Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રોજ ૧૦ MCFT નર્મદા નીર બચાવી આજી ભરાશેઃ લોકોને કરકસર કરવા અનુરોધ

સૌની યોજના હેઠળ આજી-૧ અને ન્યારી-૧માં નર્મદા નીર ઠાલવી ઉનાળાની જળકટોકટી દુર કરવા માટે મેયર સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઇનો આભાર માન્યો

રાજકોટ તા. ૯ : આ વર્ષ ઓછો વરસાદ થતાં રાજકોટને પાણી પુરૃં પાડતા આજી - ન્યારી - ભાદર વગેરે જળાશયોમાં પાણી ડુકી જતાં રાજકોટના આજી - ન્યારી ડેમોમાં સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠાલવી ડેમો ભરવાનું આ વર્ષ સતત ત્રીજી વખત ચાલુ થયું છે ત્યારે આ વખતે જે દરરોજ ૧૫ એમસીએફટી નર્મદા નીર રાજકોટને મળે છે. તેમાંથી ૧૦ એમસીએફટી નર્મદા નીર બચાવી તેમાંથી આજી ડેમ ભરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો પણ પાણી બચાવે તેવી અપીલ મેયર સહિતના પદાધિકારીઓએ કરી છે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, તથા વોટરવર્કસ બાબુભાઈ આહીર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનીટ પીવાનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતિત છે, ગત વર્ષે નબળા ચોમાસાને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં સંતોષકારક પાણીનો જથ્થો આવેલ નહિ, ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેની નેતૃત્વની સરકાર દ્વારા આજી-૦૧ ડેમમાં નર્મદા નીરનું અવતરણ કરાવેલ તેમજ તાજેતરમા જ ન્યારી-૦૧ ડેમમાં પણ નર્મદાના નીરનું અવતરણ કરાવેલ.

હાલમાં ઉનાળાની ઋતુના કારણે પાણીની માંગમાં વધારો થયેલ છે. ચોમાસા દરમ્યાન ભાદરમાં પાણીનો જથ્થો ઓછો આવવાથી હાલમાં ઉપાડવામાં આવતા પાણીના જથ્થો ધ્યાનમાં લઇ ૩૧ મે ૨૦૧૯ અથવા વધુને વધુ જુનના પહેલા વીક સુધી પાણીનો જથ્થો ઉપાડી શકાય તેમ છે. ચોમાસું ખેચાય અને નવા નીરની આવક મોડી થાય તે તમામ સ્થિતિ ધ્યાનમાં રાખી શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી મળી રહે તે માટે થોડા દિવસ પહેલા જ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન થયેલ. જેમાં રાજકોટ શહેરને ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી પાણીનો જથ્થો જળવાઈ રહે તે ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા સૌની યોજના હેઠળનું પાણી આપવા પમ્પીંગ શરૂ કરેલ જેના કારણે આજી-૦૧ ડેમમાં નર્મદાનું પાણી ગઈકાલ રાતથી પહોંચી ગયેલ છે. આ ઉપરાંત ન્યારી-૦૧ ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે પમ્પીંગ શરૂ કરી દીધેલ છે, ને લગભગ આજ રાત સુધીમાં ન્યારી-૦૧ ડેમમાં પણ પાણી પહોંચી જશે. રાજકોટ શહેરની સતત ચિંતા કરી તાત્કાલિક સૌની યોજના અંતર્ગત પાણી શરૂ કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટ શહેરના નગરજનો વતી પદાધિકારીઓ દ્વારા હૃદયપૂર્વક આભાર માનેલ છે.

આજી-૧ ડેમમાં ૩૨૫ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો હતો. નર્મદાના બે પંપ શરૂ થતા દરરોજ આશરે ૧૫ એમ.સી.એફ.ટી. ઠાલવાશે. દરરોજ પાણી વિતરણ માટે ૫ એમ.સી.એફ.ટી. પાણી ઉપાડવામાં આવે છે એટલે કે, ૧૦ એમ.સી.એફ.ટી. પાણીનો બચાવ થઇ ડેમમાં પાણીના જથ્થામાં વધારો થશે.

ભાદર ડેમ આધારિત સેન્ટ્રલ ઝોન વિસ્તારને પાણી વિતરણ માટે નર્મદા કેનાલ મારફત બેડી પર નર્મદાનું વધુ પાણી મેળવી જયુબેલી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને જયુબેલી ઝોનથી ગુરુકુલ ઝોનમાં પાણી ટ્રાન્સફર કરી શકાય તે માટે તાજેતરમાંજ  જયુબેલી ખાતે ૩ નવા પંપ મુકવામાં આવેલ છે. જેના કારણે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરી શકશે.

આમ, શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી મળી જ રહેશે તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ. વિશેષમાં પાણીનો બગાડ ન થાય અને કરકસરપૂર્વક વપરાશ કરવા લોકોને અપીલ કરેલ.

(3:33 pm IST)