Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીને બેડ અપાવવા રૂપિયા પડાવવા અંગે બે આરોપીના જામીન નામંજુર

રાજકોટ,તા. ૧૦: કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીને તાત્કાલીક સારવારઅપાવવા રૂપિયા પડાવી દર્દીને બેડ અપાવવાના પ્રકરણમાં ઝડપાયેલા બન્ને આરોપીઓની જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત મુજબ શહેરમાં કોરોનાની મહામારીએ અજગર ભરડો લેતા કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી. અને સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને એડમીટ કરાવવામાંટે એમ્બ્યુલન્સોની ભારે લાઈનો લાગી હતી. જે અરસામાં સિવિલ હોસ્પિટલ નજીક ચૌધરીના ગ્રાઉન્ડમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને દાખલ કરાવવા વેઈટીંગમાં રહેલી ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સોની લાઈનો લાગી હતી. જે દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં ફિકસ પગારથી ચોક્કસ સમય માટે નોકરી કરતા એટેન્ડન્ટ અને સફાઈ કર્મી જગદીશ ભરતભાઈ સોલંકી, અને હિતેષ ગોવિંદભાઈ મહીડા, દર્દીઓના સગાનો સંપર્ક કરી રૂપિયા નવ હજારમાં તાત્કાલીક સારવાર મળી રહે તે માટે બેડ અપાવવા કૌભાંડ આચરતા હતાં. અને મુકેશભાઈ મકવાણાના પત્નીને વોર્ડ નં. ૧૧ માં બેડ અપાવવા રૂપિયા નવ હજાર લીધા હોવાનું સામે આવતા આર એમ ઓએ પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસને બન્ને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા બન્ને આરોપીએ જામીન મુકત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા પર આવતા કોર્ટે બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈ બંને આરોપીઓને જામીન અરજી ના મંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી રોકાયા હતા.

(3:13 pm IST)