Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ડીગ્રી વગર કોરોનાના દર્દીની સારવાર કરનાર બોગસ ડોકટર શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી રદ

અગાઉ પણ આજ પ્રકારનો ગુન્હો નોંધાયેલ હોવા છતા ફરી આવુ જ કૃત્ય કરેલ છેઃ સરકારી વકીલ વોરા

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટમા આશરે પાંચ વર્ષ કરતા વધુ સમયથી કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હોવા છતા પોતાને ડોકટર તરીકે ઓળખાવી દર્દીઓની સારવાર કરતો અને સારવાર માટે હોસ્પીટલ ચલાવતો બનાવટી તબીબ શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ શ્રી બી.બી. જાદવે રદ કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયેલ હોવાથી દર્દીઓની સારવાર અને દવા માટે અનેક વિભાગો પોતાની અનૈતિક પ્રવૃતિઓ આચરી દર્દીઓ પાસેથી અનેકગણા પૈસા પડાવતા હોવાના ડઝનેક કિસ્સાઓ બહાર આવેલ છે. જેમાં રેમડેસિવિર ઈન્જેકશનના હજારો રૂપિયામાં બ્લેક માર્કેટીંગ તથા હોસ્પીટલમાં બેડ અપાવી દેવાના હજારો રૂપિયા વસુલાવતા હોવાના કિસ્સાઓ બહાર આવેલ છે. આ દરમિયાન શ્યામ રાજાણી નામનો ઈસમ પોતે ડોકટર તરીકે કોવીડ હોસ્પીટલ ચલાવતો હોવાનું જણાતા આ અંગે પોલીસે તપાસ હાથ ધરેલ જે દરમ્યાન આ શ્યામ રાજાણી આ હોસ્પીટલ કોરોનાના દર્દીની સારવાર માટે ચલાવતો હોવાનું જણાયેલ. પોલીસ ચોપડે આ શ્યામ રાજાણી ૨ વર્ષ અગાઉ કુવાડવા રોડ ઉપર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વગર ચલાવતો હોવાનું જણાયેલ હતુ જે અંગે તેની ધરપકડ કરવામાં આવેલ હતી.

ગુજરાત હાઈકોર્ટે કડક શરતોએ આ શ્યામ રાજાણીને જામીન મુકત કરેલ હતો, તેના દોઢ જ વર્ષમાં આ શ્યામ રાજાણીએ ફરીથી કોવીડ હોસ્પીટલ શરૂ કરી કોરોનાના દર્દીઓનુ સારવાર આપવાનું વિના કોઈ ડીગ્રીએ શરૂ કરેલ હતું. આ પ્રકારે બે-ત્રણ વર્ષના ગાળામાં એક જ પ્રકારના ગુન્હા આચરી અનેક દર્દીઓની જીંદગી સાથે ચેડા કરેલ હતા. તેમજ જેલમાં રહેલ અનેક આરોપીઓને સારવાર અર્થેના ખોટા સર્ટીફીકેટો આપી વચગાળાના જામીન મેળવવા મદદગારી કરેલ હતી. કોવીડ હોસ્પીટલ ચલાવવાના ગુન્હામાં પોલીસે શ્યામ રાજાણી હોસ્પીટલે રેઈડ કરતા શ્યામ રાજાણી ભાગી ગયેલ હતો અને આ ગુનામાં આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટમાં રજુ કરેલ હતી.

જામીન અરજીની સુનવણી દરમ્યાન જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરાએ રજૂઆત કરતા કોર્ટને જણાવેલ હતુ કે કોરોના મહામારીના આ કપરાકાળમાં જ્યારે દર્દીઓ દવા તથા ઈન્જેકશન અને બેડ માટે મરણીયા થઈને પોતાના જીવ બચાવવા પ્રયાસો કરી રહેલ છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ અનૈતિકતાની ચરમસીમા વટાવી આરોપી શ્યામ રાજાણીએ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વિના કોવીડ હોસ્પીટલ શરૂ કરી આવા દર્દીઓની દારૂણ પરિસ્થિતિનો નાણાકીય લાભ લેવામાં આરોપી શ્યામ રાજાણીએ કાયદો, વ્યવસ્થા, કોર્ટ તથા પોલીસ ડીપાર્ટમેન્ટના સમગ્ર અસ્તિત્વને ચુનૌતી આપેલ છે. આવી માનસિકતા ધરાવતા આ આરોપીને જામીન આપવાથી આ મહામારીના કપરાકાળમાં બીજા ઈસમોને પણ પરિસ્થિતિનો લાભ લેવાની પ્રેરણા મળે તેવા સંજોગો ઉત્પન્ન થાય તેમ છે. વધુમાં શ્યામ રાજાણી સામે તબીબી ડીગ્રી વિના હોસ્પીટલ ચલાવવાનો ગુન્હો જ્યારે ૨ વર્ષ અગાઉ જ નોંધાયેલ હોય ત્યારે આ સમાન પ્રકારનો ગુન્હો ફરીથી આચરવાની આ આરોપીએ ધૃષ્ટતા દર્શાવેલ છે. આ તમામ સંજોગોમાં આરોપી શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી રદ કરવાની રજૂઆતના અંતે એડી. સેશન્સ જજ બી.બી. જાદવે શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં સરકારશ્રી તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(4:16 pm IST)