Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સ્‍વરથી ઈશ્વરમાં વિલીન થયા વિશ્વવિખ્‍યાત સંતુર વાદક પદ્મવિભૂષણ પં.શિવકુમાર શર્મા

આજે એવુ લાગે છે કે જાણે સંતુર શાંત થયું: પ્રકૃતિનું સંગીત થયું શાંત

રાજકોટ, તા.૧૦: સંગીત એ જીવન જેવું છે. સંગીત એવી બાબત છે જે કલાકારના હાથમાં નથી હોતુ કે ક્‍યારે કેવી પ્રસ્‍તુતિ થશે. આ શબ્‍દો છે વિશ્વવિખ્‍યાત સંતુર વાદક પદ્મવિભૂષણ પંડિત શિવકુમાર શર્માના. જેમણે આજે આ દુનિયામાંથી વિદાય લીધી. તેઓ ૮૪ વર્ષના હતા અને છેલ્લા ૬ મહિનાથી કિડની ની તકલીફને લીધે ડાયાલીસીસ પર હતા અને આજે કાર્ડિયાક એટેકને કારણે છેલ્લા શ્વાસ લીધા. સંગીત જગતમાં આજે શોકનું વાતાવરણ છે કારણ પંડિતજી જેવા સંતુર વાદક પ્રકૃતિનું સંગીત પિરસતા હતા. આ જ કારણ છે કે તેમને તારના સુલતાન પણ કહેવામાં આવતા. આજે તેઓ સ્‍વર થી ઇશ્વરમાં વિલીન થયા.

પં.શિવકુમાર શર્માનો જન્‍મ ૧૩ જાન્‍યુઆરી, ૧૯૩૮ના રોજ જમ્‍મુ, બ્રિટિશ ભારત (હવે જમ્‍મુ અને કાશ્‍મીર, ભારત)માં મહારાજા પ્રતાપ સિંહના દરબારમાં બનારસ ઘરાના પરંપરાના ગાયક અને સંગીતકાર અને ‘રાજ પંડિત' ઉમા દત્ત શર્માને ત્‍યાં થયો હતો. તેમના પિતા પંડિત ઉમદત્ત શર્મા પણ સંગીતના નિષ્‍ણાત હતા અને તેમની માતા શાષાીય ગાયિકા હતી, જે બનારસ ઘરાનાની હતી. શિવ કુમારજીએ પાંચ વર્ષની ઉંમરથી સંગીત શીખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેઓ તબલા વગાડવાનું શીખ્‍યા અને તેમના પિતા અને ગુરૂ દ્વારા ગાયક બનવાની તાલીમ લીધી. જયારે તેઓ ૧૨ વર્ષના હતા, ત્‍યારે તેમણે જમ્‍મુના સ્‍થાનિક રેડિયો સ્‍ટેશન પર વગાડવાનું શરૂ કર્યું હતું. તેઓ શ્રી હરનામ સિંહ પાસેથી તબલા વગાડવાનું શીખ્‍યા અને વારાણસીના બડે રામદાસ પાસેથી ગાવાનું શીખ્‍યા. ૧૩ વર્ષની વયે શિવકુમાર શર્માએ સરોદ, વાયોલિન અને હાર્મોનિયમ વગાડવાનું શરૂ કરી દીધું હતું. તેમને પિતા તરફથી ભેટ તરીકે સંતુર મળ્‍યું હતું અને તેઓ ઈચ્‍છતા હતા કે શિવકુમારજી તે શીખે.

