Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

મામાને આપેલ જુદા જુદા ત્રણ ચેક રિટર્નના કેસમાં ભાણેજનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૧૦: ભાણેજે મામાને આપેલા અલગ અલગ ત્રણ ચેક રીટર્નના કેસોમાં આરોપી ભાણેજને ત્રણેય કેસમાં નિર્દોષ છુટકારો કોર્ટ ફરમાવેલ હતો.

અત્રેના બનાવની વિગત એવી છે કે આ કામમાં ફરિયાદી-મામા દિનેશભાઇ હમીરભાઇ બાલાસરા અને તેમના પુત્ર-હિમાંશુ  દિનેભાઇ બાલાસરા દ્વારા તેમના સગા ભાણેજ મુકેશભાઇ મેરામભાઇ ચાવડા વિરૂધ્ધ હાથ ઉછીની રકમના કુલ રકમ રૂ.૧૨,૦૦,૦૦૦/ના અલગ અલગ ત્રણ કેસો કરવામાં આવેલ. જેમાં બે કેસો દિનેશભાઇ હમીરભાઇ બાલાસરા દ્વારા રૂ.૭,૦૦,૦૦૦/ અને રૂ.૨,૦૦,૦૦૦/ એમ મળી કુલ રકમ રૂ. ૯,૦૦,૦૦૦/ રૂપિયાની બે ચેક રીટર્નની ફરિયાદો કરવામાં આવેલ તથા અન્ય એક ચેકની ફરિયાદ દિનેશભાઇના પુત્ર-હિમાંશુ દિનેશભાઇ બાલાસરાએ રૂ. ૩,૦૦,૦૦૦/ ની ફરિયાદ કરેલ. એમ મળી આ ત્રણેય ચેકોની રકમ રૂ.૧૨,૦૦,૦૦૦/ ની ચેક રીટર્નની ફરિયાદ આરોપી ભાણેજ-મુકેશભાઇ મેરામભાઇ ચાવડા વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં દાખલ કરેલ હતી.

આ કામે ટ્રાયલ ચાલી જતાં આરોપીપક્ષે કોર્ટમાં ફરિયાદીની લેવાયેલ ઉલટતપાસમાં ફરિયાદીની કાયદેસરની આવક તથા આરોપી પાસેના લેણા બાબતેના વિરોધાભાસી પુરાવો આવતા ફરિયાદી પોતાની આવક તથા પોતાનો કેસ અને પોતાનું કાયદેસરનું લેણું કોર્ટ સમક્ષ સાબિત કરી શકેલ નહી અને આરોપી તથા ફરિયાદી તરફે બંને પક્ષો દ્વારા લેખિત દલીલ રજુ કરવામાં આવેલ તથા આરોપીપક્ષ તરફથી કોર્ટમાં અલગ અલગ બાર જેટલા ગુજરાત હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ. જે ચુકાદાઓ તથા લેખિત દલીલો ધ્યાને લઇ ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી શકેલ ન હોય, જેથી આરોપીને કોર્ટમાં આ ઉપરોકત ત્રણેય કેસોમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી-મુકેશભાઇ મેરામભાઇ ચાવડા વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજયભાઇ ડાંગર, વિજયભાઇ ઘમ્મર, સાગર એન.મેતા, ચિરાગ પી.મેતા, રાહુલ બી.મુછડીયા રોકાયેલા હતા.

(4:25 pm IST)