Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વોંકળા સફાઇમાં ડીંડકઃ તંત્રના દાવા ખોખલાઃ ગંદકી યથાવત

૧ મહીનામાં ૧૦૧ ડમ્પર અને ૧૪૯ ટ્રેકટર કચરો ઉપાડાયો છતાં મોટાભાગનાં વોંકળાઓમાં ગંદકી યથાવતઃ વોંકળા સફાઇની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધઃ લોક વિચાર મંચનાં ગજેન્દ્રસિંહ ઝાલા-દિલીપ આસવાણીએ કમિશ્નરને રજૂઆત કરી તપાસ માંગી

રાજકોટ તા. ૧૦ :.. શહેરમાં વોંકળા સફાઇની કામગીરી લોલંલોલ ચાલતી હોવાની અને તેમાં ભ્રષ્ટાચારની ગંદ આવતી હોઇ આ બાબતે તપાસ કરાવવા. લોક વિચાર મંચ સંસ્થાનાં ગજેન્દ્રસિંહ ઝાલા અને દિલીપભાઇ આસવાણીએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩ ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવકતા ગજેન્દ્ર સિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી), કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા લોકસંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડની સંયુકત યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોકળાએ શાસકો માટે ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન છે. રાજકોટમાં એક સમયે વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેના મસમોટા વોકળાઓ હતા જે શાસકોએ ભરતી ભેરણીમાં આપી વોકળાઓ ઉપર આલીશાન બિલ્ડિંગો ખડકી દીધી વોકળાની જમીનો ભાજપે વેચી નાખી જે પગલે કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા માં અવરોધ થયો નજીવા વરસાદે રાજકોટમાં ગોઠણભેર આજે પણ પાણી ભરાઇ છે. વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર સિસ્ટમ ફેઇલ જતા શહેરના મુખ્ય રસ્તાઓ નદી અને બેટમાં ફેરવાઇ જાય છે અને લોકોના ઘરમાં ગોઠણભેર પાણી ઘૂસી જાય છે.

આમ તો રાજકોટમાં વોકળાઓમા કે આજી નદીમાં બાંધકામ વેસ્ટ કે કચરો નાખવા પર પાબંદી છે તે અંગે નું જાહેરનામું પણ અમલમાં છે.પરંતુ જે ફકત કાગળ પર છે. શહેરભરનો બાંધકામ વેસ્ટ અને કચરો વોકળાઓમાં ઠલવાતો રહે છે. મહાનગરપાલિકાએ શહેરના ૧૯ વોકળાઓમાંથી ૧૧૫૪ ટન કચરો દૂર કર્યાનો દાવો કર્યો અને પ્રિમોન્સુન કામગીરીમાં ૧/૪ થી ૮/૫ સુધીમાં ૧૦૧ ડમ્પરો અને ૧૪૪ ટ્રેકટર્સ ના ફેરા થયા પરંતુ આ ફેરામાં ભ્રષ્ટાચારની બદબુ આવતી હોય તેવુ સ્પષ્ટ જણાય છે. કારણકે આજે ઉપરોકત આગેવાનોએ શહેરના વોર્ડ નંબર ૩ ના પરસાણા નગર, હંસરાજ નગર, ગાયકવાડી અને વોર્ડ નંબર ૧૪ કોઠારીયા કોલોની, પુજારા પ્લોટ, ભકિતનગર સોસાયટી કુંભારવાડા, કેવડાવાડી, હાથીખાના સહિતના વોકળાઓની સ્થળ તપાસ કરતા વોકળાઓ બેફામ ગંદકીથી ખદબદતા જોવા મળ્યા હતા અને વોકળા ની બોકસ ગટરમાં દોઢથી બે ફૂટના દ્યાસ (ખળ) ઊગી નીકળ્યા હોય જેથી શાસકોની પોલ ખૂલી ગઈ હતી અને મુખ્ય અને મોટા વોકળાઓમાં થી જ ગંદકી દૂર થઈ નથી.

વધુમાં રાજકોટ મહાનગરપાલિકા એ એવો દાવો કર્યો છે કે હજુ ૨૦૦૦થી વધુ ટન કચરો વોકળાઓ માથી નીકળશે ત્યારે ફકત પ્રિમોન્સુન કામગીરી સમયે જ વોકળાઓની સફાઈ થાય છે ? જો આખું વર્ષ મનપા વોકળાઓના બીલો બનાવી ટ્રેકટરો અને ડમ્પરોના ફેરા કરતી રહેતી હોય તો આટલો બધો કચરો આવે છે કયાંથી સમગ્ર વર્ષ દરમિયાન ના પણ તમામ ફેરાની તટસ્થ તપાસ થવી ઘટે.

આશ્ચર્યની બાબત તો એ છે કે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને ફોનથી કયા- કયા વોકળાઓની સફાઈ કરી છે. તે અંગે પૂછતા જવાબમાં અધિકારીઓએ ખબર નથી એ તો જોવું પડે અને તમને પછી વિગતો મોકલુ એવો ઉડાઉ જવાબ આપતા આ ભ્રષ્ટાચારની બદબૂ આવતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને ઉપરોકત આગેવાનોએ લેખિત ફરિયાદ કરી તટસ્થ તપાસ કરી ખોટા ફેરા થયા હોય તો જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠાવી છે.

(4:14 pm IST)