Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કોઈપણ માન્‍યતા વગરની સૌરાષ્‍ટ્ર ઈલેકટ્રોનિક્‍સ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીના નામે ડિપ્‍લોમા કોર્ષના સર્ટીફીકેટ વેચાતા! જયંતિ સુદાણીની ધરપકડ

પોલીસે ડમી વિદ્યાર્થી મોકલી કારસ્‍તાન ઝડપી લીધુ : મિકેનીકલ સીટર કોર્ષની ૭૭.૩૩% માર્કસ દર્શાવતી માર્કશીટ અને બોનાફાઈડ સર્ટીફીકેટ ૨૦૦૮ની સાલના ધડાધડ કાઢી આપ્‍યા : કેટલાય વર્ષોથી શૈક્ષણિક કોર્ષના નામે ભોપાળુ ચલાવતો બની બેઠેલો પ્રિન્‍સીપાલ ક્રાઈમ બ્રાન્‍ચ પાસે પોપટ બની ગયો : સર્ટીફીકેટ માટે ૧૫ હજાર વસૂલાતા : PI જે.વી.ધોડા અને PSI વોરાની ટુકડીની સફળ કામગીરી

રાજકોટ, તા. ૧૦ : શહેરનાં નાના મૌવા રોડ ઉપર પીજીવીસીએલ કચેરી પાસે આવેલા માધવ કોમ્‍પલેક્ષના ત્રીજા માળે સૌરાષ્‍ટ્ર ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી (એસઈઆઈટી એજ્‍યુકેશન)ના નામે કોઈપણ સરકારી માન્‍યતા વગર ચાલતી ઈન્‍સ્‍ટીટયુટમાંથી ડીપ્‍લોમા કોર્ષના બનાવટી સર્ટીફીકેટ ૨૦૦૮ની સાલના કાઢી આપી તેના બદલ ૧૫ હજાર વસૂલવા થયેલી ગોઠવણને એક છટકામાં ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લઈ કહેવાતી શૈક્ષણિક સંસ્‍થાના બની બેઠેલા પ્રિન્‍સીપાલ જયંતિભાઈ લાલજીભાઇ સુદાણી (રહેવાસી શિવદૃષ્‍ટિ સોસાયટી, શેરી નં.૪, ‘વ્રજ', નાના મવા મેઈન રોડ, શાષાીનગર સામે)ને ઝડપી લઈ આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ માન્‍યતા વગરના કોર્ષનો અભ્‍યાસ કરાવ્‍યા વગર સર્ટીફીકેટ આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

ગઈકાલે ક્રાઈમ બ્રાન્‍ચના એએસઆઈ પ્રતાપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ અશોક કલાલ, અજય ભુંડીયા અને પોલીસમેન એભલભાઈ બરાલીયા ક્રાઈમ બ્રાન્‍ચની ઓફીસે હાજર હતા ત્‍યારે એક ખાનગી બાતમીદાર પાસેથી મળેલી હકીકતના આધારે નાના મવા રોડ ઉપર આવેલા માધવ કોમ્‍પલેક્ષના ત્રીજા માળે SEIT EDUCATION ના નામે આવેલી ઓફીસમાં પંચોને સાથે લઈ જઈ દરોડો પાડયો હતો. પહેલેથી ગોઠવાયેલા છટકા મુજબ પંચોને વિદ્યાર્થી અને વાલી તરીકે ઓળખાવાયા હતા. ગાંધીગ્રામ ધરમનગરમાં રહેલા દીલીપ ગીરધરલાલ ચૌહાણ અને મધુરમ રેસીડેન્‍સી, ગાયત્રી ચોકને મીકેનીકલ ફીટરના ડમી ગ્રાહક તરીકે રજૂ કરી ત્‍યાં ખુરશી ઉપર બેઠેલા સાથે વાતચીત કરાવવામાં આવી હતી. ઓફીસમાં હાજર આ વ્‍યકિતએ ૨૦૦૮ની સાલનું મીકેનીકલ ફીટરનું સર્ટીફીકેટ કાઢી આપવા તૈયારી બતાવી હતી અને આ માટે ૧૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. વાતચીત થયા મુજબ સહી, સિક્કા મારી હાજર વ્‍યકિત જયંતિભાઈ લાલજીભાઈ સુદાણીએ પોતાને પ્રિન્‍સીપાલ દર્શાવતો સ્‍ટેમ્‍પ ઠપકારી સર્ટીફીકેટ કાઢી આપતા જ ક્રાઈમ બ્રાન્‍ચની ટુકડી તાદૃશ્‍ય થઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં જ કોઈપણ માન્‍યતા વગર ડિપ્‍લોમા કોર્ષના ખાનગી નોકરી માટે સર્ટીફીકેટ કાઢી આપતા હોવાની જયંતિ સુદાણીએ કબૂલાત કરી હતી.

