Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મયુરનગરમાં એડવોકેટ કેયુરભાઇના કારખાનામાં ૨૪ કિલો ચાંદીની ચોરી

તસ્‍કરો બાજુના કારખાનાની દીવાલમાં બાકોરૂ પાડી ૪.૫૦ લાખની ચાંદીની પેટર્ન (ડાય) અને ટીવી ઉઠાવી ગયા : સીસીટીવીમાં દેખાતા ૨૦ ધૂળધોયાઓને થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ પૂછપરછ : ભેદ ઉકેલાવાની અણી પર

જ્‍યાં ચોરી થઇ તે કારખાનુ અને ઇન્‍સેટ તસ્‍વીરમાં કારખાના માલિક નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૯ : શહેરના થોરાળામાં મયુરનગર મેઇન રોડ પર આવેલા એડવોકેટના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો બાજુના કારખાનામાંથી બાકોરૂ પાડી અંદર પ્રવેશ કરી ચાંદીના દાગીના બનાવવાની ૨૪ કિલો ચાંદીની પેટર્ન (ડાય) મળી રૂા. ૪,૫૫,૦૦૦નો મુદ્દામાલ ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ પેડક રોડ એકસીસ બેંક રણછોડનગર બ્રાંચવાળુ બિલ્‍ડીંગ ક્રિષ્‍ના પેલેસ બિલ્‍ડીંગમાં બીજા માળે રહેતા એડવોકેટ કેયુરભાઇ કિશોરભાઇ કેરાળીયા (ઉ.૨૭)એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે મયુરનગર મેઇન રોડ પર વિજયસીંગની સામે ક્રિષ્‍ના સિલ્‍વર નામે કારખાનું ધરાવે છે જે કારખાનુ પોતાના મોટાબાપુ મહેશભાઇ મેઘજીભાઇ કેરાળીયા અને પિતા કિશોરભાઇ મેઘજીભાઇ કેરાળીયા અને કાકા શૈલેષભાઇ કેરાળીયા ત્રણેય સંયુકત ભાગીદારીમાં આ કારખાનામાં છેલ્લા ૧૨ વર્ષથી ચાંદીકામનું કામ કરે છે. આ કારખાનુ કાકા શૈલેષભાઇની માલીકીનું છે. જેમાં ચાંદીની ભઠ્ઠી, ચાંદીનું કાસ્‍ટીંગ, ચાંદીની ચેઇન અને ચાંદીની ઘુઘરી બનાવવાનું કામકાજ છે. ધંધામાં ખોટ આવતા બે માસથી કારખાનુ બંધ કરી દીધેલ છે. બંધ કારખાનામાં લખુભાઇ પરમારને ચોકીદાર તરીકે રાખ્‍યા હતા. તેને આજથી દોઢ મહિના પહેલા છૂટા કરી દીધા હતા. ગઇકાલે સવારે આઠેક વાગ્‍યે કાકાના દીકરા રોહનભાઇએ ફોન કરી જાણ કરેલ કે ‘મને જાણવા મળેલ કે આપણા બંધ કારખાનામાં ચોરી થયેલ છે. તો આપણે કારખાને જાવું છે' તેમ કહેતા પોતે તથા કાકાના દીકરા રોહન બંને મયુરનગર મેઇન રોડ પર પોતાના ક્રિષ્‍ના સીલ્‍વર કારખાને પહોંચી કારખાનાના ડેલાનું તાળુ ખોલી અંદર જોતા અંદર લોખંડના ડેલાનું તાળુ તૂટેલુ હતું. બાદ ઓફિસના શટરનું તાળુ પણ તૂટેલુ હતું. શટર ખોલીને અંદર ત્રણ ઓફિસમાં તપાસ કરતા એલસીડી ટીવી, બીજી ઓફિસમાં લાકડાના ટેબલમાં રાખવામાં આવેલ ચાંદીના દાગીના બનાવવાની પેટર્ન (ડાય) આશરે બેથી અઢી કિલો વજનની ગાયબ હતી. બાદ ત્રીજી ઓફિસમાં જોતા બે લોખંડના કબાટ તથા લાકડાના ટેબલના ખાનામાંથી ચાંદીના દાગીના બનાવવાની અલગ-અલગ ૩૦ કિલો પેટર્ન (ડાય) જોવામાં આવેલ નહી તેમજ પીત્તળના સળીયા અને ચાંદીકામ કરતી વખતેની ચાંદીન બારણ (ભુકી)ના ૩૦ નાના બાચકા પણ ગાયબ હતા. બાદ પોતે તપાસ કરતા પોતાના કારખાનાની બાજુમાં નવા કારખાનાનું ચણતર કામ થતું હોઇ તેમાં તસ્‍કરોએ બાકોરૂ પાડી પોતાના કારખાનાના છાપરા ઉપર આવી દાદરા ઉતરી તસ્‍કરો રૂા. ૪,૫૫,૦૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું માલુમ પડતા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. તસ્‍કરોએ કારખાનાના સીસીટીવી કેમેરા અને એસીમાં પણ નુકસાન કર્યું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇ તથા પીએસઆઇ જી.એસ.ગઢવી અને ક્રાઇમ બ્રાંચ સ્‍ટાફ સાથે સ્‍થળ પર પહોંચી ગયા હતા અને કેયુરભાઇ કેરાળીયાની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં ૨૦ જેટલા ધૂળધોયાને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે

 

(2:23 pm IST)