Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જિલ્લા બેંકમાં ઇતિહાસ રચાયો : શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ની સામાન્ય ચુંટણીમા તમામે તમામ ૧૭ બેઠક ઉપર શ્રી જયેશ રાદડીયા પ્રેરીત પેનલના ઉમેદવારો બિનફરીફ

કાલે ફોર્મ ચકાસણી બાદ સતાવાર જાહેરાત : રાજકોટ જીલ્લા બેંકમા કિશાન નેતા અને યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાનુ “વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા” : જીલ્લા બેંકની આ ભવ્ય જીતને જયેશભાઈએ એમના પિતાઅને ખેડુત નેતા સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના ચરણોમા અર્પણ કરી : શહેર શરાફીમાં પ્રથમ વખત ચૂંટણી ટળી : અરવિંદ તાળા બિનહરીફ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૦ : જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં આજે બપોરે ૩ વાગ્યે ફોર્મ ભરવાની મુદત પૂરી થતા સુધીમાં ૧પ બેઠકો પર માત્ર રાદડિયાની પેનલના જ ફોર્મ આવ્યા છે. ખેતીની રાજકોટ બેઠક પર વિજય સખિયાએ ફોર્મ પાછું ખેંચવાનું જાહેર કરી દીધું છે તેથી તમામ ૧૬ બેઠકો બિનહરિફ થવા જઇ રહી છે. કાલે ફોર્મ ચકાસણી બાદ સતાવાર જાહેરાત થશે. મોડેથી મળતા અહેવાલ મુજબ યજ્ઞેશ જોષી અને બહાદુરસિંહ ફોર્મ પાછું ખેંચવા સહમત થઇ જતાં તે બેઠક પણ બીનહરીફ થઇ રહી છે. તેમાં અરવિંદ તાળા ચૂટાશે.

શહેર શરાફી મંડળીની બેઠક પર રાદડિયા પેનલના અરવિંદ તાળા અને સ્વતંત્ર ઉમેદવાર યજ્ઞેશ જોષી વચ્ચે સ્પધા ર્હતી. યજ્ઞેશ જોષીને સમાજાવવાના પ્રયાસો ચાલુ છે. બેંકમાં ફરી રાદડિયા જુથનું શાસન અકબંધ રહ્યું છે. ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ ૩-૩૦ વાગ્યે જયેશ રાદડિયાએ બેંક ખાતે વિજય વધામણાનો કાર્યક્રમ નક્કી કર્યો છે. બેંકમાં તમામ બેઠકો બિનહરિફ થાય તે તવારીખી ઘટના છે.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના આશીર્વાદથી અને સહકારી આગેવાનોના પ્રયાસોથી જીલ્લા બેંક બિનહરીફ થતા બેંકના ચેરમેન અને કિશાન નેતા જયેશ રાદડીયા ફરી એકવાર સહકારી ક્ષેત્રે સફળ સાબિત થયેલ છે.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની ખેડુતો પ્રત્યેના આદર ઘરાવતી નીતીઓથી લગભગ સવા બે લાખ ખેડુતોને છેલ્લા ૬ વર્ષથી વગર વ્યાજે પાક ઘિરાણ કરતી સમગ્ર દેશની સૌથી પહેલી બેંકના ચેરમેન તરીકે ફરીથી જયેશ રાદડીયા બિરાજશે ત્યારે સમગ્ર ખેડુત સમાજ મા આનંદની લાગણી પ્રસરેલ છે.

જીલ્લા બેંકની આ ભવ્ય જીતને કિશાન નેતા અને યુવા મંત્રીએ એમના પિતા અને ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના ચરણોમા અર્પણ કરેલ છે.

(4:15 pm IST)