Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કુટુંબી કાકાજીના પ્રેમમાં પડેલી આરતીને સગા ભાઇએ પતાવી દીધી

કોટડા સાંગાણીના મોટા માંડવાની વણકર પરિણીતા ભીમ અગિયારસ કરવા પાળ ગામે માવતરે આવી ને ભાઇ વિજય ઉર્ફ ઘોલુએ દોરીથી ફાંસો દઇ હત્યા નિપજાવી : રવિના ઉર્ફ આરતી (ઉ.૨૪)ના ચાર વર્ષ પહેલા લગ્ન થયા'તાઃ માવતરે આવી ત્યારે ભાઇ દિપકે આડાસંબંધ નહિ રાખવા બાબતે સમજાવતાં ઝઘડો થયો ને વાત હત્યા સુધી પહોંચીઃ લાશનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ બે ભાઇની એકની એક બહેન હતીઃ પતિ સાથે ઝઘડાઓ કરી અવાર-નવાર રિસામણે આવી જતી હોઇ તે બાબત પણ નાના ભાઇ દિપકને ખુંચતી હતી : માતા અને ભાભી બીજા રૂમમાં વાસણ સાફ કરતા'તા ત્યારે દિપકે બહેન આરતીને મોતને ઘાટ ઉતારી દીધીઃ માતા રૂમમાં આવતાં 'મા મેં બહેનનું પુરૂ કરી નાંખ્યું': પોલીસે ધરપકડ કરી

નાના ભાઇના હાથે હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિનાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, વિગતો જણાવનાર મૃતકનો મોટો ભાઇ ભાવેશભાઇ તથા બીજા કુટુંબીજનો અને છેલ્લે બહેનની હત્યા કરનાર નાનો ભાઇ દિપક ઉર્ફ ઘોલુ પરમારનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે સાસરૂ ધરાવતી વણકર પરિણીતા આરતી ઉર્ફ રવિના દિપક પરમાર (ઉ.૨૪)ને તેના માવતર લોધીકાના પાળ ગામે ભીમ અગિયારસ કરવા આવી હોઇ અહિ તેના નાના ભાઇ વિશાલ ઉર્ફ ઘોલુએ તેણીને દોરીથી ગળાટૂંપો આપી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. આરતી ઉર્ફ રવિનાને સાસરિયામાં પોતાના કોૈટુંબીક કાકાજી સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હોઇ નાના ભાઇ વિજયે તેને આ સંબંધ પુરો કરી નાંખી પતિ સાથે સંસાર જીવન જીવવા સમજાવતાં તેણીએ ઉશ્કેરાઇને ભાઇ વિજયને ગાળો દેતાં વિજયે ઉશ્કેરાઇ જઇ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. લોધીકા પોલીસે તેને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. પાળમાં રહેતાં વિજય ઉર્ફ ઘોલુ દિનેશભાઇ મકવાણા નામના ૨૨ વર્ષના વણકર યુવાને મોટા માંડવાથી ભીમ અગિયારસ કરવા માવતરે આવેલી પોતાની બહેન આરતી ઉર્ફ રવિના દિપક પરમાર (ઉ.૨૪)ને દોરીથી ગળાટૂંપો દઇ પતાવી દીધાની જાણ ગામના સરપંચ જગદીશભાઇ વાલાભાઇ દાફડા મારફત થતાં ગોંડલ ડીવાયએસપી શ્રી જાડેજાની રાહબરીમાં લોધીકાના પીએસઆઇ એચ. પી. ગઢવી, રાઇટર સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં હત્યા નિપજાવનાર વિજય ઉર્ફ ઘોલુ ત્યાં જ હાજર મળ્યો હતો.

હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિનાના મોટા માંડવા ગામે રહેતાં પતિ દિપક પ્રેમજીભાઇ પરમાર (ઉ.૨૭)ની ફરિયાદ પરથી તેના સાળા વિજય ઉર્ફ ઘોલુ સામે આઇપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો હતો. દિપકે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્નિ આરતી ઉર્ફ રવિનાને કોૈટુંબીક કાકાજી અજય સોમાભાઇ પરમાર સાથે આડાસંબંધ હતાં. આ બાબતે તેણીના માવતર પક્ષને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન આરતી બે દિવસ પહેલા જ પાળ ગામે માવતરે ભીમ અગિયારસ કરવા ગઇ હતી. તેને કાકાજી સાથેના આડાસંબંધ બાબતે ગઇકાલે રવિવારે તેના નાના ભાઇ વિજય ઉર્ફ ઘોલુએ તેને આવા આડાસંબંધ નહિ રાખવા બાબતે સમજાવતાં બોલાચાલી થઇ હતી અને એ દરમિયાન વિશાલે તેની બહેન આરતીને દોરીથી ગળાટૂંપો દઇ મારી નાંખી હતી.

આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તેનો ખોળો ભરાયો નહોતો. પતિ દિપક પરમાર કડીયા કામની મજૂરી કરે છે. હત્યાની આ ઘટનાથી ગામમાં અને પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બે ભાઇની એકની એક બહેન હતી

મોટા ભાઇ ભાવેશે કહ્યું-મહિનામાં બે ત્રણ વાર રિસામણે આવતી હતી એ કારણે પણ નાનો ભાઇ વિજય રોષે ભરાયો હતો

.ભાઇના હાથે હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિના બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેનાથી નાના ભાઇઓના નામ ભાવેશ અને વિજય ઉર્ફ ઘોલુ છે. આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. મોટા ભાઇ ભાવેશભાઇએ કહ્યું હતું કે આરતી લગ્ન થયા ત્યારથી અવાર-નવાર રિસામણે આવી જતી હતી. મહિનામાં લગભગ બે વખત તે આવુ કરતી હતી. દર વખતે નાનો ભાઇ વિજય તેને આવું નહિ કરવા અને સાસરિયામાં સંપીને રહેવા સમજાવતો હતો. પણ તે ગુસ્સાવાળા સ્વભાવને કારણે વારંવાર ઝઘડા કરી માવતરે આવી જતી હતી. ત્યાં તેને તેના કોૈટુંબીક કાકાજી સાથે લફરૂ હોવાની ખબર પડતાં વિજય વધુ ઉશ્કેરાયો હતો. આ સંબંધ તોડી નાંખવા તેણીને સમજાવતાં તેણે ગાળો ભાંડતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.

વિજય ઉર્ફ ઘોલુ હત્યા બાદ બહેનની લાશ પાસે જ બેઠો રહ્યો

.વિજય ઉર્ફ ઘોલુએ રવિવારે સવારે દસેક વાગ્યા આસપાસ ઘરના રૂમમાં સાસરેથી આવેલી બહેન આરતી ઉર્ફ રવિનાને દોરીથી ફાંસો દઇ પતાવી દીધી હતી અને બાદમાં તેની લાશ પાસે રૂમમાં જ બેઠો રહ્યો હતો. બાજુના રૂમમાં વાસણ સાફ કરી રહેલા માતા ગોૈરીબેન અને ભાભી મનિષાબેન રૂમમાં આવ્યા ત્યારે વિજયએ પોતે બહેનની હત્યા કરી નાંખ્યાનું કહેતાં માતા અને ભાભી ચોંકી ગયા હતાં. વિજય ભાગવાને બદલે ઘરે જ બેસી રહ્યો હતો. ગામના સરપંચને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ થતાં પોલીસે તેને અટકાયતમાં લીધો હતો. તેણે હત્યાની કબુલાત આપી દીધી છે. લાશનું રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. આડા સંબંધને કારણે બહેનની ભાઇએ હત્યા કરતાં ગામમાં ચકચાર જાગી છે.

(3:29 pm IST)