Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

માનવતાવાદી અભિગમ

શહેરના હોકર્સ ઝોનનો ૨૨.૫૦ લાખનો ચાર્જ માફ

૯૯ વિસ્તારના લારી-ગલ્લાના ૪૫૦૦ ધંધાર્થીઓના એપ્રિલ, મે, જુનના રૂ. ૫૦૦ લેખેનો ચાર્જ નહી લેવાય : બીનાબેન આચાર્ય, ઉદિત અગ્રવાલ, ઉદય કાનગડની જાહેરાત

રાજકોટ તા. ૧૦ : શહેરના વિવિધ વિસ્તારના હોકર્સ ઝોનના ૪૫૦૦ ધંધાર્થીઓના ત્રણ માસના રૂ. ૫૦૦ લેખેના રૂ. ૨૨.૫૦ લાખ ભાડા માફ કરવાની જાહેરાત મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી છે.

કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોકર્સ ઝોનમાં વ્યવસાય કરતા ગરીબ વર્ગના ધંધાર્થીઓના હિતમાં એક ઉમદા નિર્ણયમાં તેઓના છેલ્લા ત્રણ મહિનાના હોકર્સ ઝોનના ભાડા માફ કરવાનું નક્કી કરવામાં આવેલ હોવાનું મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે જાહેર કરેલ છે.

આ સંદર્ભમાં વાત કરતા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિ. કમિશનરે જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ૯૯ હોકર્સ ઝોનમાં ૪૫૦૦ જેટલા ધંધાર્થીઓ વ્યવસાય કરી રોજીરોટી મેળવે છે. હોકર્સ ઝોનમાં જગ્યા મેળવી વ્યવસાય કરતા આ ધંધાર્થીઓએ દર મહિને રૂ.૫૦૦નુ ભાડું ચૂકવવાનું હોય છે. કોરોનાની મહામારી વચ્ચે તા. ૨૫- માર્ચથી મે-૨૦૨૦ના અંત સુધી લોકડાઉનને કારણે આ ધંધાર્થીઓ વ્યવસાય કરી શકયા ન્હોતા અને આ બધા ધંધાર્થીઓ ખુબ જ નાના વર્ગના હોય જેથી આ બાબતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરે પુખ્ત વિચારણા કરી હતી. આ ચર્ચાના પરિણામ સ્વરૂપે મહાનગરપાલિકાએ આ ધંધાર્થીઓને આર્થિક રાહત આપવાના આશયથી આ ત્રણ માસ એટલે કે એપ્રિલ, મે, અને જુન ૨૦૨૦ સુધીનું ભાડું માફ કરવાનો ઉમદા નિર્ણય કર્યો છે.

પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, જે ધંધાર્થીઓએ એપ્રિલ-૨૦૨૦ થી જુન-૨૦૨૦ સુધીમાં ભાડું ચૂકવ્યું હશે તેઓને આ રકમ પછીના માસના ભાડામાં મજરે આપવામાં આવશે.

(3:00 pm IST)