Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બેફામ બનેલા ભૂમાફીયાઓને કાયદાનું ભાન કરાવી અમોને ન્યાય આપો

મકાનો ખાલી કરાવવાની ધમકી અપાતા વોર્ડ નં. ૮ના મારૂતિ પાર્કના રહેવાસીઓ દ્વારા કલેકટર - પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૮માં આવેલ કાલાવડ રોડ, નારાયણ નગરની બાજુમાં આવેલા શ્રી મારૂતિ પાર્ક કો. ઓ. હા. સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ૨૦ વર્ષથી વસવાટ કરે છે અને આ સોસાયટીમાં અંદાજે ૧૭૫થી પણ વધારે મકાનો આવેલા છે. આ સોસાયટી સુચિત હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ કાયદેસર કરવા અંગે ઈમ્પેકટ ફી ભરી બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવા અંગેની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવેલ છે ત્યારે સોસાયટીના મકાનો ઈમ્પેકટ ફી ભરી બાંધકામ મંજૂર કરાવેલ તથા રાજય સરકારશ્રી તરફથી સુચિત સોસાયટીઓ કાયદેસર કરવાની પ્રક્રિયા જોરશોરથી હાથ ધરેલ છે ત્યારે મારૂતિ પાર્કની સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલી છે. જયારે રાજય સરકાર માલિક હક્ક આપવા તત્પર છે ત્યારે શહેરના લેભાગુ ભુમાફીયાઓ દ્વારા આ મિલ્કતને પોતાના હસ્તગત કરવા યેનકેન પ્રકારે મસલ્સ પાવર વાપરવાની પેરવી કરવામાં આવી રહી છે જયારે તંત્ર તરફથી સનદ આપવાની કાર્યવાહી ચાલુ હોય તેવા સમયે રહેવાસીઓને નોટીસો બજવી સસ્તા ભાવે મકાનો પડાવી લેવાનો કારસો મુળ ખેડૂતો દ્વારા ૨૦ વર્ષ બાદ રચવામાં આવ્યો છે. જેની સામે સોસાયટીના રહેવાસીઓએ કલેકટર શ્રી તથા પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી રક્ષણની માગણી કરવામાં આવેલ હતી.

રજૂઆતમાં મારૂતિ પાર્કના રહેવાસીઓ સાથે વોર્ડના ભાજપના પ્રભારી નીતિન ભૂત, રઘુભાઈ ધોળકીયા, વોર્ડના કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, વિજયાબેન વાછાણી, વોર્ડ પ્રમુખ વી. એમ. પટેલ, મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયોતિબેન લાખાણી, છગનભાઈ સખીયા, લલીત પટેલ, મનસુખભાઈ પટેલ, હેમંતસિંહ જાડેજા, ઈશ્વરભાઈ વાછાણી, રેખાબેન ઠુમર, ડિમ્પલભાઈ સાણી સહિતના જોડાયા હતા.(૩૭.૧૪)

(4:14 pm IST)