Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

'છુટી જશે છકકા' : રમુજ સાથે ગંભીર સંદેશો આપી જતી ફિલ્મ

જાનકી બોદીવાલા, ભરત ચાવડા અને સૌરભ રાજયગુરૂનો જરા હટકે અભિનય : કલર વીચ કલર, પગરવ અને ટાઇટલ સોંગ મળી ત્રણેક ગીતો ફિલ્મ પહેલાજ છવાયા : ૨૫ મી એ રીલીઝ

રાજકોટ તા. ૧૦ : ક્રિકેટના સટ્ટાની વાત લઇને રમુજ સાથે ગંભીર સંદેશો આપી જતી ગુજરાતી ફિલ્મ 'છુટી જશે છકકા' આગામી તા. ૨૫ ના રીલીઝ થવા જઇ રહી છે.

આ ફિલ્મની વાતોવાગોળતા ડાયરેકટર દુર્ગેશ તન્નાએ જણાવેલ કે અમે ખુબ હળવા અંદાજ અને કોમેડી સાથે અર્થસભર સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. આમ તો ફિલ્મ ક્રિકેટના સટ્ટાની વાર્તા ઉપર આગળ વધે છે. છતા તેમાથી નિચોડ રજુ થાય છે તે અન્ય બાબતોને પણ લાગુ પડે છે. વિષય વસ્તુની સાથે તમામ પાત્રોને સમાન ન્યાય અપાયો છે. કલાકારોને પણ ખીલવાની આ ફિલ્મમાં પુરી તક મળી છે.

ફિલ્મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને ભાવનગરમાં કરાયુ છે. ત્રણેક જેટલા ગીત પણ સમાવાય છે. જેમાં એક તો ટાઇટલ શોંગ 'છુટી જશે છકકા' અને બીજુ 'પગરવ' ખુબ લોકપ્રિય બન્યુ છે. જયારે એક ગીત હોળી - ધુળેટીના પ્રસંગને લઇને 'કલર વીચ કલર' તૈયાર કરાયુ છે.

આ ફિલ્મમાં નાગરાજનું પાત્ર જીવંત કરી રહેલ અભિનેતા ભરત ચાવડા કહે છે કે આ ફિલ્મમાં મેં દીલ રેડીને કામ કર્યુ છે.  જો કે આ પહેલા તંબુરો ફિલ્મમાં પણ કામ કરી ચુકયો છુ. અન્ય બે ફિલ્મો હજુ આવી રહી છે. હિન્દી ફિલ્મ રામલીલામાં વીરસીંગના મિત્ર તરીકે કામ કરેલ.

 અભિનેત્રી જાનકી બોડીવાલાએ જણાવેલ કે આ ફિલ્મમાં મારૂ પાત્ર 'અંકિતા' તરીકે છે. આ પહેલા 'છેલ્લો દિવસ', 'અવતારી' અને 'તંબુરો' માં કામ કરેલ છે. આ મારી ચોથી ગુજરાતી ફિલ્મ છે. આમ તો હું મુળ ગુજરાતી પરિવારમાંથી આવુ છુ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવું મને ખુબ ગમે છે.

'સચિન' ના પાત્રને ન્યાય આપનાર સૌરભ રાજયગુરૂએ જણાવેલ કે આમ તો મારૂ આ પહેલુ જ ફિલ્મ છે. આ પહેલા અનેક આલ્બમોમાં કામ કરી ચુકયો છે. આગામી દિવસોમાં થ્રીજી ડોટ કોમ રીલીઝ થનાર છે.

આ ફિલ્મની વાર્તા દુર્ગેશ તન્નાએ જ લખી છે. જયારે સંગીત કેદાર-ભાર્ગવે આપેલ છે. ગીતો ભાર્ગવ પુરોહીત અને નિરેન ભટ્ટે લખ્યા છે. સ્વર દિવ્યા કુમાર, ભુમિ ત્રિવેદી, હર્ષિત ચૌહાણ અને ભાર્ગવ પુરોહીતે આપ્યો છે. મ્યુઝીકલ લેબલ રેડ રિબન મ્યુઝિક છે.

તસ્વીરમાં જાનકી બોડીવાલા, ભરત  ચાવડા અને તેમની બાજુમાં દુર્ગેશ તન્ના તથા સૌરભ રાજગુરૂ તેમજ નિર્ભય પોપટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)