Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રાજકોટથી પરત ફરતા વકીલોની કારને ટ્રકે ઉડાડતા ૧ વકીલનું મોત

બીજા ધારાશાસ્ત્રીના ૨ પગ કાપવા પડયાઃ પંચર પડતા વ્હીલ બદલી રહેલ ત્યાં ટ્રકે ટક્કર મારીઃ સાથેના બંને બાળકોનો ચમત્કારિક બચાવ

રાજકોટ તા. ૧૦ : બગોદરા હાઇવે પાસે ગઇકાલે પંચર પડેલ કારનું વ્હીલ બદલી રહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ૩ વકીલોને ટ્રકે ટકકર મારતા ૪૦ વર્ષીય શ્રી ધર્મેશ પાઠકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ૩૮ વર્ષીય શ્રી ઇન્દ્રજીત ચાવડા અને શ્રી રાજેશ ડુંગરાણીને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે અમદાવાદ લવાયા હતાં. જેમાં સારવાર દરમિયાન ઇન્દ્રજીત ચાવડાના બન્ને પગ કાપવા પડ્યા હતાં. આ ઘટનાના સમાચારથી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટના વકીલો સહિત વિવિધ બારના વકીલોમાં શોકનું મોજુ ફેલાયું હતું.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટબારના કોરોબારી સભ્ય ધર્મેશ પાઠક તેમનો ૧૧ વર્ષીય પુત્ર ધ્રુવ, ઇન્દ્રજીત ચાવડા અને રાજેશ ડુંગરાણી ૭ મે નારોજ સવારે કાર લઇને રાજકોટ ગયા હતાં. અને ત્યાની કોર્ટમાં કામ પતી ગયા બાદ ધર્મેશભાઇની બેનના ઘરે ગયા હતાં. ત્યારે તેમની સાથે તેમનો ભાણિયો અમદાવાદ આવતો હતો. ધર્મેશભાઇ રાજકોટથી નિકળ્યા હતાં અને બગોદરા હાઇવે પાસે રાત્રીના ૮.૩૦ વાગે તેમની કારમાં પંચર પડયું હતું. એ વખતે પાંચેય લોકો કારની બહાર નિકળ્યા હતાં.

સ્પેર વ્હીલ કાઢતા હતાં એ વખતે પુરઝડપે આવી રહેલ કારે ટકકર મારતા ધર્મેશભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ચાવડા અને ડુંગરાણી ગંભીર રીતે ઘાયલ થયા હતાં. સદનસીબે બન્ને બાળકોને ખરોચ પણ આવી નહોતી. નજર સમક્ષ બનેલી ઘટનાથી બન્ને બાળકો સ્તબ્ધ થઇ ગયા હતાં. જો કે તેમણે હિંમત દાખવી ઘટના અંગેની જાણ પરિવારજનોને કરી હતી. ઇજાગ્રસ્ત ચાવડા અને ડુંગરાણીને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. જેમાં સિવિલમાં સારવાર દરમિયાન તેમના બન્ને પગ કાપી નાખ્યા હતાં. જયારે માથામાં ઇજાગસ્ત થયેલા ડુંગરાણીને વી.એસ.માં દાખલ કરાયા છે. દરમિયાન અકસ્માત સંદર્ભે બગોદરા પોલીસ સ્ટેશનમાં અજાણયા ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

ગ્રામ્ય બારના પ્રમુખ રાજેશ પારેખ, ઉપપ્રમુખ પંકજ રાઠોડ અને સેક્રેટરી અપૂર્વ શાહે જણાવ્યું હતું કે, ઘટનાનો ભોગ બનેલા વકીલો ગ્રામ્ય બારના પરિવારના સભ્યો હતાં. આથી તેમના પરિવારજનોની સાથે ગ્રામ્ય બાર હંમેશા તેમની પડખે રહેશે.

(3:12 pm IST)