Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

તારીખ પે તારીખ...

વધુ એક વખત મ.ન.પા.ની 1-3 BHKના ફોર્મની મુદ્દતમાં વધારો

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1ના ૧૬૪૮ તથા MIGના ૮૪૭ ફલેટ બનશે : આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત કરવાની મુદ્દત ૨૩ જુલાઇ સુધી વધારાઇ : EWS-2ની મુદ્દત પૂર્ણ

રાજકોટ તા.૧૦ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮ સ્થળોએ EWS -1 ના ૧૬૪૮ અને EWS-2 ના ૧૬૭૬ તથા MIG ના ૮૪૭ મળી કુલ – ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. જેમાં ૧-૩ બીએચકે આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટેની વધુ એક વખત  મુદ્દત વધારવામાં આવી છે. હવે ૨૩ જુલાઇ સુધી આ આવાસ યોજનાના ફોર્મ વિતરણ તથા પરત સ્વીકારવામાં આવશે. જ્યારે EWS-2 ના ફોર્મની મુદ્દત પૂર્ણ થયેલ છે. તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુકત યાદીમાં જણાવ્યુ હતુ.

શહેરના વિવિધ વિસ્તારમાં મ.ન.પા. દ્વારા નિર્માણ થનાર EWS -1  (1 BHK) અને MIG (3 BHK)ના ફલેટની સંખ્યા સામે ઓછા ફોર્મ પરત આવતા તંત્ર દ્વારા વધુ એક વખત મુદ્દત વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

EWS-2ના ૧૬૭૬ આવાસ સામે ૩૩૦૦ ફોર્મ આવ્યા

EWS-2 ના ૧૬૭૬ ફોર્મ સામે ૭ હજાર જેટલા ફોર્મ ઉપડયા હતા તેની સામે ૩૩૦૦ જેવા ફોર્મ પરત આવ્યા છે. આમ આ આવાસની કુલ સંખ્યા કરતા ૨ ગણા ફોર્મ પરત આવતા EWS-2 આવાસ યોજનાની મુદ્દત વધારવામાં આવી નથી. મ.ન.પા. તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

1-3 BHK ફલેટ કયાં બનશે ?

EWS-1ના આવાસ યોજના તપન હાઇટસ રોડ, પુનિતનગરના પાણીના ટાંકા સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ રોડ તરફ, કોસ્મોસ કોમ્પલેક્ષની બાજુમાં તથા MIG ફલેટ જયભીમનગર, વસંત માર્વલની બાજુમાં, વિમલનગર મેઇન રોડ તથા સેલેનીયમ હાઇટ્સની સામે સહિતના વિસ્તારમાં બનશે.

EWS -1ના આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

આ યોજના હેઠળ આવાસોનો લઘુત્ત્।મ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

MIGનાં આવાસની કિંમત રૂ.૨૪ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

3 BHKમાં કુલ ૧૨૬૮ આવાસ પૈકી ૪૨૧ આવાસ અગાઉ ફાળવણી થઇ ગયેલ છે બાકી રહેતા ૮૪૭ આવાસો માટે ફોર્મનું વિતરણ થશે. MIGમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૩.૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની તમામ બ્રાંચમાંથી ફોર્મ મેળવી પરત કરવાના રહેશે.

(3:07 pm IST)