Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

૧૬મીથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન : ૪ લાખ બાળકોને આવરી લેવાશે

શૈક્ષણિક સંસ્થા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રમાં આયોજન : ૧ મહિના સુધી કાર્યક્રમ ચાલશે : પત્રકાર પરિષદમાં માહિતી આપતા મેયર, મ્યુનિ. કમિશ્નર, સ્ટે.ચેરમેન સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ

બે બિમારીઓને હરાવીશું, આ રસી અવશ્ય અપાવીશું: કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દેશમાં હાથ ધરવામાં આવનાર ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કોર્પોરેશન દ્વારા ૧૬ જુલાઇથી શહેરમાં કરવામાં આવનાર છે. આ અભિયાનની માહિતી માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડ, નેતા દલસુખભાઇ જાગાણી, નેતા અજય પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર તથા નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડ સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દેશમાં હાથ ધરવામાં આવનાર 'ઓરી અને રૂબેલા' રસીકરણ અભિયાનનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ તા.૧૬ જુલાઇના રોજથી રાજકોટ શહેરમાં ૯ થી ૧૫ વર્ષના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તેમ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

'ઓરી અને રૂબેલા' રસીકરણ અભિયાન વિશે માહિતી આપવા આજે તા.૧૦ રોજ મ્યુનિ. કોર્પોરેશન ખાતે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ યોજાયેલ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રેસિડેન્ટ ડો. હિરેન કોઠાર અને ઇન્ડિયન એસો. ઓફ પિડીયાટ્રીકના પ્રેસિડેન્ટ ડો. દિનેશ શ્રીમાંકર તથા સેક્રેટરી ડો. કૃણાલ આહ્યા ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ચેતન ગણાત્રા, આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારીઓ ડો. મનીષ ચુનારા અને ડો. હિરેન વિસાણી તથા એસ.એમ.ઓ. ડો. અમૂલભાઈ વગેરે ઉપસ્થિત હતાં.

ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન વિશે વાત કરતા મેયર બીનાબેન આચાર્યએ એમ જણાવ્યું હતું કે, દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાહેર સ્વાસ્થ્યની બાબતમાં ખુબ જ ચિંતિત છે. દરેક બાળક દેશના ભાવી ખડતલ અને તંદુરસ્ત નાગરિક બને તેવા ઉમદા આશય સાથે ઓરી અને રૂબેલા રસીકરણ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધર્યું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરના ૯થી૧૫ વર્ષના તમામ બાળકોને રસીકરણમાં આવરી લેશે. આ અભિયાનમાં શહેરના તમામ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે, તેઓ પોતાના ૯ થી ૧૫ વર્ષના સંતાનોને ઓરી અને રૂબેલાની રસી અચૂક અપાવડાવે.  થોડા સમય પૂર્વે જ ભારત દેશ પોલિયોથી મુકત થઇ ચુકયો છે ત્યારે ઓરી અને રૂબેલાથી પણ દેશને મુકત કરાવવા સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. મહાનગરપાલિકા દ્વારા સ્કૂલો, આંગણવાડીઓ વગેરે સ્થળોએ આ રસી મુકી આપવામાં આવનાર છે.

મ્યુનિ. કમિશનરશ્રીએે એમ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારશ્રી, રાજય સરકારશ્રી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં શહેરના ૯ થી ૧૫ આશરે ૪ લાખ બાળકોને આવરી લેવામાં આવનાર છે. રસીકરણથી કોઈ બાળક વંચિત ના રહી જાય તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની સાથોસાથ તમામ વાલીઓની પણ છે. બાળકોને વન ટાઈમ જ યુઝ થઇ શકે ઓટો ડીસ્પોઝેબલ સિરીંજનો ઉપયોગ કરવામાં આવનાર છે તેથી બાળકોના સ્વાસ્થ્ય બાબતે કોઇપણ પ્રકારનો ભય કે ચિંતા રાખવાની આવશ્યકતા રહેતી નથી. આ ઝુંબેશ તા.૧૬ જુલાઇથી એક માસ સુધી ચલાવવામાં આવશે અને જરૂર પડ્યે બાકી રહી ગયેલા બાળકોને એક માસ બાદ પણ આવરી લેવામાં આવશે.

પત્રકાર પરિષદની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે ઉપસ્થિત સૌ મહેમાનો વગેરેને આવકાર્યા હતાં અને આજના પ્રસંગના વિષય અંગે પ્રાથમિક વાત કરી હતી.

ઓરી

   ઓરી એ જીવલેણ બીમારી છે અને બાળકોમાં થતા મૃત્યુ પાછળના મોટા કારણોમાનું એક છે.

   ઓરી ખૂબ જ ચેપી રોગ છે અને તે ખાંસી તથા છીંક ખાવાથી ફેલાય છે

   ઓરીને કારણે આપણા બાળકોને ન્યુમોનિયા, ઝાડા અને મગજના ચેપ જેવા ખુબ જીવલેણ રોગોની અસર જલ્દી થઈ શકે છે.

   ઓરીના સામાન્ય લક્ષણો  આ મુજબ છે – તીવ્ર તાવ સાથે ચામડી પર દેખાતા લાલ ચાઠા, ખાંસી, વહેતું નાક અને લાલ આંખો.

રૂબેલા

   જે  સ્ત્રીને ગર્ભાવસ્થા દરમ્યાન રૂબેલાનો ચેપ લાગે તો CRS (જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ) થઈ શકે છે. જે ગર્ભ અને નવજાત શિશુઓ માટે ગંભીર તેમજ જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રારંભિક ગર્ભાવસ્થા દરમ્યાન રુબેલાથી ચેપગ્રસ્ત માતાથી જન્મેલા બાળકને લાંબા સમયની જન્મજાત બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. જેનાથી આંખ (ગ્લુકોમા, મોતીયો), કાન (બહેરાશ), મસ્તક (માઈક્રોસિફેલી, માનસિક અસંતુલન) ને અસર થવાની સંભાવના રહે છે તથા હૃદયની બીમારી થવાનો ખતરો વધી જાય છે.

   રૂબેલા ગર્ભવતી  સ્ત્રીમાં ગર્ભપાત, કસમયની પ્રસુતિ અને બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે તેવી સંભાવના વધી જાય છે.

(3:28 pm IST)