Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

આ સુધરતો નથી, ને પોલીસ આકરી બનતી નથી!...૧૨ દિ'માં ચોથી વખત સિવિલ હોસ્પિટલમાં ખિસ્સા કાપતો ઝડપાયો

ગુલાબશા નામના આ શખ્સને સતત ત્રણ વખત સિકયુરીટીએ પકડીને પોલીસને સોંપ્યો હતોઃ ગત રાતે બે વાગ્યે વધુ એક દર્દીના સગાનું બ્લેડથી ખિસ્સુ કાપ્યું

રાજકોટ તા. ૧૦: સિવિલ હોસ્પિટલમાં બાર દિવસમાં સતત ચોથી વખત એક શખ્સ દર્દીના સગાના ખિસ્સા કાપતા પકડાયો છે. ગુલાબશા અલીશા નામનો આ શખ્સ જાણે સુધરવા ઇચ્છતો જ નથી અથવા તો પોલીસની આકરી કાર્યવાહીના અભાવે પોલ ભાળી ગયો હોય તેવું જણાય છે.

અગાઉ ત્રણ વખત સિવિલના ઇમર્જન્સી વોર્ડ સામેના પાર્કિંગમાં તેમજ બાળકોની હોસ્પિટલ સામેના બગીચામાં સુતેલા દર્દીઓના સ્વજનોની બાજુમાં સુઇ જઇ બ્લેડથી ખિસ્સુ કાપી ગુલાબશા નામના આ શખ્સે રોકડ ચોરી લીધી હતી. આ રીતે કુલ ત્રણ વખત તેને સિવિલ હોસ્પિટલના સિકયુરીટી સ્ટાફે ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. દેરક વખતે પોલીસની ગાડી તેને લઇ જતી હતી. પરંતુ આંગળીનો આ ઇલમી કોઇપણ જાતના ભય વગર સિવિલમાં આવી  ખિસ્સા કાપવા માંડતો હતો. હજુ ત્રણ દિવસ પહેલા જ તેને પકડીને પોલીસને સોંપાયો હતો. ત્યાં ગત રાતે બે વાગ્યે તે ફરીથી સિવિલ સંકુલમાં દેખાતાં તેને બરાબરનો ઓળખી ગયેલા સિકયુરીટીના સ્ટાફે સતત ત્રણ વખત કમ્પાઉન્ડમાંથી બહાર કાઢી મુકયો હતો. પણ રાત્રીના બે વાગ્યે તક મળતાં જ તે ફરીથી અંદર આવી ગયો હતો અને ઇમર્જન્સીની સામે પાર્કિંગમાં સુતેલા હળવદના ચુંપણી ગામના ચેતનભાઇ હેમુભાઇ ઓળકીયાની બાજુમાં સુઇ જઇ તેનુ ખિસ્સુ બ્લેડથી કાપી રોકડ સેરવી લીધી હતી. પાર્કિગમાંથી આ શખ્સ ખિસ્સુ કાપી નીકળ્યો ત્યાં જ રાઉન્ડમાં નીકળેલા સિકયુરીટી ગાર્ડ સિકંદરભાઇ શેખ, રેશ્માબેન સર્વદી, ધર્મેશભાઇ નકુમે તેને દબોચી લીધો હતો અને તપાસ કરતાં રોકડ મળી હતી.

જે ભાઇનું ખિસ્સુ કપાઇ ગયું હતું તેને ખબર પણ નહોતી. સિકયુરીટીએ તેને જગાડીને જાણ કરી હતી. તેના નાના ભાઇના પત્નિને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ તે પાર્કિંગમાં સુતા હતાં. રાત્રે ફરીથી આ ખિસ્સાકાતરૂને પોલીસને સોંપાયો છે. સિકયુરીટી દ્વારા ફરિયાદી બનવાની તૈયારી પણ દર્શાવાઇ હતી. પોલીસ હવે આકરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

(3:52 pm IST)