Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજકોટ શહેર આસપાસના નવા વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદે ખોદકામઃ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર બેફામ ખનીજ ચોરી

એક ખાણને લાયસન્સઃ બીજી પાસે નથીઃ નિયમ મુજબ લાયસન્સ રદ કરવા જરૂરી : શહેર કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુતની કલેકટરને લેખીતમાં ફરીયાદઃ પગલા નહી લેવાય તો હાઇકોર્ટમાં દાદ મંગાશે

આજી ડેમ પાસે તથા નવા ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર બેફામ ખનીજ ચોરી થાય છે તે તસ્વીરમાં જણાય છે.

રાજકોટ, તા., ૧૦: રાજકોટ શહેર જીલ્લા પુર્વ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશ રાજપુતે કલેકટરને લેખીતમાં રજુઆત કરી ગેરકાયદે ભુમાફીયા દ્વારા ખોદાણ અંગે પગલા ભરવા માંગણી કરી હતી. પત્રમાં ઉમેર્યુ હતું કે, શહેર અને આસપાસના નવા ભળેલા વિસ્તારોમાં હાલમાં સરકારી જમીનોમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહયું છે અને માટી તથા પથ્થર જેવા કિંમતી ખનીજની બેફામ ચોરી કરવામાં આવી રહી છે. શહેરમાં અત્યારે સૌથી વધુ ખનીજ ચોરી આજી ડેમ અને રાંદરડા વિસ્તાર ઉપરાંત નવા બનેલા ૧પ૦ રીંગ રોડ વિસ્તારમાં થઇ રહી છે.

શહેરના વોર્ડ નંબર ૧૮ તેમજ ૧પ માં નવા રીંગ રોડ ઉપર કિસાન ગૌશાળાની આગળના ભાગે સિંગલ પટ્ટીના રોડ ઉપરની બંને બાજુએ બેફામ ખોદકામ કરવામાં આવી રહયું છે. આ રોડ એક વર્ષ પહેલા ૧પ૦ રીંગ રોડ તરીકે મંજુર થયેલ છે ત્યારથી ખનીજચોરો દ્વારા રાત-દિવસ આમાથી પથ્થરો કાઢવામાં આવે છે. આ રીંગ રોડ બનાવવાનું કામ શરૂ થશે ત્યારે આ રોડ ઉપર પથ્થરો અને માટી સરકારના ખાતે નાખવી પડશે અને રોડની મજબુતી નબળી પડશે જેથી પથ્થોરની ખનીજ ચોરી રોકવી તથા લીઝ આપેલ હોય તો તે તાત્કાલીક લીઝ નામંજુર કરવી જરૂરી છે.

આ વિસ્તારમાં રોડની બંન્ને બાજુએ ખાણ આવેલી છે અને તેમાંથી પથ્થર અને માટી કાઢવામાં આવી રહયા છે. આ વિસ્તારમાં એક ખાણને લાયસન્સ આપવામાં આવ્યું છે જયારે એક સંપુર્ણપણે ગેરકાયદેસર છે. સરકારી નિયમો મુજબ જે વિસ્તારમાં ૧પ૦ ફુટના રોડને મંજુરી આપવામાં આવી હોય તે વિસ્તારમાં જો અગાઉ ખાણના લાયસન્સ આપવામાં આવ્યા હોય તો તે પણ કેન્સલ કરવા પડે છે પણ આ કિસ્સામાં નિયમનો ઉલાળીયો કરવામાં આવ્યો છે.

આ ખાણમાંથી કરવામાં આવતા ખોદકામને કારણે સરકારના કિંમતી ખનીજને નુકશાન થઇ રહયું છે સાથોસાથ રસ્તાની સલામતી પણ જોખમાઇ રહી છે.  લીઝ ધારક દ્વારા ટેટા ફોડવામાં આવે છે. પરીણામે રસ્તા નબળા પડી રહયા છે. આ પ્રવૃતીને કારણે ત્યાં બીનખેતી થયેલા ઇન્ડસ્ટ્રીયલ એરીયા તેમજ રેસીડન્સ એરીયા જે નવા ડેવલોપ થઇ રહયા છે તેને ડેમેજ થઇ રહયું છે જેથી વિકાસના કાર્યો ત્યાં અટકી ગયેલ છે. ભુમાફીયાઓ તરફથી કરવામાં આવતી આ ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા માટે સંબંધીત તંત્રને રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી જે ઘણી ગંભીર બાબત છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે આ વિસ્તારમાં સાંજના સમયથી મોડી રાત સુધી પથ્થર ફોડવા માટે કરવામાં આવતા બ્લાસ્ટને કારણે ડેમને પણ નુકશાન થવાની ભીતી છે. જો તંત્ર અત્યારથી જાગશે નહી તો આવનાર દિવસોમાં માઠા પરીણામો ભોગવવાનો વારો આવશે. આ બાબતે ડે. કલેકટરને તા.ર૭-પ-ર૦૧૯ ત્યાર બાદ તા.૩૧-પ-ર૦૧૯ અને તા. ૪-૬-ર૦૧૯ ના રોજ રૂબરૂ રજુઆત કરેલ અને તેઓએ  જે તે તલાટી-મંત્રીશ્રીને આ અંગે તપાસ કરવા તા.ર૭-પ-ર૦૧૯ના રોજ જણાવેલ પણ આજ સુધી કોઇ સાચુ પરીણામ આવેલ નથી અને જે તે પથ્થરની ખાણો રાજકોટ શહેરમાં આવેલી છે અને નવા ૧પ૦ રીંગ રોડ પર આવેલ છે તે બંધ કરાવવામાં આવેલ નથી.

રજુઆતમાં વધુમાં ઉમેર્યુ છે કે આપશ્રી સરકારશ્રીને અને નાગરીકોનું થતુ નુકશાન તાત્કાલીક રોકાવશો અને ગેરકાયદેસર પ્રવૃતિ  કરતા માણસો સામે તાત્કાલીક કાયદાકીય પગલા લેશો. જો આ રજુઆત પછી પણ આ ગેરકાદેસર પ્રવૃતિ બંધ નહિ કરાવાય તો ના છુટકે અમોને હાઇકોર્ટ પાસે અમોએ દાદ માંગવા જવુ પડશે.

(4:06 pm IST)