૨૪૬)

(3:45 pm IST)