Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

આઇપેડ ચોરીનો ભેદ ખોલતી એ-ડિવીઝન પોલીસઃ ૧૦ ગુનામાં સામેલ ગંજીવાડાનો હનીફશા ફકીર પકડાયો

ગાંજાની ટેવ પોષવા ગમે તેવી ચીજવસ્તુ ચોરી મફતના ભાવે વેંચી નાંખવાની આદત : એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા અને કોન્સ. નરેશભાઇ ઝાલાની બાતમીઃ ગરૂડ ગરબી ચોકમાં વેંચવા આવતા દબોચી લેવાયોઃ કેનાલ રોડ પરની દૂકાનમાંથી ૧૮ હજારનું આઇપેડ ચોરી કર્યુ હતું

રાજકોટ તા. ૧૦:  કેનાલ રોડ પર રાજન વેફર્સ એન્ડ નમકીન નામની દૂકાનમાંથી ગયા મહિને કાઉન્ટર પરથી રૂ. ૧૮ હજારનું એપલ કંપનીનું આઇપેડ ચોરી ગયુ હતું. આ ચોરીનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી ગંજીવાડા-૨૦માં રહેતાં અને ગાંજો પીવાની ટેવ ધરાવતા હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ફકીર) (ઉ.૩૨)ને પકડી લીધો છે. આ શખ્સ પોતાની આ આદતને પોષવા ગમે ત્યાંથી ગમે તે ચીજવસ્તુ કે વાહન ચોરી પાણીના ભાવે વેંચી નાંખવાની ટેવ ધરાવે છે.

એ-ડિવીઝનના એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા અને કોન્સ. નરેશકુમાર ઝાલાને બાતમી મળી હતી કે એક શખ્સ એપલનું આઇપેડ વેંચવા ગરૂડ ગરબી ચોકમાં આવ્યો છે અને આ આઇપેડ ચોરાઉ છે. તેના આધારે ત્યાં પહોચતા આ શખ્સ બીજો કોઇ નહિ પણ અગાઉ ચોરીના ૧૦ ગુનામાં સંડોવાઇ ચુકેલો ગંજીવાડાનો હનીફશા હોઇ પોલીસ ઓળખી જતાં સકંજામાં લઇ ૧૮ હજારનું આઇપેડ કબ્જે કર્યુ હતું.

આકરી પુછતાછમાં તેણે આ આઇપેડ ગત ૧૨/૬ના રોજ કેનાલ રોડ પર રાજન વેફર્સના કાઉન્ટર પર ગ્રાહકના સ્વાંગમાં જઇ વેપારીની નજર ચુકવી ચોરી લીધાનું કબુલતાં પોલીસે વેપારી ઇશાનભાઇ અશોકભાઇ જોષી (રહે. ગુણાતીતનગર)ની ફરિયાદ નોંધી હતી. પોલીસના કહેવા મુજબ હનીફશાને ગાંજો પીવાની ટેવ છે. પડીકીઓ ખરીદવા તે ગમે ત્યાંથી ગમે તે ચીજવસ્તુ કે વાહનો ચોરી મફતના ભાવે વેંચી નાંખવાની ટેવ ધરાવે છે. અગાઉ તે એ-ડિવીઝનના ચોરીના બે ગુનામાં તથા થોરાળાના ત્રણ, ભકિતનગરનો એક, બી-ડિવીઝનના બે તેમજ વાંકાનેર સીટીના બે મળી દસ ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી જે. એચ. સરવૈયાની સુચના મુજબ પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી. વી. ગોહિલ, ડી. બી. ખેર, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મૌલિકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, નરેશભાઇ ઝાલા અને મેરૂભા ઝાલાએ આ કામગીરી કરી હતી.

(11:42 am IST)