શિવકુમાર શર્માએ તેમના પિતા ઉમદત્ત શર્મા પાસેથી શિક્ષણ મેળવ્‍યા પછી, સંતૂર વગાડવાની ‘તકનીક અને સ્‍વર'માં સુધારો કર્યો અને તેમના વિચાર અને પ્રયોગો દ્વારા આ કાશ્‍મીરી લોક વાદ્યને વ્‍યાપકતા આપી, તેને સર્વાંગી ક્ષેત્રે સંપૂર્ણ સક્ષમ સાધન બનાવ્‍યું. શાષાીય સંગીત રાગદારીની રજૂઆતમાં સંતુર પૂર્ણતઃ સક્ષમ વાદ્ય બન્‍યું જેનો શ્રેય પં.શિવકુમાર શર્મા ને જાય છે. સંતુર ઉપરાંત પંડિતજીએ ધ્રુપદ, ખયાલ અને ઠુમરીનું શિક્ષણ પણ મેળવ્‍યું છે. પં.શિવકુમાર શર્માનો પ્રથમ કાર્યક્રમ વર્ષ ૧૯૫૫જ્રાક્રત્‍ન બોમ્‍બેમાં સ્‍વામી હરિદાસ સંગીત સંમેલનમાં યોજાયો હતો, જેમાં તેમણે સંતુર વગાડ્‍યું હતું અને પ્રશંસા મેળવી હતી. વર્ષ ૧૯૫૬માં કોલકાતામાં ઓલ ઈન્‍ડિયા મ્‍યુઝિક કોન્‍ફરન્‍સમાં સંતુર રજૂ કર્યું. દરમિયાન, તેમણે ફિલ્‍મ ‘ઝનક ઝનક પાયલ બાજે'ના એક દ્રશ્‍ય માટે પૃષ્ઠભૂમિ સંગીત આપ્‍યું હતું. તેમનું પ્રથમ સોલો આલ્‍બમ ૧૯૬૦ માં રેકોર્ડ કરવામાં આવ્‍યું હતું. ૧૯૬૭માં, તેમણે ‘કોલ ઓફ ધ વેલી' નામના કન્‍સેપ્‍ટ આલ્‍બમનું નિર્માણ કરવા માટે બાંસુરીવાદક પં.હરિપ્રસાદ ચૌરસિયા અને સંગીતકાર બ્રિજભૂષણ કાબરા સાથે સહયોગ કર્યો. આ આલ્‍બમ ભારતીય શાષાીય સંગીતના સૌથી મોટા હિટ ગીતોમાંનું એક હતું.

પં.શિવકુમાર શર્માજીએ સંતુરને તેમની શાષાીય ટેકનિક માટે વધુ યોગ્‍ય બનાવવા માટે ઘણા વર્ષો સુધી પ્રયોગ કર્યો. હાલમાં વગાડવામાં આવતા સંતુરમાં કુલ ૯૧ તાર સાથે ૩૧ પુલ છે. તે રંગીન ટ્‍યુનિંગ સાથે ત્રણ ઓક્‍ટેવ્‍સની શ્રેણી ધરાવે છે. શર્માજીએ માનવ અવાજની ગુણવત્તાની નકલ કરવા માટે મ્‍યુઝિકલ નોટ્‍સ વચ્‍ચે સ્‍મૂથ ગ્‍લાઈડિંગ માટેની એક ટેકનિક વિક્‍સાવી હોવાનું પણ જાણીતું છે.

પંડિતજીએ ઝનક ઝનક પાયલ બાજે અને પં.હરિપ્રસાદ ચૌરસિયા સાથે કેટલીક ફિલ્‍મોમાં સંગીતકારની ભૂમિકા પણ ભજવી હતી અને ‘શિવહારી'ના સંયુક્‍ત નામ હેઠળ યશ ચોપરાની ફિલ્‍મ સિલસિલામાં સંગીતનું દિગ્‍દર્શન કર્યું હતું. તેણે ફાસલે, લમ્‍હે, ચાંદની, સાહિબાન, પરમ્‍પરા અને ડર સહિતની અન્‍ય ફિલ્‍મોમાં પણ યોગદાન આપ્‍યું હતું. તેમના લોકપ્રિય આલ્‍બમ્‍સમાં સંપ્રદાય, એલિમેન્‍ટ્‍સ, વોટર મ્‍યુઝિક ઓફ ધ માઉન્‍ટેન્‍સ, કોલ ઓફ ધ વેલી વગેરેનો સમાવેશ થાય છે. પંડિતજીને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્‍કારોથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે, જેમાં ૧૯૮૫ માં યુનાઇટેડ સ્‍ટેટ્‍સના બાલ્‍ટીમોર રાજયની માનદ નાગરિકતા પ્રાપ્‍ત કરી, ૧૯૮૬ સંગીત નાટક અકાદમી પુરસ્‍કાર, ૧૯૯૮માં ‘ઉસ્‍તાદ હાફિઝ અલી ખાન એવોર્ડ', ૧૯૯૦માં તેમને ‘મહારાષ્‍ટ્ર ગૌરવ પુરસ્‍કાર' અને જમ્‍મુ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્‍ટરેટની પદવી પ્રાપ્ત થઈ. વર્ષ ૧૯૯૧માં પદ્મશ્રી એવોર્ડ, વર્ષ ૨૦૦૧માં પદ્મ વિભૂષણ સમ્‍માન પ્રાપ્‍ત કર્યા છે. તેમણે મનોરમા સાથે લગ્ન કર્યા અને આ દંપતીને બે પુત્રો છે રાહુલ અને આનંદી. તેઓનો એક પુત્ર રાહુલ પણ સંતુર વાદક છે અને પિતા-પુત્રની જોડીએ અનેક કોન્‍સર્ટમાં સાથે પરફોર્મ કર્યું છે. આજે પં. શિવકુમાર શર્માની વિદાયથી સંગીત જગતને બહુ મોટી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે તેમના અંતિમ સંસ્‍કાર કરાશે. આજે એવુ લાગે છે કે જાણે સંતુર શાંત થયું.