આ પ્રકારની સંસ્‍થાની જામનગર અને જૂનાગઢમાં પણ બ્રાન્‍ચ - ઓફીસો આવેલી છે. જો કે આ પ્રકારના સર્ટીફીકેટ રાજકોટ ઓફીસથી કાઢી આપવામાં આવતા હતા.  ક્રાઈમ બ્રાન્‍ચે સરકારની કોઈપણ જાતની માન્‍યતા વગર અને વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરાવ્‍યા વગર વીતી ગયેલા વર્ષના અલગ અલગ બનાવટી સર્ટીફીકેટ કાઢી આપી આર્થિક લાભ મેળવવાના આ કારસ્‍તાન અંગે ઝડપાયેલા જયંતિલાલ સુદાણીની વધુ પૂછપરછ આદરી છે. સમયાંતરે આવા ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે સર્ટીફીકેટ કાઢી આપી આર્થિક લાભ ખાટવામાં આવ્‍યાનું ખુલી રહ્યુ છે.

પીઆઈ જે.વી.ધોડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. વોરા અને ટુકડી તપાસ ચલાવી રહી છે. ઓફીસમાંથી કોમ્‍પ્‍યુટર, કોરી માર્કશીટ્‍સ, કોરા સર્ટીફીકેટ, જુદા જુદા સ્‍ટેમ્‍પ, બોર્ડ ઓફ સેક્રેટરી એજ્‍યુકેશન દિલ્‍હીના રજીસ્‍ટર્ડ નં.૩૮૦૯ લખેલા કોરા કવરનો થપ્‍પો અને બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન દિલ્‍હી, ભારત શિક્ષા મંત્રાલય, શિક્ષા વિભાગનું ગર્વમેન્‍ટ રજીસ્‍ટર્ડ નં. ૩૮૦૯ છપાયેલા કવરનો જથ્‍થો, મુનશી ફઝલુલ બારીનું ડીપ્‍લોમા એન્‍ડ સિવિલ એન્‍જીનિયરીંગ કોર્ષનું જૂન ૨૦૦૮નું સર્ટીફીકેટ ફોટા સાથેનું, મુનશી ફઝલુલ બારીની સેમેસ્‍ટર -૧,૨, સેમેસ્‍ટર ૩-૪, ડીપ્‍લોમા ઈન સિવિલ એન્‍જીનિયરીંગ, કોર્ષની માર્કશીટ, સિંધવ પાર્થ ચેતનભાઈનું ડિપ્‍લોમા એન્‍ડ સિવિલ એન્‍જીનિયરીંગ કોર્ષનું વર્ષ ૨૦૧૬નું સર્ટીફીકેટ અને આ જ વિદ્યાર્થી સિંધવ પાર્થ ચેતનભાઈની સેમેસ્‍ટર-૧-૨, સેમેસ્‍ટર-૫-૬,ની ડિપ્‍લોમા ઈન સિવિલ એન્‍જીનિયરીંગ કોર્ષનું માર્કશીટ, બોનાફાઈડ સર્ટીફીકેટ, રાષ્‍ટ્રીય મુકત વિદ્યાલય શિક્ષા સંસ્‍થાન ભારત સરકારનું બાંભણીયા યોગીત નરેશકુમારના નામનું વર્ષ ૨૦૨૨નું સર્ટીફીકેટ, માઈગ્રેશન સર્ટીફીકેટ સહિતના ૨૨ દસ્‍તાવેજી પુરાવા કબ્‍જે કરાયા છે.

ઝડપાયેલા જયંતિભાઈ સુદાણીને કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડ મેળવવા તજવીજ ચાલી રહી છે.

(3:12 pm IST)