Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

૮૫ાા લાખની લૂંટમાં ત્રણ લૂંટારાઓને ફરિયાદી મોહનભાઇ અને પુત્ર સિધ્ધાર્થે ઓળખી બતાવ્યા

આવતીકાલ સુધીના રિમાન્ડ પર હોઇ બી-ડિવીઝન પોલીસે સજ્જડ પુરાવા એકઠા કરવા સહિતની કાર્યવાહી કરી : ગત સાંજે લૂંટમાં વાપરેલુ હોન્ડા જ્યાંથી ચોરી કર્યુ હતું એ સ્થળે અવિનાશ ઉર્ફ ફોૈજી પાસે રિકન્સ્ટ્રકશન કરાવાયા બાદ આજે બીજા ત્રણ આરોપી શુભમ્, સુરેન્દ્ર અને બિકેશની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવાઇ

રાજકોટ તા. ૭: સામા કાંઠે ચંપકનગર-૩માં ૧૧ દિવસ પહેલા ૨૬મીએ બપોરે ત્રણેક વાગ્યે શિવ જ્વેલર્સ નામના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી ત્રણ લૂંટારૂઓએ વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ને ચાંદીની વીંટી બતાવવાનું કહ્યા બાદ માર મારી લમણે રિવોલ્વર તાંખી રૂ. ૮૨,૨૬,૯૦૦ના ૨ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીના તથા ૨,૫૦,૦૦૦ના ૨ કિલો ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની મત્તાની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી. આ ગુનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસે ઉકેલી ચાર લૂંટારૂઓને ઝડપી લીધા હતાં. ચારયેના ૧૧મી સુધી રિમાન્ડ મળતાં ગઇકાલે એક આરોપીને લૂંટમાં વપરાયેલુ હોન્ડા જ્યાંથી ચોરી કર્યુ હતું ત્યાં લઇ જઇ રિકન્સ્ટ્રકશન કરાવાયું હતું. આજે મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવાઇ હતી. જેમાં બે આરોપીને ફરિયાદી મોહનભાઇએ અને એકને તેના દિકરા સિધ્ધાર્થએ ઓળખી બતાવ્યો હતો.

 લૂંટારૂઓએ જતાં જતાં વેપારી મોહનભાઇને શો રૂમની વિશાળ તિજોરીમાં પુરી દીધા હતાં. પોલીસે ગયા શુક્રવારે ચાર લૂંટારા અવિનાશ ઉર્ફ ફોૈજી ઉત્તમસિંગ બ્રહ્માસિંગ સિકરવાર  (ઉ.વ.૨૩-રહે. ઘરડઘરપુરા મહોલ્લા, ધોલપુર રાજસ્થાન), શુભમ સોવરનસિંગ કુંતલ (ઉ.વ.૧૯-રહે. અજાન ભરતપુર રાજસ્થાન), સુરેન્દ્ર હમીરસિંગ ભરતાઇ (ઉ.વ.૨૦-રહે. બરતાઇ ગામ ભરતપુર રાજસ્થાન) તથા બિકેશ કમ્હેશરસિંગ પરમાર (ઉ.વ.૨૦-રહે. આંતરસુમ્હા ગામ તા. બસેરી જી. ધોલપુર રાજસ્થાન)ને દબોચી લીધા હતાં.  જ્યારે પાંચમા આરોપી સતિષ સોવરનસિંગ ઠાકુર (રહે. સિધ્ધનગર કોલોની મોરેના મધ્યપ્રદેશ)નું તથા છઠ્ઠા આરોપીનું નામ ખુલ્યું હતું. આ બંનેને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ છે.

પકડાયેલા લૂંટારૂઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૬૧,૪૩,૮૪૧નું ૧૮૬૧ ગ્રામ અને ૭૭૦ મિલીગ્રામ સોનુ, રોકડા રૂપિયા ૯૪ હજાર મળી કુલ રૂ. ૬૨,૩૭,૮૪૧નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજરાજસ્થાન ધોલપુર રોકાયેલી પોલીસની એક ટીમે વધુ ૨ કિલો ચાંદી રિકવર કર્યુ હતું.

આરોપીઓનો કબ્જો બી-ડિવીઝન પોલીસે સંભાળી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા ૧૧મી સુધીના રિમાન્ડ મળ્યા હતાં. ગઇકાલે પોલીસે એક આરોપી અવિનાશ ઉર્ફ ફોૈજી  પાસે જ્યાંથી હોન્ડા ચોર્યુ હતું એ સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આજે આરોપીઓની ફરિયાદી અને તેના પુત્રની હાજરીમાં મામલતદાર સમક્ષ ઓળખપરેડ કરાવવાની તજવીજ થઇ હતી.

એક આરોપી બિકેશ લૂંટના દિવસે સવારના સમયે વીંટી ખરીદવાના બહાને રેકી કરવા આવ્યો હતો. એ વખતે મોહનભાઇ નહોતા પણ તેમનો પુત્ર સિધ્ધાર્થ હાજર હતો. આ આરોપીને મામલતદાર સમક્ષ સિધ્ધાર્થએ ઓળખી બતાવ્યો હતો.

બાકીના ત્રણ આરોપીઓ શુભમ્, સુરેન્દ્ર અને સતિષ બપોરે લૂંટ કરવા આવ્યા હતાં. આ ત્રણમાંથી શુભમ્ અને સુરેન્દ્ર પકડાયા હોઇ આ બંનેને મામલતદાર સમક્ષ ફરિયાદી મોહનભાઇએ ઓળખી બતાવ્યા હતાં. આવતી કાલે ત્રણેયના રિમાન્ડ પુરા થયે વધુ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

 બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓેસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેમેન્દ્રભાઇ, રશ્મીનભાઇ પટેલ, મનોજભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. લૂંટમાં સામેલ અન્ય બે શખ્સો પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

(4:18 pm IST)