Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાજકોટની તમામ કોર્ટ ઘંટેશ્વર ખસેડાશે : ૧૪ એકર જગ્યા મંજૂર

બરોડા ટાઇપની આધુનિક સુવિધા ધરાવતુ કોર્ટ સંકુલ બનાવાશે : ગઇકાલે મોડી રાત્રે અપાયેલી સૂચનાઃ કલેકટરે પણ જમીનનો ઓર્ડર કરી દિધો : હાલના કોર્ટ બિલ્ડીંગ અંગે હવે પછી નિર્ણય

રાજકોટ તા. ૧૦ : આખરે અદ્યતન કોર્ટ સંકુલ બનાવવા રાજ્ય સરકારે મંજુરી આપી દેતા રાજકોટને હવે બરોડા ટાઇપ પેર્ટન્ટવાળુ આખુ કોર્ટ સંકુલ મળશે તેમ આજે સવારે કલેકટર કચેરીના સૂત્રોએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું.

છેલ્લા એક વર્ષથી આ ફાઇલ ચાલતી હતી, કાલાવાડ રોડ ઉપર કણકોટ નજીકની જગ્યા અંગે વિરોધ થયો હતો, આ પછી ઘંટેશ્વર નજીક સર્વે નં. ૧૫૦ની જગ્યા અંગે તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ જગ્યા નિરીક્ષણ બાદ સરકારમાં દરખાસ્ત કરી હતી.

આ પછી રાજ્ય સરકારે સર્વે કરાવ્યો હતો, અને આખરે ઘંટેશ્વર નજીક FCIના ગોડાઉન પાસે આવેલ સર્વે નં. ૧૫૦ની ૧૪ એકર એટલે કે ૫૨ હજાર ચો.મી. જમીન કોર્ટ સંકુલ માટે ફાળવવા અંગે રાજ્ય સરકારે મંજૂરી આપી દિધી છે.

આ માટેનો વિસ્તૃત આદેશ ગતરાત્રે જ રાજકોટ કલેકટર ઉપર ઉતરતા જ કલેકટરે પણ વહિવટી હુકમ-૩ નીચે કોર્ટને જમીન ફાળવતો ઓર્ડર કરી દિધો છે.

કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, કુલ ૫૨ હજાર ચો.મી. જગ્યા ઉપર બરોડા પેટેન્ટ ટાઇપ રાજકોટના ઘંટેશ્વરમાં વિશાળ કોર્ટ સંકુલ બનશે અને હાલનું મોચી બજારમાં રહેલુ કોર્ટ સંકુલ અંગે રાજ્યની લીગલ ડીપાર્ટમેન્ટ હવે નિર્ણય કરશે, ટુંકમાં રાજકોટની તમામ કોર્ટ હવે ઘંટેશ્વર ખસેડાશે, એ ફાઇનલ બાબત બની છે.(૨૧.૨૪)

(3:47 pm IST)