Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રેલનગર સ્મશાનના રસ્તે સતત બીજા દિવસે લૂંટઃ લોહાણા પ્રોૈઢને છરી બતાવી રૂ.૮૫૦૦ પડાવી લીધા

જોગાનુજોગ બંને બનાવમાં લૂંટાયેલા પ્રોૈઢના રહેણાંક વિસ્તાર, જ્ઞાતિ, અટક અને ઉમર બધુ જ સરખું: લૂંટનું સ્થળ પણ એક જ!: ભોમેશ્વરની અનાજ દળવાની ઘંટીમાં કામ કરતાં દિનેશભાઇ કોટકે વકિલની ફી માટે પૈસા રાખ્યા'તાઃ પોલીસે તપાસ શરૂ કરી : બાઇક સવારે અત્યારે અત્યારે કયાં જાય છે? કહી લાફા મારી ઝાડીમાં ખેંચી જઇ છરી બતાવી રોકડ પડાવી લીધી

રાજકોટ તા. ૧૦: રેલનગર સ્મશાન જવાના રસ્તા પર સતત બે દિવસથી લૂંટ થઇ રહી છે. રવિવારે મોડી રાત્રે લોહાણા પ્રોૈઢને બે શખ્સ ધોલધપાટ કરી રોકડ-મોબાઇલ પડાવી ગયા હતાં. ત્યાં ગત રાત્રે ફરી આ જ રસ્તા પર લોહાણા પ્રોૈઢને એક બાઇકસ્વારે માર મારી ઝાડીમાં ખેંચી જઇ રોકડ પડાવી લેતાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રેલનગર છત્રપતિ ટાઉનશીપ બી-૧૦૭માં રહેતાં અને ભોમેશ્વર ફાટક પાસે બજરંગ ફલોર મીલમાં નોકરી કરતાં દિનેશભાઇ ચંદુભાઇ કોટક (ઉ.૪૯) નામના લોહાણા પ્રોૈઢ રાત્રે નવેક વાગ્યા પછી પોતાની નોકરી પુરી કરી બાઇક પર ઘરે જતાં હતાં ત્યારે રેલનગર સ્મશાન તરફ જતાં કાચા રસ્તા પર એક બાઇકસ્વારે તેમને ઉભા રાખ્યા હતાં અને અત્યારે કયાં જાય છે? તે સહિતના સવાલો પુછ્યા બાદ લાફા મારી ખેંચીને ઝાડીમાં લઇ જઇ છરી બતાવી જે હોય તે આપી દેવા કહી તેની પાસેના રૂ. ૮૫૦૦ લૂંટી લીધા હતાં અને પોલીસને ફરિયાદ કરતો નહિ...તેમ કહી ધમકી આપી ભાગી ગયો હતો.

દિનેશભાઇના કહેવા મુજબ પોતાને આ રકમ વકિલને આપવાની હતી. ગઇકાલે બપોરે તે વકિલને મળવા ગયા હતાં પણ ભેટો ન થતાં રકમ ખિસ્સામાં જ રાખી હતી. પોલીસને જાણ થતાં આ ઘટનામાં કેટલું તથ્ય છે? તે જાણવા તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે પરમ દિવસે ગઇકાલે સવારે રેલનગર પાસે અમૃત રેસિડેન્સીમાં રહેતાં અને જ્યુબીલી માર્કેટ પાસે થેલા-થેલીની દૂકાન ધરાવતાં ચંદ્રકાંતભાઇ બાબુભાઇ કોટક (ઉ.૫૦) ઘર નજીક કાચા રસ્તેથી ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન મળ્યા હતાં. સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં આ પ્રોૈઢ પર રાત્રે ૧૨:૪૮ કલાકે બે શખ્સોએ હુમલો કરી મોબાઇલ, રોકડ પડાવી લીધાનું જણાયું હતું. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં ગત રાત્રે ફરીથી રેલનગરમાં લૂંટની ઘટના બનતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. જોગાનુજોગ બંને બનાવમાં ભોગ બનનારની ઉમર ૫૦ વર્ષ છે અને જ્ઞાતિ તથા અટક પણ સરખા છે. (૧૪.૭)

(3:39 pm IST)