 

નરેન્‍દ્રભાઈ મોદીએ ટ્‍વીટ કરી આપી શ્રધ્‍ધાંજલિ

પં. શિવ કુમાર શર્માના નિધન પર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ટ્‍વીટ કરી શ્રધ્‍ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્‍યું હતું કે, પંડિત શિવકુમાર શર્માના નિધનની આપણા સાંસ્‍કળતિક જગત પર ઊંડી અસર પડશે. તેણે સંતૂરને વૈશ્વિક સ્‍તરે લોક-યિ બનાવ્‍યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્‍ધ કરતું રહેશે. મને તેની સાથેની મારી વાતચીત સારી રીતે યાદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્‍યે સંવેદના. શાંતિ.

જ્‍યારે છતીસગઢના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેશ બઘેલજીએ જાણીતા સંતૂર વાદક પદ્મ વિભૂષણ પં. શિવકુમાર શર્માના નિધન પર ઊંડો શોક વ્‍યક્‍ત કર્યો. પંડિતજીના અવસાનને સંગીત જગત માટે મોટી ખોટ ગણાવતા, તેમણે શોકગ્રસ્‍ત પરિવારના સભ્‍યો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી અને દિવંગત આત્‍માની શાંતિ માટે પ્ર ાર્થના કરી.

આ ઉપરાંત અનુરાગ ઠાકુર, હરિપ્રસાદ ચૌરસિયા, વિશાલ ડડલાની તેમજ સંગીત અને વિવિધ ક્ષેત્રના દિગ્‍ગજોએ શિવ કુમાર શર્માને શ્રધ્‍ધાંજલિ અર્પી હતી.

પં. શિવકુમાર શર્મા જયારે રાજકોટ આવેલા ત્‍યારે...

આમ તો પં. શિવકુમાર શર્મા રાજકોટ ખાતે આયોજીત શાષાીય સંગીતના કાર્યક્રમમાં ૨ થી ૩ વાર આવી ગયા છે. ઘણા વર્ષો પહેલા જયારે તેઓ આવેલા ત્‍યારે તેમનો કાર્યક્રમ મહિલા કોલેજ ખાતે આવેલ સભાખંડમાં યોજાયો હતો. એ વખતે રાજકોટના સંગીત રસીકો ભદ્રાયુભાઇ ધોળકિયા, ઇન્‍દુભાઇ ધોળકિયા, હરિકાંતભાઇ સેવક, લક્ષ્મીકાંતભાઇ દોશી વગેરે ત્‍યાં હાજર હતા. પ્રોગ્રામ ખુબ સરસ જામ્‍યો હતો ત્‍યાં રાત્રે લગભગ ૧૧ વાગ્‍યા આસપાસ મહિલા કોલેજ ફાટક (ત્‍યારે અંડર બ્રીજ નહોતો) પાસેથી ટ્રેન પસાર થઇ અને પાવો વગાડ્‍યો. પં. શિવકુમાર શર્માજી સંતુરમાં ખોવાયેલા હતા. અચાનક જોરથી ટ્રેનનો પાવો વાગતા તેઓ સંતુર વગાડતા રોકાઇ ગયા અને એકદમ સ્‍થિર બની આંખ બંધ કરી જયાં સુધી ટ્રેનની વ્‍હિસલ સંભળાઇ ત્‍યાં સુધી બેસી રહ્યા. પછી આંખો ખોલી તેમણે કહ્યું ‘યે જો સુર અભી આપને સુના વો પંચમ થા..' તેઓએ ટ્રેનના પાવામાં પણ સુર શોધ્‍યો. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્‍યો હતો.

 

 પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(6:21 pm IST)