Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મોર પંખ મસ્તક પર સુંદર સજાયે, દૂધ-દહીં સંભાલો મટકી ફોડને આયે, કનૈયા જગમેં આયે, અખિલેશ્વર કણ-કણ સમાયે...

જન્માષ્ટમીની ઉજવણી કોરોનાને ધ્યાને રાખીનેઃ શોભાયાત્રા માટે મંજુરી મંગાશે

ઘરે-ઘરે ઝંડી લગાવાશે, લતા સુશોભન કરાશેઃ સૂત્ર સ્પર્ધા અને ગોપી કિશન સ્પર્ધા આધુનિક ટેકનોલોજી આધારિત

રાજકોટ તા. ૧૦ :. વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો હોય તેને અનુલક્ષીને આ જનતાને તેમાં જોડવાના હેતુથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જેને લઇને સમિતિની બેઠકોનો દોર શરૂ થઇ ચૂકયો છે. જેમાં થયેલ ચર્ચા વિચારણાના અંતે દર વર્ષે જ રીતે મોટી સંખ્યામાં લોકોને જન્માષ્ટમીના સમયમાં અને એ પહેલાના દિવસોમાં ભકિતમય રીતે લોક સહયોગથી જનતાને જોડીને એક વિશિષ્ટ અને ધર્મમય, ભકિતમય, વાતાવરણ બનાવવામાં આવે છે. એ જ રીતે પરંપરાને ચાલુ રાખતા આ વખતે કોરોનાની ગાઇડ લાઇનની મર્યાદામાં રહીને  એવો જ અલૌકિક માહોલ બનાવવામાં આવશે તેમજ આગામી ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય તેમજ ઓગસ્ટ મહિનામાં કોરોના કાબુમાં આવશે તેવી આશા રાખીને ૧ર ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા યોજવા મંજૂરી મંગાશે. વિહિપ કોરોનાને કેન્દ્રમાં રાખીને જનહિત જળવાઇ રહે તે રીતે ઉજવણી કરવા માંગે છે.

દર વર્ષે જન્માષ્ટમી અને તે પુર્વે જે રીતે અબાલ-વૃધ્ધો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, જે તે વિસ્તારના મંડળો, સોશ્યલ ગ્રુપ, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સેવા મંડળો, યુવા ગ્રુપ, વિગેરેને સક્રિય રીતે આ ઉજવણીમાં જોડીને સમગ્ર શહેરમાં ઉત્સવનો જે માહોલ રચવામાં આવે છે. તે વર્ષોની વિ.હિ.પ.ની એક આગવી ઓળખ અને પરંપરા બની ચુકી છે. આ પરંપરાને આ વર્ષે પણ અવિરત પણે જાળવી રાખતા સુત્ર સ્પર્ધા, લતા શુસોભન, ગોપી કિશન સ્પર્ધા, જેવા કાર્યક્રમો નવા રંગ-રૂપ સાથે, નવી દિશા સાથે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તેવી રીતે આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે તેમજ સમગ્ર રાજકોટ શહેરને ગોકુળમય બનાવવા ઘરે-ઘરે લગાવવામાં આવશે. જે અંગે આગામી સમયમાં સમયાંતરે જાહેરાત કરવામાં આવશે. ગત સમયમાં મળેલ સમિતિની બેઠકમાં સંગઠનના આગેવાનોએ તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આગામી સમયમાં જાહેર જનતા પાસેથી નકકી કરેલ વિષય ઉપર કૃષ્ણમય સૂત્રો મંગાવીને તેને અનુરૂપ તેના હોર્ડીંગ્સ, બેનર, પત્રીકા વગેરે વિતરણ કરવામાં આવશે. તેમજ જન્માષ્ટમીની ઉજવણી સાથે કોરોના જેવી મહામારી સામે લોકજાગૃતિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આગામી સમયમાં કાર્યક્રમોને લઇને જાહેરાત કરવામાં આવશે ત્યારે વર્ષોથી વિ.હિ.પ. સાથે જોડાઇને જન્માષ્ટમી સહિતના દરેક આયોજનમાં સહયોગ આપનાર તમામ ગ્રુપ, મંડળ, સંસ્થા વિગેરે આ વખતે પણ પુરતો સાથ સહયોગ આપી હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વર્ષોથી પરંપરાગત રીતે થતી ઉજવણીના માહોલને જરા પણ ફિકકો નહીં પડવા દે તેવી અપેક્ષા રાખીએ છીએ આથી વખતો વખત દરેક લોકો વિહિપ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ સાથે સંપર્કમાં રહે તેવી અપીલ પણ કરવામાં આવી છે તેમ પ્રેસ મિડીયા ઇન્ચાર્જ પારસ શેઠ જણાવે છે.

(3:30 pm IST)