Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જૂલાઇમાં જરૂરીયાત મુજબ નર્મદા યોજનાનું પાણી આપવા સરકારને પત્ર પાઠવાયો

વરસાદ ખેંચાય તો ? મ.ન.પા.એ પાણી વિતરણનો 'પ્લાન-બી' તૈયાર રાખ્યો

રાજકોટ તા. ૧૦ :.. વરસાદની રાહ હવે સમગ્ર દેશ જોઇ રહ્યો છે. જો કે હવે સારા વરસાદનાં સંજોગોની આશા હવામાન વિભાગે વ્યકત કરી છે. પરંતુ આમ છતાં જો વરસાદ ખેંચાઇ તો શહેરમાં દરરોજ ર૦ મીનીટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મ.ન.પા.નાં ઇજનેરોએ 'પ્લાન-બી' તૈયાર રાખ્યો છે.

અને આ માટે જૂલાઇમાં જરૂરીયાત મુજબ સૌની યોજનાનાં માધ્યમથી રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં નર્મદા નીર ઠાલવવા માટે પત્ર પાઠવવામાં આવ્યાનું ઇજનેરી સુત્રોએ જણાવ્યું છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ આજી-૧ માં હાલ ૧૬ ફુટ પાણી છે ન્યારી-૧ માં ૧૩.૮૦ ફુટ પાણી છે અને ભાદર -૧ માં ૩૪ ફુટ પાણી છે. આ તમામ ડેમમાંથી શહેરને દરરોજ ર૦ મીનીટ પાણી આપવામાં આવે તો ૧પ ઓગષ્ટ સુધી તેમાંથી પાણી આપી શકીએ.

પરંતુ જો વરસાદ ખેંચાઇ તો તેવા સંજોગોમાં જૂલાઇ મહીનામાં જ આજી-૧ માં ૧પ૦ એમ. સી. એફ. ટી. એટલે કે દરરોજનું ૧૦ એમ. એલ. ડી. પાણી હડાળાથી કોઠારીયાની નર્મદા પાઇપ લાઇન મારફત જરૂર મુજબ ફાળવવા માટે સરકારને પત્ર પાઠવાયો છે.

આમ જરૂર પડે ત્યારે નર્મદા નીર ઉપલબ્ધ બને તે માટે  મ.ન.પા.એ પ્લાન તૈયાર રાખ્યો છે.

(3:08 pm IST)