Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ધીમા કામથી હોસ્‍પિટલ ચોક બ્રીજનો ખર્ચ ૨૫ કરોડ વધ્‍યો

કાલે સ્‍ટેન્‍ડીંગ કમિટિ જમ્‍બો દરખાસ્‍તને મંજુરી આપશે : સિમેન્‍ટ, લોખંડના ભાવ વધારાના કારણે ૧૦ કરોડ તથા વધારાના કામના ૧૪.૮૯ કરોડનો વધારો માંગતા એજન્‍સીએ : ફોગીંગ મશીન ખરીદવા, વોર્ડ નં. ૨માં મોચીનગર બેમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્‍ટ્રોમવોટર પાઇપલાઇન નાખવા : રામવન ખાતે ૪ હાઇમાસ્‍ટ લાઇટ તથા ૧૧ સ્‍ટેચ્‍યુ પર એલઇડી ફીટ કરવા સહિતની દરખાસ્‍તો

રાજકોટ તા. ૯ : શહેરના હોસ્‍પિટલ ચોક ખાતે નિર્માણ પામી રહેલા થ્રી આર્મ ફલાય ઓવરબ્રીજમાં સિમેન્‍ટ - લોખંડના ભાવ વધારાના ૧૦ કરોડ તથા વધારાના થયેલ કામગીરીના રૂપિયા ૧૪.૮૯ કરોડ સહિત કુલ ૨૫ કરોડ વધારાનો ખર્ચ, રામવનમાં ૪ હાઇમાસ્‍ટ લાઇટ તથા ૧૧ એલઇડી ફીટ કરવા, પોર્ટેબલ ફોગીંગ મશીન ખરીદવા વોર્ડ નં. ૨માં મોચીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્‍ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવા સહિતની ૫૪ દરખાસ્‍તો અંગે આવતીકાલે મળનાર જમ્‍બો સ્‍ટેન્‍ડીંગ મિટિંગમાં નિર્ણય થશે.

મ્‍યુનિ. કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટિના કોન્‍ફરન્‍સ રૂમમાં આવતીકાલે તા. ૧૦ મેના બપોરના ૧૨ કલાકે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની મીટીંગ સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. જેમાં વિવિધ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે. જે આ મુજબ છે.

હોસ્‍પિટલ બ્રીજમાં વધારાનો ૨૫ કરોડનો ખર્ચ

શહેરમાં હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્‍પિટલ ચોકમાં થ્રી આર્મ ફલાય ઓવરબ્રીજ રૂા. ૮૪.૭૧ કરોડના ખર્ચે તા. ૮ નવેમ્‍બર ૨૦૧૯થી વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવેલ. આ કામની મુદ્દત ૨૪ માર્ચ હતી પરંતુ રેલવે, સરકારી હોસ્‍પિટલ વગેરેની જમીન સંપાદન તથા કોવિડ-૧૯ના લોકડાઉનનો સમયગાળો અને ૨૦૨૦ ચોમાસાનો સમયગાળો મળી કુલ ૮ મહિના ૧૨ દિવસ વધારાના મંજુર કરવામાં આવેલ.

આ બ્રીજના કામમાં જવાહર રોડ ઉપર વોકળા ઉપર હયાત સ્‍લેબ કલ્‍વર્ટ જર્જરીત હાલતમાં જણાતા જેથી જુનુ સ્‍ટ્રકચર દુર કરી નવુ બનાવવું જરૂરી હોય તેમજ ખોદાણકામ ક્રોંકીટ કામ તથા સ્‍ટીલના જથ્‍થામાં વધારા, ડ્રેનેજ પાઇપ લાઇન, પ્રી સ્‍ટ્રેસ ગર્ડરની કામગીરીના કારણે ખર્ચમાં ૧૪.૮૯ કરોડના ખર્ચનો વધારો થયેલ છે તેમજ ટેન્‍ડર શરત મુજબ આ કામે સિમેન્‍ટ, સ્‍ટીલ તથા આસ્‍ફાલ્‍ટની આઇટમ માટે પ્રાઇઝ એસ્‍કેલેશન મુજબ રૂા. ૧૦.૬ કરોડ સહિત કુલ ૨૪.૯૫ કરોડ વધારા સાથે રિવાઇઝ ખર્ચ રૂા. ૧૦૯.૬૭ કરોડ ખર્ચ થશે.

આ ઉપરાંત આજી ડેમ ખાતે નિર્માણ પામનાર અર્બન ફોરેસ્‍ટ (રામવન) ખાતે ચાર હાઇમાસ્‍ટ લાઇટીંગ તથા ૧૧ સ્‍ટેચ્‍યુ લાઇટીંગ રૂા. ૧.૩૯ કરોડના ખર્ચે નાખવા, મનપાના જુના ૧૦ સ્‍ક્રેપ વાહનોનું ૧૦.૩૫ લાખનું વેચાણ, મેલેરિયા વિભાગના ઉપયોગ માટે કોલ્‍ડ હોટ બોથ ઓપરેટેડ પોર્ટેબલ ૨૭ ફોગીંગ મશીન ૭૧.૧૯ લાખના ખર્ચે ખરીદવા તથા વોર્ડ નં. ૨માં મોચીનગર-૨ પાસે શીતલ પાર્ક મેઇન રોડ એચસીજી હોસ્‍પિટલ રોડને જોડતા ૧૨ મીટર ટી.પી. રોડ વરસાદ પાણીના નિકાલ માટે સ્‍ટ્રોર્મ વોટર પાઇપલાઇન ૮૧.૩૫ લાખના ખર્ચે નાખવા તથા વોર્ડ નં. ૧૨માં ૪ કરોડના ખર્ચે રસ્‍તા કામ કરવા, વોર્ડ નં. ૧૧માં ૨૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામો તથા વોર્ડ નં. ૧૮માં ૭ આંગણવાડી બનાવવા સહિતની ૫૪ દરખાસ્‍તો અંગે આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમિટિ મિટીંગમાં નિર્ણય થશે.

(3:26 pm IST)