Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઈન્દ્રનિલભાઈને કોંગ્રેસમાં માનભેર લાવવા કોર્પોરેટરો ધરણા કરશે

પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખને ફરી સક્રિય થવા માટે વિપક્ષી નેતા સહિત ૧૯ કોર્પોરેટરોની આજીજી...: ઈન્દ્રનિલભાઈને મનાવવા કોંગી કોર્પોરેટરો તેમના નિવાસ સ્થાને પહોંચ્યાઃ કોંગ્રેસના લડાયક નેતા ઈન્દ્રનિલભાઈને માનભેર પક્ષમાં પાછા લાવવા માટે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરાશેઃ જરૂર પડયે અમદાવાદ પ્રદેશ કાર્યાલય સામે અને ઈન્દ્રનિલભાઈના નિવાસ સ્થાન પાસે ધરણા કરવા કોંગી કોર્પોરેટરો મક્કમ

ઈન્દ્રનીલભાઈ અમને તમારી જરૂર છે, કોંગ્રેસ પાછા ફરોઃ કોર્પોરેટરોએ કરી વિનંતીઃ રાજકોટઃ કોંગ્રેસની વર્તમાન નીતિરીતીથી નારાજ થઈ રાજીનામુ આપી દેનાર પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂને મનાવવા કોંગી કોર્પોરેટરો આજે તેઓના નિવાસસ્થાને સવારે ૧૧ વાગ્યે પહોંચ્યા હતા તે પ્રસંગની તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા તથા અતુલ રાજાણી, દિલીપ આસવાણી, હારૂન ડાકોરા, નિલેશભાઈ મારૂ સહિતના કોર્પોરેટરો તથા વાસુરભાઈ ડેર સહિતના કોંગી અગ્રણીઓ ઈન્દ્રનિલભાઈને વિનંતી કરી રહેલા દર્શાય છે(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. કોંગ્રેસના લડાયક નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂએ કોંગ્રેસની વર્તમાન નીતિરીતિ સામે વિરોધ દર્શાવી અને પોતાનું રાજીનામુ પક્ષમાંથી ધરી અને વિદેશ ચાલ્યા ગયા હતા. દરમિયાન ગઈકાલે તેઓ વિદેશથી પરત ફર્યા બાદ સમાજના વિવિધ આગેવાનોએ અને કોંગી કાર્યકરોએ તેઓને કોંગ્રેસમાં ફરી સક્રિય થવા વિનંતી કરેલ. ત્યાર બાદ આજે વિપક્ષી નેતા સહિત ૧૯ જેટલા કોંગી કોર્પોરેટરોએ પણ ઈન્દ્રનિલભાઈને કોંગ્રેસમાં ફરી સક્રિય થવા વિનંતી કરી હતી તેમજ ઈન્દ્રનિલભાઈને પુરા માનસન્માનથી ફરી કોંગ્રેસમાં લેવા માટે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા અને જરૂર પડે તો પ્રદેશ કાર્યાલય તથા ઈન્દ્રનિલભાઈના નિવાસ સ્થાન પાસે ધરણા કરવાની તૈયારી પણ આ કોર્પોરેટરોએ દર્શાવી હતી.

