Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શેનો દંડ, નથી ભરવો દંડ...બે 'સંગીતકારો'એ પોલીસ સામે રેલાવ્યો 'ઉગ્રતાનો સૂર': કાયદાનો પાઠ ભણાવાયો

તમારો વિડીયો વાયરલ કરી હેરાન કરી મુકશું...કહી દેકારો મચાવ્યો, કાગળો રજૂ ન કર્યાઃ ગાંધીગ્રામ પોલીસ મથક નજીક પીએસઆઇ પટેલ અને સ્ટાફની ફરજમાં રૂકાવટઃ બાલમુકુંદ સોસાયટીના મયંક ભદ્રા અને ધરમનગરના અર્જુન મહેતા સામે ગુનો નોંધી ધરપકડ કરી

રાજકોટ તા. ૧૦: વાહન ચેકીંગ ઝુંબેશ અને ખાસ કરીને હેલ્મેટની ઝુંબેશ શરૂ થઇ છે ત્યારથી રોજબરોજ વાહન ચાલકો અને ચેકીંગમાં રહેલા પોલીસ સ્ટાફ વચ્ચે માથાકુટ થતી રહે છે. વધુ એક કિસ્સામાં રવિવારે સાંજે ગાંધીગ્રામ પોલીસ મથક નજીક મોદી સ્કૂલ સામે એકટીવા પર નીકળેલા બે સંગીતકાર યુવાનને પોલીસે અટકાવી લાયસન્સ સહિતના કાગળો માંગતા અને હેલ્મેટ ન હોઇ દંડ ભરવાનું કહેતાં બંને સંગીતકારોએ ઉગ્રતાનો સૂર રેલાવી...તમારો વિડીયો ઉતારી વાયરલ કરી નાંખશું, હેરાન કરી મુકશું...કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ બારામાં ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. કનુભાઇ જીવકુભાઇ બસીયાની ફરિયાદ પરથી નિર્મલા રોડ પર બાલમુકુન્દ  સોસાયટી-૯માં લગન એપાર્ટમેન્ટ સામે જીવતાકૃતિ ખાતે રહેતાં મયંક હિતેષભાઇ ભદ્રા (ભાનુશાળી) (ઉ.૨૫) તથા ૧૫૦ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર-૨માં શિવસૃષ્ટિ ખાતે રહેતાં અર્જુન અશોકભાઇ મહેતા (બ્રાહ્મણ) (ઉ.૨૩) નામના બે સંગીતકારો સામે આઇપીસી ૧૮૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. કનુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે સાંજે છ વાગ્યે હું તથા પીએસઆઇ આર. એસ. પટેલ, એેએસઆઇ પુષ્પાબેન, કૈલાસબેન, કોન્સ. વનરાજભાઇ, ભરતભાઇ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ, અર્જુનભાઇ સહિતના સ્ટાફ સાથે મોદી સ્કૂલ સામે ૧૫૦ રીંગ રોડ પર વાહન ચેકીંગની ફરજમાં હતો. સાંજના સાતેક વાગ્યે કાળા રંગના એકટીવા પર રૈયા ચોકડી તરફથી બે વ્યકિત આવતાં હેલ્મેટ પહેર્યુ ન હોઇ અટકાવીને વાહન રજીસ્ટ્રેશનના કાગળો અને લાયસન્સ માંગ્યા હતાં.

ચાલકે કાગળો રજૂ કર્યા નહોતાં. તેમજ હેલ્મેટ પહેર્યુ ન હોઇ પીએસઆઇ આર. એસ. પટેલે હાજર દંડ ભરી દેવા કહેતાં બંનેએ એકદમ ઉશ્કેરાઇ જઇ જોર જોરથી રાડો પાડવાનું શરૂ કર્યુ હતું અને 'તમે શા માટે દંડ વસુલ કરો છો? દંડ ભરવાનો નથી' તેમ કહેતાં પીએસઆઇ પટેલે દંડ ન ભરવાનો હોય તો એનસી આપી દઇએ, તમારું નામ જણાવો તેમ કહેતાં આ બંને વધુ ઉંચા અવાજે બોલવા માંડ્યા હતાં અને 'તમારા બધાનો વિડીયો શુટીંગ કરી વાયરલ કરી તમને હેરાન કરીશ' તેમ કહી ફરજમાં રૂકાવટ કરતાં બંને સામે કાર્યવાહી કરાઇ હતી.

ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતાં એક શખ્સે પોતાનું નામ મયંક ભદ્રા અને બીજાએ અર્જુન મહેતા કહ્યું હતું. આ બંનેએ સંગીતકાર હોવાનું કહ્યું હતું. વાહન જીજે૧૦એકયુ-૯૫૮૧ મયંકના કબ્જાનું હતું. બંનેના મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા હતાં.

(3:52 pm IST)