Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પી.પી.પી. કમીટીમાં નિર્ણય

સાધુવાસવાણી રોડ પરની લગડી જમીનના માત્ર ૬ાા કરોડનો ભાવ આવતા હવે રિ-ટેન્ડર

નટરાજનગર ઝુંપડપટ્ટીના ડીમોલીશન બાદ ખાલી પડેલા ૧૬૦૦૦ ચો.મી.ના પ્લોટમાં ૩રપ ફલેટ તથા દુકાનોની પી.પી.પી. આવાસ યોજના માટે કમીટી મળી : નિર્ણય અંગે જાહેરાત કરતા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ, તા. ૧૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા સાધુવાસવાણી રોડ જેવા ક્રીમ વિસ્તારમાં પી.પી.પી. આવાસ યોજના નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ટેન્ડરો ૧ વર્ષ અગાઉ પ્રસિદ્ધ કરાવેલ જેમાં માત્ર ૧ બિલ્ડરે માત્ર રૂ. ૬ાા કરોડના ભાવ સાથે ટેન્ડર ભર્યું હતું. દરમિયાન લાંબા સમય બાદ છેક આજે પી.પી.પી. આવાસ યોજના માટે ખાસ કમીટીની બેઠક મળી હતી. જેમાં ઉપરોકત જમીન માટે જે ભાવ આવ્યા છે તે ઓછા હોઇ વધુ એક વખત ટેન્ડરો પ્રસિદ્ધ કરવા નિર્ણય લેવાયો હતો.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા પી.પી.પી. કમીટીના સભ્ય અને મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે સરકારી જમીનો પર ઉભી થઇ ગયેલી ગેરકાયદે ઝુંપડપટ્ટીના ઝુંપડાવાસીઓને તેઓની ઝુંપડપટ્ટીના સ્થળેજ તદ્ન નિઃશુલ્ક ધોરણે પાકા બાંધકામ વાળા ફલેટ સંપૂર્ણ સુવિધા સાથે આપવા માટે પી.પી.પી. આવાસ યોજનાની પોલીસી અમલમાં મૂકી છે. જે અંતર્ગત રાજકોટ કોર્પોરેશને રૈયાધાર, હીંગળાજનગર, આંબેડકરનગર, અંબિકા ટાઉનશીપ પાસે મવડી વિસ્તારમાં વગેરે સ્થળે પી.પી.પી. આવાસ યોજનાના નિર્માણ થઇ રહ્યા છે અને આ જમીનોના વેચાણથી કોર્પોરેશનને કરોડો રૂપિયા આવક થઇ છે. સાથોસાથ ઝુંપડાવાસીઓને નિઃશુલ્ક ફલેટ પણ ઉપલબ્ધ બન્યા છે.

દરમિયાન હવે આજ પ્રકારે વોર્ડ નં.૯માં આવેલ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ નટરાજનગર મફતીયાપરાની અંદાજે ૧૬૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર પણ પી.પી.પી. ધોરણે આવાસ યોજના નિર્માણ માટે ટેન્ડરો પ્રસિદ્ધ કરાયેલ, પરંતુ આ ટેન્ડરમાં માત્ર એકજ એજન્સી વિનય ઇન્ફ્રા. દ્વારા માત્ર ૬ાા કરોડનો જ ભાવ આવ્યો હતો, પરંતુ આ ભાવ અત્યંત ઓછા હોઇ હવે રિ-ટેન્ડર કરીને ફરીથી ઉપરોકત જમીન બિલ્ડરને વેંચવા પ્રયાસ થશે.

નોંધનીય છે જે બિલ્ડર સૌથી વધુ ભાવ આપી આ જમીન ખરીદશે તે બિલ્ડરે આ જમીનમાં નટરાજનગરના ડીમોલીશનમાં મકાન ગમાવનારા ૩રપ જેટલા ઝુંપડાવાસીઓ તથા દુકાનદારો માટે પાકા ફલેટ તથા દુકાનો બનાવી આપી તમામને નિઃશુલ્ક આપવાના રહેશે.

ઉપરોકત પી.પી.પી. યોજનાની સરકાર નિયુકત કમીટીની બેઠકમાં સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ ઉપરાંત ટી.પી.ઓ, શ્રી સાગઠીયા, સીટી ઇજનેર, અલ્પનાબેન મિત્રા, ડે. કમિશનર શ્રી નંદાણી, બિલ્ડર એસો.ના પ્રતિનિધિ સુજીતભાઇ ઉદાણી, બોલબોલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય વગેરે સભ્યોએ ઉપસ્થિત રહી રિ-ટેન્ડરના નિર્ણયમાં સહભાગી થયા હતાં.

કલેકટર-રૂડાના પ્રતિનિધિ ગેરહાજર

નોંધનીય છે કે પી.પી.પી. આવાસ માટેની કમીટીમાં કલેકટર તંત્ર અને રૂડા તંત્રના કોઇપણ પ્રતિનિધિ હાજર નહીં રહેતા બાબતે ચર્ચાના એરણે ચડી હતી.

(4:08 pm IST)