Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બે વેપારી સાથે લાખોની ઠગાઇ કરનારા બે નાઇજીરીયન અમદાવાદમાં પકડાયાઃ રાજકોટ પોલીસે કબ્‍જો લીધો

નાઇજીરીયન ગેંગના બે શખ્‍સોએ દેશના વિવિધ રાજયોમાં ૧૩થી વધુ લોકો સાથે ૨.૭૫ કરોડની છેતરપીંડી આચરી

રાજકોટ,તા. ૧૦: રાજકોટના બે વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર નાઇજીરિયન ગેંગના બે શખ્‍સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધા બાદ રાજકોટ પોલીસે તેમનો ટ્રાન્‍સફર વોરંટના આધારે કબજો લીધો છે. આ ગેંગના બે શખ્‍સોએ  દેશમાંથી લીક્‍વીડ મંગાવવાના બહાને ધંધાકીય વ્‍યવહાર કેળવી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી નાઈજીરિયન ગેંગે દેશના વિવિધ રાજયોમાં ૧૩થી  વધુ લોકો સાથે ૨.૭૫ કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્‍યું છે.આ ગેંગના અન્‍ય આરોપીઓને ઝડપી લેવા રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ શહેરના ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશન સામે લાખાણી એસ્‍ટેટ બિલ્‍ડીંગમાં આવેલ પ્‍યોર ફામ્‍સ ઓર્ગેનીક કંપની સાથે રૂા. ૩૭.૫૯ લાખની ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ કંપની સાથે જે રીતે ઠગાઈ થઈ તે જ રીતથી રાજકોટના હેન્‍ડીક્રાફટના વેપારી સાથે પણ રૂા. ૩ લાખની ઠગાઈ થયાની તેના એક દિવસ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્‍યારે  અમદાવાદમાં પણ વેપારી સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હતી.જેની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓને શોધી કાઢવા ફરીયાદનો અભ્‍યાસ કરી ફરીયાદીને આવેલ ઇ-મેલ તેમજ મોબાઇલ ફોન નંબરનું ટેકનીકલી એનાલીસિસ કરી તપાસ માટે પોલીસ સ્‍ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતાં સમગ્ર ષડયંત્ર મહારાષ્ટ્રથી ઓપરેટ થતુ હોવાનુ અને તેને નાઇજીરીયન ગેંગના સભ્‍યો ઓપરેટ કરતાં હોવાનુ સામે આવ્‍યું હતું. પોલીસ સ્‍ટાફની ટીમને મુંબઇ રવાના કરી હતી જયા સિફતપૂર્વક આરોપી ચીનેદુ અનુમોલે, રાકેશ જવાહરલાલ મહાદેવ કશ્‍યપની અટકાયત કરી હતી.પોલીસને આરોપીઓ પાસેથી ૬ નંગ મોબાઇલ તથા જે પ્રવાહી માટે લોકોની સાથે છેતરપીંડી કરતાં હતાં તે પ્રવાહી ભરેલ ૭ બોટલો મળી આવી હતી. અમદાવાદ પોલીસે તપાસ પૂર્ણ કરી લીધા બાદ આ ટોળકી સામે રાજકોટમાં પણ છેતરપિંડીના બે ગુના નોંધાયા હોય રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે ટ્રાન્‍સફર વોરંટના આધારે નાઈજિરિયન ગેંગના આ બે આરોપીઓનો કબજો મેળવ્‍યો હતો અને રાજકોટ લાવવામાં આવ્‍યા છે. છેતરપિંડીમાં આ બંને શુ ભૂમિકા હતી? તેમજ અન્‍ય કેટલાક શખસો આ છેતરપિંડીમાં સંડોવાયેલા છે સહિતની બાબતો અંગે રાજકોટ સાયબર ક્રાઇમની ટીમ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(4:16 pm IST)