Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ભગતસિંહજી ગાર્ડન પાસેના ફાયરીંગ-ખુની હુમલાના કેસમાં આરોપીની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

મિત્રના જન્મની ઉજવણી દરમ્યાન ડખ્ખો થતાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૧૦: અહીંના યુનિ. રોડ ઉપર ચિત્રકુટ ધામ પાસે આવેલ ભગતસિંહજી ગાર્ડન પાસે મિત્રના જન્મ દિવસની ઉજવણી માટે ભેગા થયેલા મિત્રો વચ્ચે અંદરોઅંદર બોલાચાલી થતાં રિવોલ્વરમાંથી મીસ ફાયર થતા તેમજ ફરીયાદી જયપાલસિંહ વાઘેલા ઉપર છરીના ઘા મારીને હત્યાની કોશિષ કરવાના ચકચારી ગુનામાં પકડાયેલા અને જેલહવાલે થયેલા આરોપી ઇશાન ભીમાભાઇ જોષીએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી પવારે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે બનાવના દિવસે ડેનીશ ભરતભાઇ દેશાણીનો જન્મ દિવસ હોય હાલના આરોપી સહિતના મિત્રો ભેગા થયેલા દરમ્યાન અંદરોઅંદર બોલાચાલી થતાં રિવોલ્વરમાંથી મીસ ફાયર થયેલ તેમજ હાલના આરોપી ઇશાન જોષીએ અન્ય મિત્ર પાસે રહેલ છરી આંચકી લઇને ફરીયાદી ઉપર હુમલો કરીને હત્યાની કોશિષ કરતાં પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં પોલીસે આરોપી ઇશાન જોષીની ધરપકડ કરીને જેલહવાલે કરતાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ શ્રી અતુલભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ગુનો છે, માત્ર મિત્રો વચ્ચેની સામાન્ય બોલાચાલીમાં મીસ ફાયરીંગ કરવા તેમજ છરી જેવા ઘાતક હથિયારથી ખુની હુમલો કરવાનો ગંભીર ગુનો હોય આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી પરમારે આરોપીની જામીન અરજીને નકારી કાઢી હતી.

(4:09 pm IST)