Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ દ્વારા મિયાવાકી પધ્‍ધતિથી જંગલોનું થઇ રહેલ નિર્માણ

રાજકોટ : સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ દ્વારા શહેરમાં જંગલોનું નિર્માણ થાય અને પર્યાવરણ સુધરે તેવા હેતુથી જાપાનની મિયાવાકી પધ્‍ધતી અપનાવી ઠેરઠેર વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં વૃક્ષોને છુટાછવાયા વાવવાને બદલે દોઢ બે ફુટના અંતરે વાવવામાં આવે છે. આ પધ્‍ધતિનો એક ફાયદો એ પણ છે કે એક વખત મુળીયા સ્‍થપાઇ ગયા પછી જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે. વૃક્ષોના પાંદડા ખરીને જમીન ઉપર પડે પછી તે સડીને જૈવિક ખાતર બની જાય છે અને જંગલના વિકાસને વેગ આપે છે. આમ ૧૦૦ વર્ષે તૈયાર થતુ જંગલ મિયાવાકી પધ્‍ધતીથી માત્ર ૧૦ વર્ષમાં તૈયાર થઇ જાય છે. રાજયને ગ્રીન બનાવવાના અભિયાન તળે આ સંસ્‍થા દ્વારા ખુબ ટુંકા સમયમાં ૧૫,૦૦,૦૦૦ વૃક્ષો વિનામુલ્‍યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવી રહ્યુ છે. વૃક્ષોને પાણી પીવડાવવા ૧૨૦ ટ્રેકટર અને જરૂરી સ્‍ટાફને કામે લગાડવામાં આવે છે. વૃક્ષારોપણના આ કાર્ય માટે ગુજરાત સરકાર તરફથી સંસ્‍થાના યુવા પ્રમુખ વિજયભાઇ ડોબરીયા (મો.૯૯૨૫૨ ૨૮૯૯૯) ને ‘વન પંડિત'નો એવોર્ડ પણ અપાયો છે. સંસ્‍થા દ્વારા પીપળીયા ભવન, સ્‍વામીનારાયણ ગુરૂકુળ, ગોંડલ રોડ ફાટક પાસે વૃધ્‍ધાશ્રમનું સંચાલન પણ થઇ રહ્યુ છે. જયાં ૩૬૦ જેટલા માવતરો આશરો લઇ રહ્યા છે. તેમજ આ સંસ્‍થાએ બળદ આશ્રમની પણ પહેલ કરી છે. જેમાં ૫૦૦ બળદનો નિભાવ થઇ રહ્યો છે.

(2:51 pm IST)