આ અંગેની વિગતો મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને લડાયક નેતા તરીકે ઉભરી આવેલા ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂએ કોંગ્રેસની વર્તમાન જુથવાદને પોષતી નીતિરીતિ સામે વિરોધ દર્શાવી અને પાર્ટીમાંથી પોતાનું રાજીનામુ ફગાવી દીધુ હતું. જેને પાર્ટીએ માન્ય રાખ્યાની વાતો વહેતી થયેલ. દરમિયાન આજે સવારે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, રસીલાબેન ગરૈયા, ગાયત્રીબેન ભટ્ટ, સ્નેહાબેન દવે, હારૂનભાઈ ડાકોરા, મકબુલભાઈ દાઉદાણી, પરેશભાઈ હરસોડા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, માસુબેન હેરભા, દીલીપ આસવાણી, નિલેશભાઈ મારૂ, જયાબેન ટાંક, રવજીભાઈ ખીમસુરીયા, ગીતાબેન પુરબીયા, સીમ્મીબેન જાદવ સહિતના કોર્પોરેટરોએ ઈન્દ્રનિલભાઈના નિવાસ સ્થાન ખાતે પહોંચી અને તેઓને કોંગ્રેસમાં ફરીથી સક્રિય થવા વિનંતી કરી હતી. જો કે ઈન્દ્રનિલભાઈએ આ બાબતે નનૈયો ભણી દીધો હતો આથી કોંગ્રેસના ઉકત કોર્પોરેટરોએ આ તકે એવુ જાહેર કર્યુ હતુ કે, ઈન્દ્રનિલભાઈને પુરા માન-સન્માન સાથે કોંગ્રેસમાં પરત લેવામાં આવે તેવી માંગણી અને રજૂઆત કરવા અમે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો સમય માગ્યો છે અને પ્રદેશ કોંગ્રેસના અમદાવાદ કાર્યાલય ખાતે આ બાબતની રજૂઆત કરશું. જરૂર પડયે કાર્યાલય સામે ધરણા પણ કરશું તથા રાજકોટમાં ઈન્દ્રનિલભાઈને મનાવવા માટે તેમના નિવાસસ્થાન પાસે ધરણા યોજશું તેમ તમામ કોર્પોરેટરો વતી વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા તથા અતુલભાઈ રાજાણીએ જાહેર કર્યુ હતું.

કોંગ્રેસ શ્રેષ્ઠ વિચારધારા છે, રાહુલજી સમય આપશે તો મારી વાત જરૂર રજુ કરીશઃ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ

રાજકોટ :. કોંગ્રેસની વર્તમાન નીતિ સામે વિરોધ દર્શાવનાર ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂને ફરીથી કોંગ્રેસમાં સક્રિય થવા માટે કોર્પોરેટરો અને વિવિધ સમાજના આગેવાનો વિનંતીઓ કરી રહ્યા છે ત્યારે શ્રી રાજ્યગુરૂએ એ બાબત સ્પષ્ટ કરી હતી કે, કોંગ્રેસ શ્રેષ્ઠ વિચારધારા છે અને ભાજપ તેની તોલે ૨૦૦ વર્ષ સુધી પણ ન આવી શકે, પરંતુ વર્તમાન નેતાગીરીની નીતિરીતિ સામે મારો વિરોધ છે કેમ કે વર્તમાન નેતાગીરી પાર્ટી પોલીટીકસમાં માને છે અને હું લોકોની પોલીટીકસમાં માનુ છું. આથી રાજીનામુ આપતા પહેલા મેં પ્રદેશ પ્રભારીથી લઈ દિલ્હી સુધી રજુઆતો કરી ત્યારે મને પાર્ટી પોલીટીકસમાં રહેવાનુ કહેવાયુ આથી મેં રાજીનામુ આપી દીધું. હવે જો રાહુલજી સમય આપે તો તેઓ સમક્ષ પણ મારી વાત મુકીશ તેમ ઈન્દ્રનિલભાઈએ અંતમાં જણાવ્યુ હતું.

(3:52 pm IST)
  • બ્રિટનના ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસનનું રાજીનામુ :યુકમાં છેલ્લા લાંબા સમયથી બ્રેક્ઝિટ મુદ્દે ચાલી રહેલા રાજકારણની વચ્ચે જ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે access_time 1:27 am IST

  • સુરતના અલકાપુરી બ્રિજ નીચે ટ્રેનની ટક્કરે યુવકનું મોત : સુરત શહેરમાં અલકાપુરી બ્રિજ નીચે ટ્રેનની ટક્કરે આજે એક યુવકનું મોત થયું છે: અકસ્માત બાદ રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે access_time 1:32 pm IST

  • ગુજરાત ફી રેગ્યુલેસન અંગેની રીટ પિટિશન સુપ્રીમ કોર્ટ કાલે સાંભળશે access_time 10:38 pm IST