Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

હર ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા...યુવાધનને હુક્કા-ઇલેકટ્રીક સિગારેટના રવાડે ચડાવતાં વેપારીઓ પર પોલીસની ધોંસ

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતને વાલીઓ તરફથી મળેલી ફરિયાદ સંદર્ભે ડીસીપી હર્ષદ મહેતા અને ટૂકડી ત્રાટકીઃ નેપ્ચ્યુન ટાવરની ડિલકસ પાનમાંથી ફલેવર્ડ લિકવીડ, ઇલેકટ્રીક સિગારેટ મળ્યા બાદ તેના ડિલર્સ સેન્ટમેરીઝ સામેના ડ્રીમ પોઇન્ટમાં સર્ચ : ૯૫ જેટલી ફલેવર્ડ લિકવીડ બોટલ, ૫૦થી વધુ ઇલેકટ્રીક સિગારેટ, ચાર્જર કબ્જેઃ ઢેબર રોડ પર દોશી બ્રધર્સમાં પણ દરોડોઃ કબ્જે લેવાયલો પદાર્થ, લિકવીડ નશાયુકત છે કે કેમ? તે માટે એફએસએલમાં મોકલાયા

રાજકોટઃ શહેરની અનેક પાનની દૂકાનો અને હાઇવે પરના રેસ્ટોરન્ટ નજીકની દૂકાનોમાં નશાયુકત પદાર્થ મળતો હોવાની અને રાજકોટના ટીનેજર્સ ધીમે-ધીમે નશાની ગર્તામાં ધકેલાતાં જતાં હોવાની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતને મળેલી ફરિયાદ સંદર્ભે આજે ડીસીપી હર્ષદ મહેતાના નેજા તળે કાલાવડ રોડ અને ઢેબર રોડની કેટલીક પાનની દૂકાનો પર દરોડા બાદ આવા પદાર્થો વેંચતા મુખ્ય ડિલરોને ત્યાં દરોડો પાડી લાખોનો માલ સીઝ કરવામાં આવ્યો હતો. ચાર્જેબલ ઇલેકટ્રીક સિગારેટ અને તેની અંદર ભરવામાં આવતા જુદા-જુદા સ્વાદ-સુગંધના પ્રવાહીની બોટલો, હુક્કા અને તેમાં વપરાતો પદાર્થ કબ્જે લેવામાં આવ્યો હતો. ધૂમાડા ઉડાડવા વપરાતું લિકવીડ અને પદાર્થ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. આ પ્રવાહી કે પદાર્થમાં ગેરકાયદે નશાયુકત કેમિકલ કે બીજા તત્વો મળી આવશે તો તમામ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે યુવાધન ઇલેકટ્રીક ચાર્જેબલ બેટરીથી પીવાતી સિગારેટ અને હુક્કા મારફત ખોટી આદતનો શિકાર બનતાં જાય છે. શરૂઆતમાં બીનહાનીકારક સુગંધ અને સ્વાદ માણવાની અને ફિલ્મી સ્ટાઇલથી ધૂમાડા ઉડાવવાની હરકતો ધીમે-ધીમે ટેવમાં પરિવર્તિત થઇ જતી હોવાની અને ગેરકાયદે વેંચાતા ચરસ, ગાંજો અને બ્રાઉન સ્યુગરના રવાડે પણ ઘણા યુવાનો ચડી જતાં હોવાનું વાલીઓનું કહેવું છે. આ સંદર્ભે આજથી ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. કાલાવડ રોડ પરના નેપ્ચ્યુન ટાવરમાં આવેલ ડિલકસ પાન, સેન્ટમેરીઝ સામેના ડ્રીમ પોઇન્ટ અને ઢેબર રોડ વન-વેમાં આવેલી દોશી બ્રધર્સ નામની પાનની દૂકાનો અને ડિલરને ત્યાં તપાસ હાથ ધરી માલસામાન કબ્જે કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ડીસીપી હર્ષદ મહેતા, એ-ડિવીઝનના પી.આઇ. બી. પી. સોનારા, પીએસઆઇ અતુલ સોનારા, પીએસઆઇ એસ. વી. સાખરા સહિતનો સ્ટાફ કાર્યવાહી કરતો જોઇ શકાય છે.  તસ્વીરમાં દર્શાતો હુક્કો અને ઉપર કબ્જે કરાયેલી ચાર્જેબલ સિગારેટ, તેમાં વપરાતું લિકવીડ અને ડેટા કેબલ સહિતનું પેક પણ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:49 pm IST)