Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વેગનઆર કારના ડેસ્કબોર્ડ, પાછલી સીટ ને મડગાર્ડમાં બનાવેલા ચોરખાનામાંથી નીકળી દારૂની ૬૬ બોટલ, બીયરના ૧૨ ટીન!

પ્ર.નગર ડી. સ્ટાફના યુવરાજસિંહ જાડેજાની બાતમી પરથી ઇન્ચાર્જ કે. એ. વાળા, પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમનો મોડી રાતે રેલનગરથી રોણકીના રસ્તે સફળ દરોડોઃ બૂટલેગરોના નીતનવા કિમીયાને નિષ્ફળ બનાવતી પોલીસ : રાજસ્થાનના પ્રદિપ અને સુરેશ બિશનોઇની ધરપકડઃ અગાઉ પણ એક ટ્રીપ કરી ગયાનું

ચોરખાના સાથેની કાર, તેમાં ડેસ્કબોર્ડ, સીટ, મડગાર્ડમાં બનાવાયેલા ચોરખાના તથા અંદરથી મળેલી બોટલો અને ટીન તથા બંને રાજસ્થાની શખ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૦: બૂટલેગરો ફરીથી સક્રિય થઇ ગયા છે. પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. થોડા દિવસ પહેલા બાર કલાકમાં જ પાંચ દરોડા પાડી અડધા કરોડનો દારૂ પકડી લીધો હતો.  પોલીસથી બચવા બૂટલેગરો નીતનવા કિમીયા પણ અજમાવે છે. કારમાં ચોરખાના બનાવીને દારૂની બોટલો છુપાવવામાં આવે છે. આવી વધુ એક કાર પ્ર.નગર પોલીસે પકડી લીધી છે. રેલનગર ત્રેપન કવાર્ટર કબ્રસ્તાનથી રોણકી તરફ જવાના રસ્તે પ્ર.નગર પોલીસે ચોક્કસ બાતમીને આધારે વોચ રાખી બે રાજસ્થાની શખ્સને વેગનઆર કાર સાથે પકડી લઇ અંદર અલગ-અલગ ચોરખાનામાં છુપાવી રાખેલી દારૂની ૬૬ બોટલો અને બીયરના ૧૨ ટીન કબ્જે કરી કાર પણ જપ્ત કરી છે.

પોલીસે રાજસ્થાનના જાલોરના સાંચોર તાબેના સરનાઉ ગામના પ્રદિપ વિરમારામ  ગોૈદારા-બિશનોઇ (ઉ.વ.૨૧) તથા બાડમેરના ગુડામાલાની તાબેના મિટડા ગામના સુરેશ ખેતારામ જાણી-બિશનોઇ  (ઉ.૨૧)ને પકડી લઇ જીજે૦૧એચએલ-૫૪૯૭ નંબરની રૂ. ૬૫ હજારની કાર, મોબાઇલ ફોન બે તથા રૂ. ૨૬૪૦૦નો ૬૬ બોટલ દારૂ અને રૂ. ૧૨૦૦ના બીયરના ૧૨ ટીન મળી કુલ રૂ. ૯૪૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ ઇન્ચાર્જ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અશોકભાઇ હુંબલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે યુવરાજસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

બંને શખ્સોએ દારૂની બોટલો કારના ડેસ્ક બોર્ડમાં બનાવેલા ચોરખાનામાં, પાછળની આખી સીટમાં તથા પાછળના ભાગે મડગાર્ડની જગ્યાએ ચોરખાનુ બનાવી તેમાં પણ બોટલો છુપાવી હતી. આ દારૂ કોને આપવાનો હતો તે અંગે તપાસ થઇ રહી છે. અગાઉ પણ એકાદ વખત ટ્રીપ કરી ગયાનું બંનેએ રટણ કર્યુ છે.

(11:35 am IST)