Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

માંડા ડુંગર નજીક ભરડીયા પાસે ગોદડીમાં સુતેલી ૧ માસની બાળકીને કચડી મારી રિક્ષાવાળો છનનન

મુળ મધ્યપ્રદેશનું આદિવાસી દંપતિ દિકરીને સુવડાવીને ટ્રેકટરમાં મજૂરી કરી રહ્યું હતું ત્યારે છાંયડે સુવડાવેલી લાડકવાયી કચડાઇ ગઇઃ ફૂટેજમાં ઝાંખી ઝાંખી રિક્ષા દેખાઇ

રાજકોટ તા. ૧૦: આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે જેઠાભાઇ ખીમસુરીયાના ભરડીયામાં મજૂરી કરતાં અને ત્યાં જ રહેતાં મુળ મધ્યપ્રદેશના આદિવાસી દંપતિની ૧ માસ અને ૩ દિવસની વય ધરાવતી દિકરીને છાંયડામાં ગોદડી પાથરી સુવડાવાઇ હતી ત્યારે એક સીએનજી રિક્ષાનો ચાલક આ બાળકી પર રિક્ષા ફેરવી દઇ ભાગી જતાં બાળકીનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આજીડેમ પોલીસે જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ મુળ મધ્યપ્રદેશના જાંબુવાના રાજુ કેશુભાઇ મેડા અને તેની પત્નિ ખેતુબેન સાતેક વર્ષથી રાજકોટ માંડા ડુંગર પાસે જેઠાભાઇના ભરડીયામાં મજૂરી કરી ત્યાં જ રહે છે. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી પૈકી ૧ માસ અને ૩ દિવસની વય ધરાવતી દિકરી શીનાને સાથે લઇ આ દંપતિ રવિવારે સાંજે ચારેક વાગ્યે ભરડીયા નજીક ટ્રેકટરમાં મજૂરી કરતું હતું. ત્યારે માસુમ દિકરીને નજીકમાં છાંયડામાં ગોદડી પાથરી ત્યાં સુવડાવી હતી.

એ વખતે ડેમના પાણીમાં રિક્ષા ધોવા કે આટો મારવા આવેલો રિક્ષાચાલક ત્યાંથી નીકળ્યો હતો અને સુતેલી બાળકી પર રિક્ષા ફરી વળી હતી. બાળાની ચીસ સાંભળી નજીકમાં મજૂરી કરતાં માતા-પિતા તથા બીજા મજૂરો દોડી આવ્યા હતાં. પણ રિક્ષાચાલક રિક્ષા લઇને ભાગી ગયો હતો. માસુમ બાળાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું.

આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે. ભાગેલી રિક્ષા એક સીસીટીવી કેમેરામાં ઝાંખી ઝાંખી દેખાઇ છે. આ ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)