Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રસ્‍તા, પાણીના કામ અને રામવન વિકાસના ૭૧ કરોડના કામો મંજુર : લક્ષ્મીનગર બ્રિજમાં પાણી કાઢવા ૧૦ પંપ મુકાશે

સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍તોની હારમાળા ધડાધડ : પુનિતનગર, કોઠારિયામાં વિકાસ વધશે

રાજકોટ,તા.૧૦ : મ્‍યુ. કોર્પોરેશની આજે મળેલ સ્‍ટેન્‍ડિંગ કમીટી બેઠકમાં વોર્ડ નં ૧૧ માં નવી ભળેલા મોટા મોવા સહિતના વિસ્‍તારોમાં પાણીની નવી ડી.આઇ. પાઇપલાઇનના કામો માટે ૨૧.૩૧ કરોડ વોર્ડનં ૧૨ના પુનિત નગરને લાગુ વિસ્‍તારોમાં પાઇપલાઇન માટે ૪.૮૭ કરોડના તથા વોર્ડનં ૧૮ના કોઠારીયા વિસ્‍તારના નવી આંગણવાડી અને રસ્‍તા કામ માટે ૭ કરોડ સહિત ૫૪ દરખાસ્‍તોના વિવિધ વિકાસો કામો માટે કુલ રૂ. ૭૧.૬૬ કરોડ મંજુર કરવામાં આવ્‍યા છે.

આજની આ સ્‍ટેન્‍ડિંગ કમિટિ મિટીંગમાં ૫૪ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવમાં આવ્‍યા હતા. જે આ મુજબ છે.

વોર્ડ નં ૧૧,૧૨,૧૮માં વિકાસ કામોની વણઝાર

વોર્ડનં ૧૧ના આર્યલેન્‍ડ રેસીડેન્‍સી, અંબિકા ટાઉનશીપ, જીવરાજ રેસીડેન્‍સી, મોટામોવા સહિતના વિસ્‍તારોમાં ડી.આઇ. પાઇપલાઇન નખાશે. આ ઉપરાંત વોર્ડનં ૧૮માં માધવ  રેસીડેન્‍સી વિસ્‍તાર, સાંઇબાબા સર્કલ થી રેલ્‍વે ટ્રેક સુધી, કોઠારીયામાં ટી.પી. ૧૨માં આવેલ લિજ્જત પાપડથી સ્‍વાતી હાઇરાઇઝ મેઇન રોડ સહિતના વિસ્‍તારોમાં અંદાજીત ૬ લાખના ખર્ચે રસ્‍તા કામ કરાશે તેમજ વોર્ડ નં ૧૮માં ૭૦ લાખના ખર્ચે નવી આંગણવાડી બનાવાશે.

૧૦ પંપ સેટ મૂકાશે

શહેરના નવનિર્મિત લક્ષ્મીનગર અંડરબ્રીજમાં પોમ્‍પીંગ સ્‍ટેશન ખાતે વરસાદી પાણીના નિકાલ અર્થે ૮૦ લાખના ખર્ચે ૧૦ પંપ સેટ મુકવામાં આવશે. બંને સાઇડ પાંચ-પાંચ પંપ સેટ મુકાશે.

આ ઉપરાંત આજી ડેમ ખાતે નિર્માણ પામનાર અર્બન ફોરેસ્‍ટ (રામવન) ખાતે ચાર હાઇમાસ્‍ટ લાઇટીંગ તથા ૧૧ સ્‍ટેચ્‍યુ લાઇટીંગ રૂા. ૧.૩૯ કરોડના ખર્ચે નખાશે, મનપાના જુના ૧૦ સ્‍ક્રેપ વાહનોના વેંચાણ થી રૂા. ૧૦.૩૫ લાખની આવક, મેલેરિયા વિભાગના ઉપયોગ માટે કોલ્‍ડ હોટ બોથ ઓપરેટેડ પોર્ટેબલ ૨૭ ફોગીંગ મશીન ૭૧.૧૯ લાખના ખર્ચે ખરીદાશે તથા વોર્ડ નં. ૨માં મોચીનગર-૨ પાસે શીતલ પાર્ક મેઇન રોડ એચસીજી હોસ્‍પિટલ રોડને જોડતા ૧૨ મીટર ટી.પી. રોડ વરસાદ પાણીના નિકાલ માટે સ્‍ટ્રોર્મ વોટર પાઇપલાઇન ૮૧.૩૫ લાખના ખર્ચે નાખવા તથા વોર્ડ નં. ૧૨માં ૪ કરોડના ખર્ચે રસ્‍તા કામ થશે, વોર્ડ નં. ૧૧માં ૨૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામો તથા વોર્ડ નં. ૧૮માં ૭ આંગણવાડી બનાવવા સહિતની ૫૪ દરખાસ્‍તો  અંગે  સ્‍ટેન્‍ડીંગ કમિટિ મિટીંગમાં નિર્ણય લેવાયો હતો.

(3:58 pm IST)