Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાજકોટ સીટી પ્રાંત-૨ દ્વારા કોટડા- લોધીકા- પડધરી તથા રાજકોટ તાલુકાના ૪ થીપ હજાર ખુલ્લા કુવા-બોર ઉપર દરોડા

ગોંડલની કરૂણ ઘટના બાદ ચેકીંગનો દોરઃ ખુલ્લા-બોર કુવાના માલીકોને ફટકારતી નોટીસોઃ ત્રણ દિ'માં પાળી-જાળી કરી લેવા પ્રજ્ઞેશ જાનીનો આદેશ

રાજકોટ તા.૧૦: ગોંડલ નજીક બોરમાં ત્રણ વર્ષની બાળકી પડી ગઇ અને તેનું કરૂણ મૃત્યુ નિપજયું તે ઘટના બાદ જિલ્લા કલેકટરની સુચના અન્વયે આજે સવારથી રાજકોટ સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે.

ગોંડલની ઘટના બાદ તંત્ર એલર્ટ બની ગયું છે, અને ડે. કલેકટર જાનીએ પોતાના તાબાના ૪ તાલુકા કોટડાસાંગાણી-રાજકોટ તાલુકા -પડધરી અને લોધીકા ક્ષેત્રમાં સવારથી ચારેય મામલતદારોને દોડાવ્યા છે.

મામલતદારોને ૫૦-૫૦ ખેતરો ચેક કરી જો ખુલ્લા કુવા-બોર હોય તો સ્થળ ઉપર જ નોટીસ ફટકારી ત્રણ દિ'માં કુવા-બોર ફરતે પાળી-જાળી કરાવી લેવાની ચેતવણી આપવા પણ સુચના અપાઇ છે.

ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ ''અકિલા''ને ઉમેર્યુ હતું કે ચારેય તાલુકા થઇને ૪ થી પ હજાર જેટલા કુવા-બોર આવેલા છે, આમાંથી જેટલા ખુલ્લા છે તે તમામ કુવા-બોરના માલીકોને નોટીસો ફટકારાશે.

તેમણે ઉમેર્યુ હતું કે એક સ્પેશીયલ જાહેરનામું બહાર પાડી આવા ખુલ્લા -બોર કુવા ઢાંકી દેવા પણ તાકિદ કરાઇ છે, અને આમ છતાં કોઇ જાનહાનીનો બનાવ બનશે તો જે તે માલીકો સામે ગુન્હાહિત બેદરકારી દાખવવા બદલ ગુન્હો દાખલ કરાશે તેવી ચેતવણી પણ અપાઇ છે. (૧.૨૦)

(3:53 pm IST)