Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મહિલા એડવોકેટ દિવ્યાબેન વીઠાનો ફાંસો ખાઇ આપઘાત

યાજ્ઞિક રોડ પર કલ્યાણ જ્વેલર્સ સામે રાજેશ્વરી કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ૩૦૪ નંબરની ઓફિસમાં પગલું ભર્યુ : સવારે કલાયન્ટસ ઓફિસ બંધ જોઇ નીકળી જતાં હોઇ બાજુની ઓફિસવાળાએ લોબીના સીસીટીવી કેમેરા જોતાં દિવ્યાબેન સવારે ૭ વાગ્યે ઓફિસમાં આવ્યાનું જાણવા મળતાં દરવાજો તોડાતાં ખબર પડીઃ ગાંધીગ્રામના બ્રાહ્મણ પરિવારમાં શોક

જ્યાં ઘટના બની તે રાજલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસ, મહિલા એડવોકેટ દિવ્યાબેનનો નિષ્પ્રાણ દેહ તથા તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: ગાંધીગ્રામમાં રહેતાં અને યાજ્ઞિક રોડ પર ઓફિસ ધરાવતાં મહિલા વકિલે પોતાની ઓફિસમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બ્રાહ્મણ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ યાજ્ઞિક રોડ પર કલ્યાણ જ્વેલર્સ સામે આવેલા રાજેશ્વરી કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફિસ નં. ૩૦૪માં બેસી વકિલાતનું કામ કરતાં દિવ્યાબેન મગનલાલ વીઠા (ઉ.૩૪) નામના બ્રાહ્મણ મહિલાની ઓફિસે સવારથી અનેક કલાયન્ટસ આવીને પરત નીકળી જતાં હોઇ અને ઓફિસનો દરવાજો ખખડાવવા છતાં ખોલવામાં આવતો ન હોઇ બપોરે સાડા બારેક વાગ્યે બાજુની ઓફિસવાળાઓે લોબીના સીસીટીવી કેમેરા ચેક કરતાં એડવોકેટ દિવ્યાબેન સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં એન્ટર થયાનું દેખાયું હતું. તેમજ બપોર સુધી બહાર નહિ નીકળ્યાનું જણાયું હતું. 

આથી તેઓ અંદર જ હોવાનું સ્પષ્ટ થતાં દરવાજો તોડીને જોવામાં આવતાં તેઓએ ગળાફાંસો ખાઇ લીધાનું જોવા મળતાં અન્ય ઓફિસધારકો ચોંકી ગયા હતાં. દિવ્યાબેને પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દીધો હતો. આ કોમ્પલેક્ષમાં જ ઓફિસ ધરાવતાં મ્યુ. કોર્પોરેશનના પૂર્વ અધિકારી એ. વી. હેરમાએ બનાવની જાણ પોલીસને અને ૧૦૮ને કરી હતી.

બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ એમ. એસ. ગોસાઇ, કૌશેન્દ્રસિંહ, દેવશીભાઇ રબારી, અરવિંદભાઇ મકવાણા સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. બનાવની જાણ થતાં મૃતકના બહેન, બનેવી સહિતના પરિવારજનો ઓફિસે દોડી આવ્યા હતાં.

આપઘાત કરનાર દિવ્યાબેન બે ભાઇ અને બે બહેનમાં નાના તથા અપરિણીત હતાં અને રાજેશ્વરી કોમ્પલેક્ષમાં મનિષભાઇ વડેરીયાની ઓફિસ પાંચ વર્ષથી ભાડેથી રાખીને તેમાં બેસી વકિલાત કરતાં હતાં. તેમની સાથે તેમના ભાઇ રાજુભાઇ વીઠા પણ એકાઉન્ટન્ટ અને ટેકસ કન્સલટન્સનું કામ કરે છે. આજે ભાઇ રાજુભાઇ બહારગામ હોઇ દિવ્યાબેન એકલા ઓફિસે આવ્યા હતાં અને આ પગલુ ભરી લીધું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા વકિલે આ પગલું ભરી લીધાની જાણ થતાં વકિલ આલમમાં પણ શોક છવાઇ ગયો હતો.

જિંદગી ટુંકાવી લેનારા દિવ્યાબેન ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાછળ ઋષિ વાટીકા-૨માં માતા, દાદી, ભાઇ સહિતના પરિવારજનો સાથે રહેતાં હતાં. તેમના પિતા હયાત નથી. આ બનાવથી વીઠા (બ્રાહ્મણ) પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:33 pm IST)