Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ અને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સામે કરેલ મનાઇહુકમની અરજી ખર્ચ સહિત નામંજુર કરતી અદાલતનો શકવર્તી ચુકાદો

રાજકોટ, તા. ૧૦ : શહેરના કુવાડવા મેઇન રોડ ઉપર શ્રી રણછોડદાસજીબાપુ હોસ્પિટલ ચેરીટેબલ ટ્રસ્ટની માલીકીની તથા કબ્જા, ભોગવટાની જમીન ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૮, ફાઇનલ પ્લોટ નં. ૯૭ થી જમીન ચો. મી. ૭૬૨૫-૦૦ મી. ની પશ્ચિમ બાજુ એ શ્રી ભરતગીરી સોમગીરી ગોસ્વામી, જયંતગીરી સોમગીરી ગોસ્વામી, કાંતિગીરી સોમગીરી ગોસ્વામી તથા શ્રી વિનોદગીરી સોમગીરી ગોસ્વામીની ફાયનલ પ્લોટ નં. ૯૬ માં જમીન આવેલ. આ જમીન તેઓએ ખરીદી ત્યારે તેમના કહેવા મુજબ પૂર્વ બાજુએ હલણના હક્કો છે તેમજ હવા ઉજાસના હક્કો છે તેવું જણાવીને રાજકોટના અધિક સિનિયર સિવિલ જજ શ્રી એચ. એસ. દવેની કોર્ટમાં દાવો દાખલ કરી મનાઇ હુકમની માંગણી કરી છે.

આ કામમાં સુનાવણી થતાં નામ અદાલતે એવું જણાવેલ કે દાવો કરનાર વ્યકિતઓએ અગાઉ આ જ કારણોસર ટ્રસ્ટ સામે દાવો દાખલ કરેલ હતો અને તેઓ કોઇપણ જાતની શરત વિના અગાઉ પરત ખેંચી ગયેલ હતા તેમજ આ જમીન અંગે મામલતદાર કોર્ટમાં પણ હાલમાં રસ્તા અંગેની તકરાર ચાલતી હતી તે પણ મામલતદારશ્રીએ ટાઉનપ્લાનીંગ સ્કીમના અધિકારીના રિપોર્ટના આધારે નામંજુર કરેલ છે. આ મામલતદાર કોર્ટમાં કરેલ કેસ અંગેની હકીકત વાદીઓએ નામદાર કોર્ટ સમક્ષ છુપાવેલ છે. આ ઉપરાંત નામ. અદાલતે વિશેષમાં જણાવ્યું કે આ કામના વાદીઓને તેમની મુળ જમીન ચો. મી. ૭૮૯-૦૦ છે તેની સામે હલણના હક્કો માટે વધારાની જમીન આશરે ચો. મી. ૭૫-૦૦ તેઓને ફાયનલ પ્લોટ નં. ૯૬ માં ફાળવવામાં આવેલ છે. આ હકીકત પણ તેઓએ નામ. કોર્ટ સમક્ષ છુપાવેલ હતી. આ તમામ હકીકતોને નમ. અદાલતે લક્ષમાં લઇને અને ટી. પી. સ્કીમ ફાયનલ થઇ જતાં વાદીઓના કોઇ હક્કો અસ્તિત્વમાં રહેતા નથી તેવું સ્પષ્ટ જણાવીને વાદીઓની મનાઇ હુકમની અરજી ખર્ચ સહિત રદ્દ કરેલ છે.

આ કામમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ વતી એડવોકેટ શ્રી આશુતોષ એસ. જોાી તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ વતી શ્રી અમિત એસ. જોષી રોકાયેલ હતા.

(3:51 pm IST)