Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

રીક્ષામાં બેઠેલા મેડીકલના છાત્રને ત્રણ શખ્સોએ બહાર ખેંચી મોબાઇલ અને રોકડ લૂંટી લીધી

ભાવનગર રોડ પર બનાવઃ છાત્ર મયંક હરિયાણીને ઝાપટો મારી બીક બતાવી પાકીટમાંથી રૂ. ૯૦૦ કાઢી લીધા

રાજકોટ તા. ૧૦ :.. શહેરના ભાવનગર રોડ પર લીટલ સ્ટાર સ્કુલ પાસે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ રીક્ષા ઉભી રખાવી મુસાફર તરીકે બેઠેલા મેડીકલના છાત્રને રીક્ષામાંથી બહાર ખેંચી ઝાપટો મારી મોબાઇલ તથા પાકીટમાંથી રૂ. ૯૦૦ રોકડની લૂંટ ચલાવી ભાગી નાસી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર કનકનગર શેરી નં. ૭ માં રહે તો અને અમદાવાદ બી. જે. મેડીકલ કોલેજમાં એમ. બી. બી. એસ. માં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મયંક આત્મારામભાઇ હરીયાણી (ઉ.ર૧) એ બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે અમદાવાદ હોસ્ટેલમાં રહી એમબીબીએસ નો અભ્યાસ કરે છે. તા. ૧૧-૬ ના રોજ પોતે અમદાવાદથી એસ. ટી. બસમાં રાજકોટ આવ્યો હતો. પોતાન ભાભુ રસીલાબેન તથા તેની દીકરી નીતાબેન બંને અકસ્માતમાં ગુજરી ગયેલા હોઇ, ત્યાં પરિવાર સાથે જવાનું હોઇ, જેથી હું રાજકોટમાં કુવાડવા રોડ ઉપર ડીલક્ષ ચોકમાં વહેલી ઉતર્યો હતો. અને ત્યાં રીક્ષાની રાહ જોઇ રહ્યો   ત્યારે ત્યાં નાગરીક બૈંક પાસે એક ઓટો રીક્ષા પડેલ હોય, જેથી હું ત્યાં રીક્ષામાં બેસી કનક નગરમાં જવા માટે  જતો હતો ત્યારે ભાવનગર રોડ ઉપર લિટલ સ્ટાર સ્કુલ પાસે પહોંચતા રીક્ષાની પાછળથી એક ત્રણ સવારી સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર વગરનું લઇને આવી બાઇક રીક્ષાની આડે નાખી રીક્ષા ઉભી રખાવી ત્રણેય શખ્સોએ મને રીક્ષામાંથી બહાર ખેંચી કાંઠલો પકડી ગાળો આપી ઝાપટો તથા ઢીકા પાટુનો માર માર્યો હતો. રીક્ષા ચાલક ગભરાઇ જતા તે ત્યાંથી ભાગી ગયો હતો, બાદ ત્રણેયે ખીસ્સામાંથી રૂ ૭૦૦૦/- ની કિંમતનો મોબાઇલ અને પાકીટમાંથી રૂ ૯૦૦ રોકડા લૂંટી લીધા હતા, બાદ પાકીટમાંથી એટીએમ કાર્ડ નીકળતા મને એટીએમ માં પૈસા ઉપાડવા માટે લઇ ગયેલ ત્યાં તે શખ્સથી એટીએમમાંથી પૈસા ન નીકળતા ત્રણેય એટીએમનો ઘા કરી ભાગી ગયા હતા. આ બનાવ બનતા પોતે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)