Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ બે ચોરાઉ લેપટોપ સાથે ક્રાઇમ બ્રાંચે સંજય, પ્રકાશ અને સંજયગીરીને પકડ્યા

બે લેપટોપ, ૧.૨૮ લાખની રોકડ અને પાંચ રિક્ષાઓમાંથી બેટરીઓ ચોરી હતીઃ ગોપાલ ઉર્ફ લાલાનું નામ ખુલ્યું નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાની બાતમીઃ પીએસઆઇ ધાખડાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: શહેરના હુડકો ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર શિવધારા પાર્ક-૪ લિજ્જત પાપડની બાજુમાં પીરવાડી પાસે મહાદેવ એન્ટરપ્રાઇઝ નામના વડાલીયાના ગોડાઉનમાંથી પંદરેક દિવસ પહેલા શટર ઉંચકી બે લેપટોપ, રૂ. ૧,૨૮,૦૦૦ રોકડા અને નજીકમાં ગોડાઉન બહાર રખાયેલી પાંચ રિક્ષાઓમાંથી પાંચ બેટરીની ચોરીનો બનાવ બન્યો હતો. આ ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી ત્રણ શખ્સને પકડી લઇ બે લેપટોપ રૂ. ૫૫ હજારના કબ્જે કર્યા છે. ચોથા આરોપીનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.

ડીસીબીના નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી હુડકો ચોકડી પાસેથી સંજય દિલીપભાઇ કંડોરીયા (ઉ.વ.૨૯-ધંધો કારના ટેપ બનાવવાનો, રહે. કૈલાસપાર્ક શેરી નં. ૪અ ાજીડેમ પોલીસ સ્ટેશનથી આગળ કોઠારીયા રોડ), પ્રકાશ ઉર્ફ ભાણો સોમાભાઇ વાઘેલા (ઉ.વ.૨૬-ધંધો કામનાથ ટેપ, રહે. હુડકો ચોકડી આશાપુરાનગર-૩) તથા સંજયગીરી કનુગીરી ગોસ્વામી (ઉ.વ.૨૮-ધંધો રિક્ષા ડ્રાઇવર, રહે. આશાપુરાનગર-૩, હુડકો ચોકડી)ને પકડી લઇ બે ચોરાઉ લેપટોપ કબ્જે કર્યા છે. ચોથા આરોપી તરીકે ગોપાલ ઉર્ફ લાલો કિશોરભાઇ ઉર્ફ કિશનભાઇ મારડીયા (રહે. હુડકો ચકડી રખડતો, મુળ રાયડી તા. ધોરાજી)નું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

આ ચારેયએ મળી પંદર દિવસ પહેલા રાત્રીના સમયે ગોડાઉન નજીક ટ્રક સહિતના વાહનો પાર્ક થયા હોઇ તેની આડશમાં ગોડાઉન સુધી પહોંચી શટર ઉંચકી ચોરી કરી હતી. ઝડપાયેલાઓમાં સંજય અગાઉ કોટડા સાંગાણીમાં એક ગુનામં પકડાયો હતો. પ્રકાશ ઉર્ફ ભાણો રીઢો ગુનેગાર છે. તેના વિરૂધ્ધ કોટડા-શાપરમાં આર્મ્સ એકટ ના બે તથા દારૂના પાંચ ગુના નોંધાઇ ચુકયા છે.પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. આરોપીઓ પાસેથી રૂ. ૪૦ હજારનું એચપીનું અને ૧૫ હજારનું એવીટા કંપનીનું લેપટોપ કબ્જે કરાયું છે.

(4:25 pm IST)