Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અકસ્માતમાં પુત્રને ગુમાવનાર માતા-પિતા અને પત્નિ બાળકોને ૩૮ લાખ ૮૨ હજારનો કલેઇમ ચુકવવા હુકમ

માતા-પિતાને અલગથી મળેલ ૧૧ લાખ ૫૦ હજાર મૃતકની વિધવા પુત્રવધુ અને તેના બાળકોને આપી દઇને ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુઃ વિમા કંપનીએ લાખોની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચુકવવી પડશે

રાજકોટ તા.૧૦: રૂ.૩૮,૮૨,૩૦૦ અંકે રૂપિયા આડત્રીસ લાખ બયાસી હજાર ત્રણસોનું એ.ડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી અને મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ જજશ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટે ચુકાદો આપી યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યું. કાું.લી.રાજકોટ તથા આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યું.કાું.રાજકોટ સામે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગેની વિગત છે કે તા.૬-૮-૨૦૧૬ના રોજ રોજ ગુજરનાર મોહંમદ રફીક ઇસ્માઇલ ઉવ.આ. ૨૯, ભરૂચ જીલ્લાના રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં રોડનું કામ કાજ હતું અને કોન્ટ્રાકટર કામ રાખતા હતા અને કામનું સુપરવીઝન પણ કરતા હતા અને રાહદારી તરીકે રસ્તાની તદન ડાબી બાજુએ ઉભા હતા. તે દરમ્યાન ટ્રક નં. GJ-16W-8778 તથા ટ્રક નં. GJ-16X-7949 દ્વારા એકસીડન્ટ થયેલ હતું. જેમાં રાહદારીનું મૃત્યુ થયેલ હતું. બન્ને ટ્રકોના ડ્રાઇવરોએ બેદરકારી પુરઝડપે ગફલતભરી રીતે ચલાવીને રસ્તામાં ઉભેલા રાહદારીને એકસ્માત કરતા ભરૂચ પોલીસ સ્ટેશનમાં ગુન્હાથી વાહન ડ્રાઇવર સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ગુજરનારનું પી.એમ.ભરૂચ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલ હતું અને ગુજરનારના પત્ની મહેસુસબેન મોહંમદ રફીકભાઇ બબ્બર બાળકો તથા માતા પિતા વિગેરેએ રાજકોટના એમ.એસ.સી.ટી. કોર્ટમાં વળતરનો દાવો દાખલ કરેલ હતો.

આ કલેઇમ કેસ રાજકોટ કોર્ટમાં ચાલી જતા ખુબજ ટુંકા ગાળામાં કોર્ટે ગુજરનાર ઉમર, આવક વિગેરે દસ્તાવેજો વિગેરે ધ્યાનમાં લેતા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એમ.એ.સી.ટી.કોર્ટના જસ્ટીસ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટે આ કલેઇમ કેસમાં યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યું.કાું. રાજકોટ  તથા આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યું.કાું. રાજકોટ સામે રૂ.૩૮,૮૨,૩૦૦નું વ્યાજ ખર્ચ સહીત હુકમ નામું કરી આપેલ છે.

આ કામે ગુજરનારના પત્ની રાજકોટમાં અલગ રહેતા હતા ગુજ.ના માતા પિતા પણ અલગ રહેતા હતા. ગુજ.ના માતા પિતાનો કોર્ટ રૂ.૧૧,૫૦,૦૦૦ આપેલ હતા. તે રકમ તેઓએ ગુજરનારના પત્ની તથા બાળકોને તમામ રકમ આપી દઇને ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે પોતે કોઇ જાતની વળતરની રકમ લીધેલ નથી. માતા પિતા સાધારણ ગરીબ માણસ છે. તેમના આ નિર્ણયને વકીલોએ આવકાર્યો હતો.

 આ કલેઇમ કેસમાં રાજકોટના કલેઇમના એસોસીએટેડ વકીલશ્રી એ.જી.મોદન,એફ.એ.મોદન તથા એન.એ.મોદન રોકાયેલ હતા.

(11:59 am IST)