Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પડધરી હાઇવે ઉપર ટ્રકમાંથી ઝડપાયેલ લાખોના દારૂના કેસમાં આરોપીના જામીન નામંજૂર

આરોપી વિરૂધ્ધ દારૂના અસંખ્ય ગુનાઓ છેઃ જામીન અપાશે તો ફરી ગુનાઓ કરશેઃ સમીર ખીરાની રજૂઆત

રાજકોટ તા. ૧૦ :.. પડધરી નજીકથી ટ્રક મારફત આવતાં ર૦ લાખની કિંમતના દારૂ સાથે પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલા અને જેલ હવાલે થયેલા. અહીંના દેવપરા-૧ માં રહેતા આરોપી હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાએ 'ચાર્જશીટ' બાદ જામીન પર છૂટવા કરેલ અરજીને એડી. સેશન્સ જજ શ્રી એચ. એમ. પવારે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. રર-૩-૧૯ ના રોજ પોલીસને મળેલ બાતમી ના આધારે પડધરી વિસ્તારમાંથી નેશનલ હાઇવે ઉપર ટ્રક મારફત આવી રહેલ ર૦ લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂ સંતરાની પેટીઓમાંથી મળી આવેલ હતો.

આ દારૂનો જથ્થો હાલના આરોપી હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયાએ મંગાવ્યાનું ખુલતાં પોલીસે તેની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજૂઆત કરેલ. કે, આરોપી દારૂનો મોટા ધંધાર્થી છે. દારૂ અંગેના તેની સામે પ૧ જેટલાં ગુનાઓ નોંધાયા છે. તેથી તેને જો જામીન પર છોડવામાં આવશે તો તે ફરી આ પ્રકારના ગુનાઓ કરે તેવી દહેશત હોય આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી પવારે આરોપીની 'ચાર્જશીટ' પછીની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. શ્રી સમીરભાઇ ખીરા રોકાયા હતાં.

(4:06 pm IST)